Aapnu Gujarat
ગુજરાત

અનેક અપેક્ષા વચ્ચે મોદી આજે ગુજરાત ગૌરવ મહાસંમેલનને સંબોધશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર થયો નથી ત્યારે ભાજપના તમામ ટોચના નેતાઓ સક્રિય થઇ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ ગુજરાત ઉપર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી ચુક્યા છે. આના ભાગરુપે જ મોદી આવતીકાલે ફરી એકવાર ગુજરાત પહોંચી રહ્યા છે. મોદી આવતીકાલે ગુજરાત ગૌરવ મહાસંમેલનમાં ઉપસ્થિત લાખો લોકોને સંબોધન કરનાર છે જેમાં કેટલીક મોટી જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા પણ છે. ગયા સપ્તાહમાં મોદીએ રાજકોટ, વડનગર, ગાંધીનગર, ભરુચમાં જુદા જુદા પ્રોજેક્ટો માટે આધારશીલા મુકી હતી. સાથે સાથે લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ૮મી ઓક્ટોબરે તેમના માદરે વતન વડનગરમાં ભવ્ય રોડશો પણ યોજ્યો હતો. પાર્ટીના સિનિયર નેતાઓ પહેલી ઓક્ટોબરના દિવસે શરૂ થયેલી ૧૫ દિવસની ગુજરાત ગૌરવ યાત્રામાં જોડાયા હતા. આ ગુજરાત ગૌરવ યાત્રા ગુજરાતમાં ૧૮૨ વિધાનસભા મતવિસ્તાર પૈકી ૧૪૯માં ફરી હતી. મોદી આવતીકાલે ગૌરવ મહાસંમેલનમાં સાત લાખ જેટલા ભાજપ કાર્યકરોને માર્ગદર્શન આપશે તેવી વાત આજે ગુજરાત ભારત ભાજપ વડા જીતુ વાઘાણીએ આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગાંધીનગર ભાટ ગામ પાસેના ટોલ પ્લાઝા નજીક વિશાળ ગ્રાઉન્ડમાં યોજાનારા પેજ પ્રમુખોના રાજયવ્યાપી ગુજરાત ગૌરવ મહાસંમેલનને લઇ ગુજરાત આવી રહ્યા છે, જેને લઇ ભાજપના કાર્યકરોથી માંડી સ્થાનિક નેતાઓ અને આગેવાનોમાં ભારે ઉત્સાહનો માહોલ છવાયો છે. મોદીના મહાસંમેલનમાં અમદાવાદ શહેર સહિત ગુજરાતભરમાંથી પેજ પ્રમુખો, કાર્યકરો સહિત સાત લાખથી વધુ લોકો ઉમટવાનો અંદાજ છે. આટલી મોટી સંખ્યામાં જનમેદની ઉમટનાર હોઇ ભાજપના સ્થાનિક નેતાઓ અને આગેવાનો દ્વારા મહાસંમેલનને સફળ બનાવવા માઇક્રોપ્લાનીંગ કરાયું છે. આવતીકાલના મહાસંમેલનમાં વિધાનસભા ચૂંટણીમાં પેજ પ્રમુખોની જવાબદારી બહુ મહત્વની હોઇ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી વ્યૂહરચનાના ભાગરૂપે પ્રેજ પ્રમુખો-કાર્યકરોને સંબોધન કરી તેમને ખાસ ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપી ઉત્સાહ વધારશે. મોદીના મહાસંમેલનમાં રાજયભરમાંથી પેજપ્રમુખો, કાર્યકરો, આગેવાનો અને નેતાઓ સહિત સાત લાખથી વધુ લોકો ઉમટશે. માત્ર અમદાવાદમાંથી જ આશરે એક હજાર કરતાં પણ વધુ બસો ભરીને પેજપ્રમુખો-કાર્યકરોને ભાટ ગામે મોદીના સંમેલનમાં લઇ જવાશે. આ સિવાય ટુ-વ્હીલ, ફોર વ્હીલર સહિતના ખાનગી વાહનો અલગ. અમદાવાદ શહેરના ૪૮ વોર્ડોમાં દરેક વોર્ડના બુથ પ્રમુખો સહિતના આગેવાનોને બસો ભરી ભરીને પેજ પ્રમુખો વડાપ્રધાન મોદીના મહાસંમેલનમાં લાવવાની જવાબદારી સોંપાઇ છે. આ અંગે નવા વાડજ વોર્ડના ભાજપના મંત્રી રમેશભાઇ ગીડવાણી અને