Aapnu Gujarat
ગુજરાત

સત્ય-અસત્ય વચ્ચેની લડાઇમાં સચ્ચાઇની જ જીત થશે :રાહુલ

રાયબરેલીમાં એનટીપીસીની પ્લાન્ટમાં બોઇલર ફાટતાં ૧૮ જણાંના મોતના સમાચાર મળતાં જ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગઇકાલે તાત્કાલિક ગુજરાત પ્રવાસ પડતો મૂકી પીડિતોની મુલાકાતે પહોંચ્યા હતા. રાહુલ ગાંધી પીડિત પરિવારોને રૂબરૂ મળી તેમને આશ્વાસન-સાંત્વના આપ્યા બાદ આજે ફરી ગુજરાત પરત ફર્યા હતા અને દક્ષિણ ગુજરાતના વલસાડ સહિતના ક્ષેત્રોમાં તેમનો ચૂંટણી પ્રવાસ આગળ ધપાવ્યો હતો. રાહુલ ગાંધીએ બે હજાર જેટલી આંગણવાડી બહેનો સાથે રૂબરૂ મળી ચર્ચા કરી તેમને હૈયાધારણ આપી હતી કે, કોંગ્રેસની સરકાર આવશે તો, શોષણ નહી પરંતુ સ્વમાન અને સ્વાભિમાન સાથે નોકરી કરી શકશો. કોંગ્રેસની સરકારમાં તેઓને આર્થિક વેતનમાં પણ કોઇ અન્યાય નહી થાય અને સરકારી ધારાધોરણ મુજબ કાયદેસર વેતન ચૂકવાશે. રાહુલે મોદી સરકાર અને ભાજપ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું કે, આ વખતે વિધાનસભા ચૂંટણીમાં પણ સત્ય અને અસત્ય વચ્ચેની લડાઇ છે અને કોંગ્રેસ પાસે સત્ય(સચ્ચાઇ) સિવાય બીજું કશું જ નથી, તેથી સત્યનો જ વિજય થશે અને અસત્ય પરાજિત થશે. ઇતિહાસ સાક્ષી છે કે, સત્યનો જ હંમેશા જય થાય છે. રાહુલ ગાંધીએ મોદી અને ભાજપ સરકાર પર ચાબખા વરસાવતાં જણાવ્યું હતું કે, મોદીજીએ અને ભાજપ સરકારે આદિવાસીઓને શિક્ષા, રોજગાર અને જમીન આપવાના વાયદાઓ કર્યા હતા પરંતુ તે વાયદા નિભાવી જાણ્યા નથી. મોદી સરકારે આદિવાસીઓની જમીન છીનવી છે અને તેમના માનીતા ઉદ્યોગપતિઓને ફાળવી છે. આદિવાસીઓના હક્કની જમીન, પાણી અને વીજળી ઉદ્યોગપતિઓ સુધી પહોંચ્યા છે. કોંગ્રેસની યુપીએ સરકારે મનરેગા માટે રૂ.૩૫ હજાર કરોડ ફાળવ્યા હતા, જયારે મોદીએ આટલી મોટી રકમ એકમાત્ર ટાટા નેનો પ્રોજેકટ માટે આપી દીધી પરંતુ એક નેનો ગુજરાતમાં શોધ્યે જડતી નથી. આદિવાસીઓની જમીનની સુરક્ષા અને તેમના અધિકારો ભાજપના શાસનમાં છીનવાયા છે, તેને લઇ આદિવાસી સમાજ આઘાતમાં છે. નોટબંધી અને જીએસટીને લઇને પણ રાહુલ ગાંધીએ પ્રહારો કર્યા કે, નોટબંધી અને જીએસટીના કારણે દેશની અર્થવ્યવસ્થા નષ્ઠ થઇ ગઇ. ખેડૂતો, મજુરો, નાના દુકાનદાર, વેપારીઓની કમર તૂટી ગઇ. દેશનો જીડીપી બે ટકા નીચે આવી ગયો. નોટબંધી અને જીએસટીમાં બધુ બરબાદ થઇ ગયુ તો ય મોદીજી એમ કહે છે, નોટબંધી અને જીએસટીથી ફાયદા થયા છે. વાસ્તવિકતા તો એ છે કે, મોદીજીનું ગુજરાત મોડેલ તમામ તબક્કે ફેલ ગયું છે અને તેમના વિવાદીત નિર્ણયોથી દેશની જનતા અને અર્થતંત્ર બરબાદ થયા છે.

 

Related posts

સુરતમાં વિશ્વ યોગ દિવસનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાશે

aapnugujarat

અમદાવાદમાં ઝાડા-ઉલ્ટીના બે દિનમાં ૪૭ કેસ નોંધાયા

aapnugujarat

MoU between Gujarat Government and J.S.W Energy Limited in presence of CM

aapnugujarat

Leave a Comment

UA-96247877-1