Aapnu Gujarat
બ્લોગ

નોટબંધીનો પ્રથમ જન્મદિવસ

આપણે ત્યાં જન્મદિવસ ઉજવવાનો માહોલ જોવા મળે છે. નાનું બાળક જન્મે અને એક મહિનો થયો હોય તો પણ પ્રથમ મહિનો તેમ કહીને ઉજવે છે અને પછી તો વર્ષોવર્ષ જન્મદિવસો ઉજવાતા જાય છે અને એકલા માણસનાં જ નહીં પરંતુ આજકાલ તો પોતાનાં પાળેલાં ડોગીનાં જન્મદિવસ લોકો ધૂમધામથી ઉજવે છે. લોકોને બોલાવે છે, ખાણીપીણી રાખે છે અને લોકો આનંદ અનુભવે છે પરંતુ જન્મ લેતી વખતે જે પ્રસુતિ પીડા થાય છે તે સૌ કોઈ જાણે છે, તેવું જ આજે નોટબંધીનો જન્મદિવસ છે એટલે કે નોટબંધીને એક વર્ષ પૂર્ણ થાય છે, જે રીતે જન્મ લેતી વખતે પ્રસુતા પીડા અનુભવે છે તેવી જ કંઈ પીડા નોટબંધી જાહેર થતાં સરકારે અનુભવી. ચારેબાજુ હાહાકાર મચી ગયો. બેંકો પર લાંબી-લાંબી કતારો લાગી. આબાલ-વૃદ્ધ આખો-આખો દિવસ લાઈનોમાં ઉભા રહ્યાં, ક્યાંક ધક્કા-મુક્કી થઈ તો ક્યાંક મારામારી પણ થઈ, કેટલીક જગ્યાએ બેંકનાં મેનેજરોએ પોતાનાં રક્ષણ માટે પોલીસ પણ બોલાવી. ઈલેક્ટ્રોનિક્સ મીડિયાવાળા બેંકે-બેંકે ગોઠવાઈ ગયાં. લોકોનાં અભિપ્રાય જાણવાનો પ્રયત્ન કરતાં પરંતુ મોટાભાગનાં સામાન્ય લોકોએ નોટબંધીને આવકારી અને જવાબ આપતાં હતાં કે, આજે ભલે અમને મુશ્કેલીઓ પડે પણ આનાથી અમારું ભવિષ્ય સારું થશે. આવા જવાબ મળતાં કેટલાંક ઈલેક્ટ્રોનિકસ મીડિયાવાળા નિરાભા અનુભવતા, તેઓને તો જોઈતું હતું સરકારને લોકો ગાળો ભાંડે, નોટબંધી ખોટી થઈ છે જેનાથી આમ જનતા પરેશાન થઈ છે, આવી સરકાર ના ચાલે તેવા જવાબોની અપેક્ષા તેઓ રાખતાં હતાં પરંતુ નોટબંધીને સામાન્ય જનતાએ સ્વીકારી લીધી અને તેને પૂર્ણ સહયોગ પણ આપ્યો. ક્યાંક-ક્યાંક નોટબંધીને કારણે જેઓને ત્યાં લગ્ન અથવા નાનાં-મોટાં પ્રસંગો હતાં તેમણે ઘણી મુશ્કેલી અનુભવી, જેમ-જેમ સરકારનાં ધ્યાનમાં સમસ્યાઓ આવવા લાગી તેમતેમ સમસ્યાઓનું નિરાકરણ પણ થવા લાગ્યું.
ગુજરાતનો વેપારી આલમ ત્યારે તો બહુ સળવળાટ ના કર્યો, ગુંગળામણ અનુભવતા હતાં, સારું કહેવું કે નરસું કહેવું તેની ગડમથલમાં હતાં પરંતુ જેવી ચૂંટણી આવી કે નોટબંધીનાં વિરુદ્ધમાં આમ જનતા શાંત થઈ ગઈ પરંતુ વેપારીઓએ ઉધડો લીધો. નાનાં-મોટાં બજારો બંધ કરવા લાગ્યાં, લાંબી-લાંબી હડતાળો પાડવા લાગ્યાં અને એકસામટા નાનાથી માંડી મોટાં વેપારીઓ બધું ઠપ થઈ ગયું છે તેવી બૂમરાણ કરવા લાગ્યાં. ભારતીય જનતા પાર્ટીએ એકબાજુ ચૂંટણી જીતવી છે, પુનઃ તેમની સરકાર બનાવવી છે ત્યારે બીજીબાજુ આ વેપારીઓનો ઉહાપોહ પાર્ટી માટે દુઃખાવો બની ગયો છે તો બીજીબાજુ હવનમાં હાડકાં નંખાય તેવી રીતે કોંગ્રેસનાં ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પોતાનાં ગુજરાત પ્રવાસ દરમિયાન અને તેમનાં ભાષણમાં આ નોટબંધીનો પ્રશ્ન ચગાવી રહ્યાં છે, એટલું જ નહીં ઉદ્યોગનગરી સુરતનાં વેપારીઓને તો તેઓએ આશ્વાસન આપ્યું કે, હું તમારી સમસ્યા જાણવા માટે ફરીથી રૂબરૂ આવવાનો છું ત્યારે બીજીબાજુ ભારતનાં પૂર્વ મનમોહનસિંહે ગુજરાતમાં આવી ગુજરાતનાં વેપારીઓને મળી ઉંબાળુ ચાંપવાનો પ્રયત્ન કર્યો છે. જોઈએ હવે આ ચાંપેલું ઉંબાળુ વિધાનસભા ચૂંટણીમાં ભડકો થાય છે કે સૂરસૂરીયુ થઈને બંધ થઈ જાય છે તે તો આવતાં ચૂંટણીનાં પરિણામો જ કહેશે. નોટબંધીનાં જન્મદિવસને અમારી શુભેચ્છા.

Related posts

ડૉ. બાબાસાહેબ આંબેડકર : કાયદા પ્રધાન પદેથી રાજીનામું આપવાનાં મહત્વનાં કારણો

aapnugujarat

इमरान : कश्मीर में जनमत-संग्रह ?

editor

अकाली दल मिशन 2022 की सफलता को लेकर गंभीर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1