મહામંત્રી મુકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, શહેરના વિવિધ વોર્ડમાંથી હજારો પેજ પ્રમુખો, કાર્યકરો અને અગ્રણીઓને મળી આશરે દોઢથી બે લાખ લોકોને ભાટ ગામે લઇ જવાનું પ્લાનીંગ કરાયું છે. આ માટે એએમટીએસ બસ સહિતની બસો ફાળવવામાં આવી છે. શહેરના ૪૮ વોર્ડમાં વોર્ડ દીઠ સરેરાશ ૨૩૩ની આસપાસ બુથ હોય અને એક બુથમાં આશરે ૮૦૦થી ૧૨૦૦ પેજ પ્રમુખો હોય, તે ગણતરીએ અમદાવાદ શહેરમાંથી અંદાજે ૫૦ હજારથી વધુ પેજપ્રમુખો, કાર્યકરો, અગ્રણીઓ મળી દોઢથી બે લાખ લોકો વડાપ્રધાનના મહાસંમેલનમાં પહોંચે તેવો અંદાજ છે. આ સિવાય રાજયભરમાંથી બસો, ખાનગી વાહનોમાં ભરી ભરીને સાત લાખથી વધુ લોકો આ મહાસંમેલનમાં ઉમટવાનો અંદાજ છે. વડાપ્રધાન મોદીના ગૌરવ મહાસંમેલનને લઇ ઉપરોકત સ્થળે લોકોના બેસવાની, પાર્કિંગની સહિતની તમામ વ્યવસ્થા બહુ ચોકસાઇપૂર્વક અને સુવિધાયુકત કરવામાં આવી છે કે જેથી બહારગામ કે દૂરના અંતરેથી આવનાર ભાજપના કાર્યકરો, પેજ પ્રમુખો કે આગેવાનોને હાલાકીનો ભોગ ના બનવું પડેે. પાર્કિંગ માટે ખાસ વિશાળ જગ્યાની ફાળવણી કરી ત્યાં વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહી, પાર્કિંગથી લોકોને બહુ ચાલવુ ના પડે તે બાબતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, વિધાનસભા ચૂંટણી દરમ્યાન પક્ષના પાયાના કાર્યકરો, પેજ પ્રમુખો, આગેવાનોને વડાપ્રધાન મોદી ચૂંટણીલક્ષી મહત્વનું માર્ગદર્શન અને જાણકારી પૂરી પાડશે. પેજ પ્રમુખોને મતદારને તેમના રહેઠાણ-ઘેરથી બુથ સુધી મતદાન કરવા માટે ખેંચી લાવવાની મહત્વની જવાબદારી સોંપાયેલી છે ત્યારે વડાપ્રધાનનું માર્ગદર્શન પક્ષના એકેએક કાર્યકર માટે ઘણુ ઉપયોગી અને ફળદાયી સાબિત થશે. વડાપ્રધાન મોદીના સ્વાગતને લઇને પણ પક્ષ દ્વારા જોરદાર તૈયારીઓ કરાઇ છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષે મોડેથી યોજાનાર છે. હિમાચલ પ્રદેશ માટે વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઇ ચુક્યો છે પરંતુ ગુજરાત માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર થયો નથી પરંતુ ટુંક સમયમાં જ કાર્યક્રમ જાહેર થશે. મોદી વારંવાર ગુજરાત હાલમાં આવતા રહ્યા છે. કોંગ્રેસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસનું નેતૃત્વ સંભાળી લીધું છે. રાહુલ પણ ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરી ચુક્યા છે.

Related posts

રૂપાણી સરકારે આપ્યો ૧.૫ કરોડની વેક્સિનનો ઓર્ડર

editor

આજે ફરી કોંગ્રેસ અને આપના નેતાઓ ભાજપમાં જાેડાશે, મધ્ય ગુજરાતના નેતાઓ બીજેપીમાં જોડાશે

aapnugujarat

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ચૂંટણી નજીક આવી રહ્યાના સંકેત પણ જોવા મળી રહ્યા છે. ત્યારે રાજકોટમાં રાજકીય પાર્ટીઓએ પ્રચાર માટેની તૈયારીઓ આરંભી દીધી છે.

aapnugujarat

Leave a Comment

UA-96247877-1