Aapnu Gujarat
ગુજરાત

નરેન્દ્ર પટેલે ભાજપ નેતાઓ સામે કોર્ટમાં કરેલી ફરિયાદ

વિધાનસભાની ચૂંટણી ટાણે ભાજપ દ્વારા એક કરોડ રૂપિયામાં ખરીદવાના પ્રયાસનો પર્દાફાશ કરનાર મહેસાણાના પાટીદાર નેતા નરેન્દ્ર પટેલે આજે ગાંધીનગર કોર્ટમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, પાસના પૂર્વ કન્વીનર અને તાજેતરમાં ભાજપમાં જોડાયેલા વરૂણ પટેલ, ભાજપના યુવા નેતા ઋત્વિજ પટેલ, ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડયા, મહેશ પટેલ અને રવિ પટેલ વિરૂધ્ધ ફરિયાદ કરી છે. નરેન્દ્ર પટેલે ભાજપના આ તમામ નેતાઓ સામે લાંચ આપવા, વિશ્વાસઘાત, ઠગાઇ અને ધમકી સહિતના ગુનાઓ હેઠળ ફરિયાદ નોંધાવી છે. નરેન્દ્ર પટેલ દ્વારા ભાજપના નેતાઓ સામે નોંધાવાયેલી કોર્ટ ફરિયાદને પગલે હવે ભાજપની મુશ્કેલીમાં વધારો થયો છે. એકબાજુ, કરોડો રૂપિયાના જોરે પાસના કન્વીનરોને ખરીદવાની ભાજપની ચાલ ઉંધી વળતાં રાષ્ટ્રીય સ્તરે ભાજપની છબી ખરડાઇ અને કલંક લાગ્યું છે તો, બીજીબાજુ, હવે આ મામલો કોર્ટ સુધી પહોંચતાં ભાજપના નેતાઓને ચૂંટણી કામગીરી બાજુએ રાખી કાનૂની લડતમાં જોતરાવું પડશે. મહેસાણાના પાટીદાર નેતા નરેન્દ્ર પટેલે ગાંધીનગર કોર્ટ સમક્ષ કરેલી ફરિયાદમાં એવા આક્ષેપો કર્યા છે કે, ભાજપ દ્વારા તેમના પક્ષમાં મને જોડાઇ જવા માટે એક કરોડ રૂપિયાની ઓફર કરાઇ હતી. મને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીના ત્યાં લઇ જવાયો હતો, ત્યાંથી મને ગાંધીનગર કમલમ્‌ ખાતે ભાજપના કાર્યાલય ખાતે લઇ જવાયો હતો. જયાં જીતુ વાઘાણી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના ભાજપના અન્ય નેતાઓ હાજર હતા. તેઓની સાથે મારી મુલાકાત કરાવાઇ હતી અને પછી મને અંદરના એક રૂમમાં લઇ જવાયો હતો. મારો એક કરોડ રૂપિયામાં સોદો કરાયો હતો. તે પેટે મને દસ લાખ રૂપિયા રોકડા આપવામાં આવ્યા હતા અને જણાવાયું હતું કે, આવતીકાલે ભાજપનું ટાઉન હોલ કે ટાગોર હોલમાં સંમેલન છે અને ત્યાં તમારે ભાજપમાં જોડાઇ જવાનું છે. બાકીના રૂ.૯૦ લાખ તમને મળી જશે. આટલુ કહી પ્રેસ મીડિયાને બોલાવી મને ભાજપમાં જોડાઇ જવાનું બોલાવડાવ્યું હતું અને ધમકી આપી ભાજપનો ખેસ પહેરાવાયો હતો. ફરિયાદી નરેન્દ્ર પટેલ દ્વારા આરોપીઓ વિરૂધ્ધ કાયદાકીય જોગવાઇ હેઠળ સખત નશ્યત કરવા ફરિયાદમાં દાદ મંગાઇ છે.નરેન્દ્ર પટેલની આ ફરિયાદમાં હવે આગામી દિવસોમાં કોર્ટ દ્વારા શું કાર્યવાહી થાય છે તેની પર સૌની નજર મંડાઇ છે. જો કે, આ ફરિયાદને પગલે ભાજપની મુશ્કેલીમાં ચોક્કસપણે વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે નરેન્દ્ર પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, હું પાટીદાર સમાજનો વફાદાર સૈનિક છું. આ પૈસા લઉં તો મારા સમાજ સાથે મારી ગદ્દારી થાય અને મારો પાટીદાર સમાજ લજવાય એટલે મેં આ પૈસાની ઓફર ઠુકરાવી ભાજપના કાળા કરતૂતોનો પર્દાફાશ કરવા અને જનતા સમક્ષ તેને ઉઘાડી પાડવા મીડિયા સમક્ષ પૈસા રજૂ કરી દીધા હતા. નરેન્દ્ર પટેલે પાસના અન્ય કન્વીનરો અને નેતાઓને મારી જાહેર અપીલ કરી હતી કે, ચૂંટણી ટાણે ભાજપની કરોડોની ઓફર, પૈસાની કે ટિકિટની લાલચમાં ના આવતા અને પાટીદાર સમાજ સાથે ગદ્દારી ના કરતા. આ પાટીદારોનો ઉપયોગ કરનારી પાર્ટી છે.

Related posts

ભાજપે એક કરોડની ઓફર કરી, ૧૦ લાખ રોકડ આપ્યા : પાટીદાર નેતા નરેન્દ્ર પટેલ

aapnugujarat

પાટણમાં દલિત યુવકનો અંગૂઠો કાપી નાખવાના કેસમાં બે શખસોની ધરપકડ

aapnugujarat

टेक्सटाइल में गुणवत्ता कौशल प्राप्त रोजगार की आवश्यकता

aapnugujarat

Leave a Comment

UA-96247877-1