Aapnu Gujarat
ગુજરાત

જય શાહ વિશે લેખ મામલે જવાબદારો હવે હાઇકોર્ટમાં

દિલ્હીના ધ વાયર નામના ન્યુઝ પોર્ટલમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહ અને તેની કંપની વિશે લખાયેલા વિવાદીત અને બદનક્ષીભર્યા આર્ટિકલ અંગે જય શાહે અત્રેની મેટ્રોપોલીટન કોર્ટમાં પોર્ટલના રિપોર્ટર રોહિણીસિંહ સહિત સાત આરોપીઓ વિરૂધ્ધ દાખલ કરેલી બદનક્ષીની ફરિયાદ અને ફોજદારી કોર્ટ દ્વારા તેઓની વિરૂધ્ધ જારી કરાયેલા સમન્સના હુકમને પડકારતી ન્યુઝ પોર્ટલના જવાબદારોએ ગુજરાત હાઇકોર્ટમાં કવોશીંગ પિટિશન દાખલ કરી છે. જેની સુનાવણીમાં હાઇકોર્ટે અમિત શાહના પુત્ર જય શાહ સહિતના પક્ષકારો વિરૂધ્ધ નોટિસ જારી કરી છે અને કેસની વધુ સુનાવણી બે સપ્તાહ પર મુકરર કરી હતી. હાઇકોર્ટે જય શાહને બે સપ્તાહમાં જવાબ રજૂ કરવા નિર્દેશ પણ કર્યો છે. જો કે, હાઇકોર્ટે અરજદારપક્ષને નીચલી કોર્ટ દ્વારા જારી કરાયેલા સમન્સના હુકમ સામે સ્ટે આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો.  મેટ્રોપોલીટન કોર્ટ દ્વારા સમન્સ જારી કરાયેલ આરોપીઓમાં રોહિણીસિંહ ઉપરાંત ન્યુઝ પોર્ટલના ફાઉન્ડીંગ એડિટર સિધ્ધાર્થ વરદરાજન, સિધ્ધાર્થ ભાટિયા, એમ.કે.વેણુ, મેનેજીંગ એડિટર મોનોબીના ગુપ્તા, પબ્લીક એડિટર પામેલા ફિલિપોઝનો સમાવેશ થાય છે. નીચલી કોર્ટમાં આ કેસની સુનાવણી તા.૧૩ નવેમ્બરે મુકરર કરાઇ છે. બીજીબાજુ, ન્યુઝ પોર્ટલના જવાબદારો તરફથી નીચલી કોર્ટના સમન્સના હુકમને પડકારતી અને તેમની વિરૂધ્ધ જય શાહ દ્વારા દાખલ કરાયેલી આ ફરિયાદ રદબાતલ ઠરાવવા દાદ માંગતી કવોશીંગ પિટિશન હાઇકોર્ટમાં કરાઇ છે. જેમાં એવી દલીલ રજૂ કરાઇ હતી કે, અરજદારો દ્વારા તેમના ન્યુઝ પોર્ટલ પર જય શાહ અંગે પ્રસિધ્ધ કરાયેલ આર્ટિકલ હકીકત અને પબ્લીક ડોકયુમેન્ટ્‌સ આધારિત છે અને તેથી તેમાં બદનક્ષી જેવું કંઇ નથી. અરજદારપક્ષ દ્વારા જય શાહનો જવાબ પણ લેવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ તેમણે બહુ પ્રતિસાદ આપ્યો ન હતો. અરજદારોએ જાહેર દસ્તાવેજો અને પ્રાપ્ત માહિતીના આધારે જ આર્ટિકલ પ્રસિધ્ધ કર્યો છે, તેમાં કોઇ બદઇરાદો કે અદાવત જેવું કશું નથી. તેમણે ન્યુઝની રીતે જ આર્ટિકલ પ્રસિધ્ધ કર્યો છે. આ સંજોગોમાં તેઓની વિરૂધ્ધ દાખલ થયેલી ફરિયાદ અને તેને આનુષંગિક કાર્યવાહી ગેરકાયદે અને અયોગ્ય ઠરે છે. અગાઉ જય શાહે તેની ફરિયાદમાં આક્ષેપ કર્યા હતા કે, આરોપીપક્ષે તેમના ન્યુઝ પોર્ટલ પર ફરિયાદી અને તેમની સાથે જોડાયેલા અન્ય મહાનુભાવોની છબી ખરડાય તે પ્રકારે બિલકુલ ખોટી હકીકતો સાથેનો આર્ટિકલ પ્રસિધ્ધ કર્યો છે. એક જ વર્ષમાં કરોડો રૂપિયાના ટર્નઓવર વધી જવાની બાબતે જય શાહની કંપનીઓ અને તેમની કામગીરી સામે ગંભીર પ્રશ્નાર્થ અને શંકા આર્ટિકલમાં ઉઠાવાયા હતા. એટલું જ નહી, પોર્ટલના જવાબદારો દ્વારા ફરિયાદીને તા.૬-૧૦-૧૭ના રોજ મોડી રાત્રે એક વાગ્યે મેઇલ પર દસ પ્રશ્નોત્તરી મોકલી જવાબ માંગવામાં આવે છે અને બાર કલાકમાં જવાબ ન અપાય તો લેખ છાપી કાઢવાની ધમકી અપાઇ હતી. ન્યુઝ પોર્ટલના આર્ટિકલમાં જય શાહની ટેમ્પલ એન્ટરપ્રાઇઝ પ્રા.લિ કંપની અને તેના બીઝનેસમાં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ અણધાર્યો ઉછાળો જોવા મળ્યો હોવાની અને કંપનીનું ટર્ન ઓવર એક જ વર્ષમાં રૂ.૫૦ હજારથી રૂ.૮૦ કરોડ સુધી પહોંચ્યુ હોવાની હકીકતો પ્રગટ કરવામાં આવી હતી. વાસ્તવમાં ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓને લઇ બદઆશયથી આ લેખ પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. ચૂંટણીમાં આ મુદ્દાને ઉછાળવાના બદઇરાદા સાથે આર્ટિકલ પ્રસિધ્ધ કરાયો છે અને તેમાં પ્રથમદર્શનીય રીતે બદનક્ષીનો કેસ પ્રસ્થાપિત થાય છે. આ સંજોગોમાં આરોપીઓ વિરૂધ્ધ સંબંધિત કલમો હેઠળ ટ્રાયલ ચલાવી સખત નશ્યત કરવામાં આવે અને સીઆરપીસીની કલમ-૩૫૭ હેઠળ યોગ્ય હુકમ કરવામાં આવે એવી અદાલત સમક્ષ દાદ મંગાઇ હતી.(અનુસંધાન નીચેના પાને)

Related posts

૯ જાન્યુઆરીએ સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે પતંગ મહોત્સવ યોજાશે

aapnugujarat

મહેફિલ માણતાં ઝડપાયેલાં પીએસઆઈ સસ્પેન્ડ

aapnugujarat

વડોદરામાં ગાડીની રિક્ષા સાથે ટક્કર, એક જ પરિવારના 5 લોકોનાં મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1