Aapnu Gujarat
Uncategorized

માંગરોળ તાલુકાનાં માનખેત્રામાં માતા-પુત્ર-બે પુત્રીની સામુહિક હત્યાથી ભારે ચકચાર

માંગરોળના માનખેત્રા ગામની સીમમાં રાત્રે દલિત મહિલા અને તેના પુત્ર અને બે પુત્રીની નિર્મમ હત્યા થતાં ભારે ચકચાર મચી ગઈ છે. હત્યારાએ ચારેયની લાશ અને હથિયાર સગેવગે કરવા માટે સેપ્ટીક ટેન્કમાં નાખી દીધા હોવાનું પ્રકાશમાં આવેલ છે. આ અંગે મૃતક મહિલાના પિતાએ રૂદલપુરના શખ્સ વિરૂદ્ધ આશંકા સાથેની ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સમગ્ર માંગરોળ પંથકમાં ખળભળાટ મચાવનાર ચાર હત્યાના બનાવની વિગતો એવી છે કે, માંગરોળ તાલુકાના માનખેત્રા ગામની સીમમાં વાડીએ રહેતા દેવરાજભાઈ સોમાભાઈ ગોહેલની પત્ની શારદાબેન (ઉ.વ. ૩૫), પુત્રો ઋત્વિક (ઉ.વ.૧૩), પુત્રી ડોલી (ઉ.વ.૧૨) અને નેહા (ઉ.વ.૭)ની ગત રાત્રીના ૯ થી રાત્રીના અઢી વાગ્યા સુધીમાં હત્યા થયાનું બહાર આવેલ છે. મરનાર મહિલા અને તેના ત્રણ સંતાનો ઘરે એકલા હતા. દેવરાજ ગોહેલ વેરાવળ ખાતે ફિશરીઝના કવાર્ટરના ચોકીદાર તરીકે નોકરી કરતા હોય રાત્રિના ૯ સુધી ઘરે પરત આવ્યા ન હતા. ચારેય મા-છોરૂની તિક્ષણ હથિયારથી હત્યા થયેલી લાશ સેપ્ટીક ટેન્કમાંથી મળી આવી હતી. આ અંગેની જાણ થતા માંગરોળ ખાતેથી જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ સીસોદીયા, માંગરોળના પીએસઆઇ રાઠોડ વગેરે દોડી ગયા હતા.
હત્યા પાછળનું ચોક્કસ કારણ બહાર આવેલ નથી પરંતુ મૃતક મહિલાના રાજકોટ પાસેના શાપર-વેરાવળ ખાતે રહેતા પિતા દાનાભાઇ પુંજાભાઇ મેવાડાએ શારદાબેનના પરિવાર સાથે રહેતો મહેન્દ્ર ઉર્ફે જીકા પરમાર સામે શક દર્શાવતી ફરિયાદ નોંધાવી છે. મહેન્દ્ર ઉર્ફે જીકો માંગરોળના રૂદલપુર ગામનો વતની છે અને તે મૃતકના પતિ દેવરાજ ગોહેલના ફઇનો દીકરો થાય છે. આ શખ્સ દેવરાજના પરિવાર સાથે છેલ્લા ૩ વર્ષથી રહેતો હતો અને ખેતીનું કામ કરતો હતો. હાલ મહેન્દ્ર ઉર્ફે જીકો ગુમ હોય તેણે શારદાબેન અને તેના ત્રણ સંતાનોની હત્યા નિપજાવ્યાની શંકા દૃઢ બની છે. હત્યા પાછળનું ચોક્કસ કારણ બહાર આવેલ નથી. ચારેયની હત્યા પાવડો અને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

Related posts

જેતપુરના પટેલનગરમાં ચોતરફ ગંદકીના થર

editor

ભાવનગરમાં “તરસમિયા EWS-1 તથા EWS-2ના આવસોનો ડ્રો યોજાયો

editor

અમદાવાદીઓએ કરફ્યૂ/ટ્રાફિક નિયમો તોડીને ભર્યો અધધ દંડ

editor

Leave a Comment

UA-96247877-1