Aapnu Gujarat
ગુજરાત

અલ્પેશ ઠાકોર આજે કોંગ્રેસ પક્ષમાં જોડાઈ જશે

ઓબીસી નેતા અને ઠાકોર સમાજના લોકપ્રિય નેતા અલ્પેશ ઠાકોર તા.૨૩મી ઓકટોબરે વિધિવત્‌ રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાશે. ગઇકાલે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે દિલ્હીમાં ફળદાયી બેઠક યોજાયા બાદ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. અલ્પેશ ઠાકોરે પોતાના જનાદેશ આંદોલનને લઇ છેલ્લા કેટલાય દિવસોથી લોકોમાં ઇન્તેજારી જગાવી હતી કે, તેઓ ભાજપ કે કોંગ્રેસ કયા પક્ષ સાથે જોડાશે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ચાલ્યા આવતા આ સસ્પેન્સ પરથી આખરે અલ્પેશ ઠાકોરે પડદો હટાવતાં પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું હતું અને તા.૨૩મીએ કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાવાની જાહેરાત કરી હતી. અલ્પેશ ઠાકોરના જનાદેશ અભિયાન અંતર્ગત તેમને ૨૧ લાખથી વધુ ફોન આવ્યા હતા, જેમાં ૧૯,૭૨,૬૨૮ લોકોએ કોંગ્રેસમાં જોડાવા સૂચન કર્યું હતુ, જયારે ૧,૦૬,૦૫૫ લોકોએ તેમને ભાજપમાં જોડાવા સૂચન કર્યું હતું. આ ટેલિફોનિક સર્વેમાં ૪૨,૪૨૩ લોકોએ તેમને રાજનીતિમાં નહી જવા પણ સૂચન કર્યું હતું. અલ્પેશ ઠાકોરે પોતાના જનાદેશ અભિયાન અંતર્ગત નાગરિકો પાસેથી પાંચ લાખથી વધુ ફોર્મ પણ ભરાવડાવ્યા હતા અને તેમનો અભિપ્રાય જાણ્યો હતો, જેમાં ૪.૫૦ લાખ લોકોએ કોંગ્રેસમાં જોડાવા તેમનો અભિપ્રાય આપ્યો હતો.દરમ્યાન ગઇકાલે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર સાથે દિલ્હીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ એક મહત્વની બેઠક યોજી હતી, જે આખરે ફળદાયી નીવડી હતી અને અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. આવતીકાલે ગાંધીનગરમાં સેકટર-૧૧ ખાતે યોજાનારા વિશેષ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોર રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની હાજરીમાં વિધિવત્‌ રીતે કોંગ્રેસમાં જોડાશે. ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર આવતીકાલે તેમના લાખો કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાં જોડાનાર હોવાથી બીજીબાજુ, ભાજપના પેટમાં તેલ રેડાયું છે. અલ્પેશ ઠાકોરને ભાજપમાં લાવવાની ભાજપની ચાલ ઉંધી વળી જતાં હવે ભાજપે હાર્દિક પટેલને મનાવવાના આંતરિક સઘન પ્રયાસો શરૂ કર્યા છે કારણ કે, ચૂંટણી ટાણે જો હાર્દિક પટેલ પણ વિરૂધ્ધમાં રહે તો, પાટીદારોના લાખો મતોનું નુકસાન ભાજપને સહન કરવું પડે અને તેથી તેવું ના થાય તે માટે ભાજપે ડેમેજ કંટ્રોલની કવાયત પણ હાથ ધરી છે.

Related posts

गुजरात में २७ जुलाई से चार दिन भारी बारिश का पूर्वानुमान

aapnugujarat

નર્મદા જિલ્લા કલેક્ટરાલય ખાતે હ્રદય ફેફ્સા પુનઃ જીવન અંગે યોજાયેલું નિદર્શન

aapnugujarat

અમદાવાદ શહેરમાં રસ્તાના કામ હજુય અધુરા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1