Aapnu Gujarat
બ્લોગ

નાનાં બાળકો પર અત્યાચાર

પ્રદ્યુમ્નનાં માતા-પિતાની સાથે આખો દેશ તેના માટે રડી રહ્યો છે. જેમણે ક્યારેય પ્રદ્યુમ્નને પહેલાં જોયો પણ નહોતો કે જેમણે ક્યારેય પ્રદ્યુમ્નનું નામ સુધ્ધાં સાંભળ્યું નહોતું એ બધા તેના આત્માની શાંતિ માટે દુઆ કરી રહ્યા છે. એટલા માટે નહીં કે તેમને પ્રદ્યુમ્ન પ્રત્યે સાંત્વન છે, પરંતુ એટલા માટે કે બધાના મનમાં ક્યાંક ને ક્યાંક ભય છે કે જે તેની સાથે થયું એ તેમનાં બાળકો સાથે નહીં થાય એની કોઈ ગૅરન્ટી નથી. પ્રદ્યુમ્નનાં માતા-પિતાની જેમ આપણે બધા જ આપણાં સંતાનોને એ વિશ્વાસ સાથે સ્કૂલમાં મોકલતા હોઈએ છીએ કે ત્યાં આપણાં બાળકો સુરક્ષિત રહેશે અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનશે, પરંતુ લગભગ નિયમિત ધોરણે આપણી સામે એવા-એવા કિસ્સા આવતા રહે છે કે આપણો આ વિશ્વાસ ડગમગી જાય છે.
થોડા સમય પહેલાં વૉટ્‌સઍપ પર એક વિડિયો ફરી રહ્યો હતો જેમાં ડે કૅર સેન્ટરમાં મૂકવામાં આવેલા દસ મહિનાના એક બાળકને આયા ઢોરમાર મારીને ફેંકી રહી હતી. તેની આ બેરહેમીથી બાળકને એટલું નુકસાન થયું કે તેને માથામાં ફ્રૅક્ચર થઈ ગયું. એનાથી આગળ થોડા સમય પહેલાં એક પ્લે-સ્કૂલમાં પ્યુન દ્વારા ચાર વર્ષની બાળકી પર બળાત્કારના સમાચાર આવ્યા હતા. વધુ એક ખબર અનુસાર દેશની એક સ્કૂલમાં હોમવર્ક ન પૂરું કરવા બદલ શિક્ષકે વિદ્યાર્થીને આખા ક્લાસ સમક્ષ નિર્વસ્ત્ર કરી નાખ્યો હતો. તો વધુ એક સમાચાર અનુસાર એક સ્કૂલમાં શિક્ષકને ભારે ગુસ્સો આવતાં તેમણે વિદ્યાર્થીને ફુટપટ્ટી વડે હાથમાં એટલો માર માર્યો કે તેનો હાથ ભાંગી ગયો.
રોજ સવારે છાપું ખોલીએ એટલે એકાદ-બે આવા સમાચાર તો વાંચવા મળી જ જાય. બલ્કે ક્યારેક તો છાપું ફાડીને ફેંકી દેવાનું તો ક્યારેક છાપું વાંચવાનું જ બંધ કરી દેવાનું મન થાય. વળી એવું નથી કે આ બધું હમણાંનું છે. વર્ષોથી ચાલતું આવ્યું છે. ફરક માત્ર એટલો જ છે કે હવેના સમયમાં વધી ગયેલા સોશ્યલ મીડિયાના પ્રભાવને પગલે આ અને આવા બીજા અઢળક સારા-નરસા સમાચારો આપણી પાસે આસાનીથી પહોંચી જાય છે. પણ શું આ રીતે સમાચારો એકબીજાને ફૉર્વર્ડ કરીને આપણી જવાબદારી પૂરી થઈ જાય છે? શું જરૂરી નથી કે આપણે બધા આ જ માધ્યમોનો ઉપયોગ આવા અત્યાચારીઓ અને બળાત્કારીઓને સજા અપાવવા માટે કરીએ? દેશમાં જાગૃતિ લાવવા માટે અને આપણાં બાળકોને સુરક્ષિત બનાવવા માટે કરીએ?દુનિયાના દરેક પ્રગતિશીલ દેશની જેમ આપણા દેશના સંવિધાનમાં પણ અનેક એવી જોગવાઈઓ છે જે આપણાં બાળકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે પ્લેગ્રુપ, સ્કૂલ, કૉલેજ અને યુનિવર્સિટી જેવી શૈક્ષણિક સંસ્થાઓએ અમલમાં મૂકવી ફરજિયાત છે; પરંતુ વિદ્યા આપવા નહીં પણ માત્ર વેચવા બેઠેલી આ સંસ્થાઓ આપણને અનેક એવી સુવિધાઓથી વંચિત રાખે છે જે આપણો હક છે. શું તમને ખબર છે કે કાયદા અનુસાર દરેક સ્કૂલની બસનો રંગ પીળો હોવો આવશ્યક છે કે એની દરેક બારી પર જાળી મુકાવવી આવશ્યક છે? સાથે જ આગ જેવી આફતના સમયે વિદ્યાર્થીઓને બચાવવા બસમાં અમુક ચોક્કસ સંખ્યામાં એસ્કેપ વિન્ડો હોવી ફરજિયાત છે તો સાથે જ દરેક સ્કૂલ-બસ હાલ ક્યાં પહોંચી એ જાણવા માટે એમાં જીપીએસ બેસાડવી પણ આવશ્યક છે? પરંતુ કેટલી સ્કૂલો આ નિયમનું પાલન કરે છે?
વળી ફક્ત સ્કૂલ-બસો જ નહીં, સ્કૂલ શરૂ થતાત પહેલાં પ્યુન અને આયાઓની સાથે દરેક શિક્ષક અને વિદ્યાર્થીઓનું પણ સિક્યૉરિટી-ચેક કરવું આવશ્યક નથી? કેવી રીતે પેલી બસનો કન્ડક્ટર સ્કૂલના સમય દરમ્યાન ખુલ્લેઆમ ખિસ્સામાં ચપ્પુ લઈને ફરી રહ્યો હતો? શું દરેક સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને સ્કૂલના અન્ય કર્મચારીઓ દ્વારા વપરાતા બાથરૂમ અલગ રાખવા જરૂરી નથી? કેવી રીતે બસનો કન્ડક્ટર સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વપરાતા બાથરૂમમાં પગ મૂકી જ શક્યો? શું સતત સાફસફાઈ અને સુરક્ષા માટે દરેક બાથરૂમમાં એક કર્મચારી રાખવો આવશ્યક નથી? કેવી રીતે તે કન્ડક્ટર પ્રદ્યુમ્નને બાથરૂમમાં એકલો દબોચી જ શક્યો?
આજકાલ સ્કૂલો અને કૉલેજોમાં વિદ્યાર્થીઓમાં વધી રહેલા ડિપ્રેશન તથા અન્ય લર્નિંગ ડિસેબિલિટીઝને બને એટલી જલદી ઓળખી કાઢવા સાઇકોલૉજિસ્ટ કે કાઉન્સેલર બોલાવવાની શરૂઆત થઈ રહી છે, પરંતુ આવા કાઉન્સેલર્સે ફક્ત વિદ્યાર્થીઓની જ માનસિક સ્વસ્થતા ચકાસવી જોઈએ? તેમને ભણાવતા કે સ્કૂલના કલાકો દરમ્યાન તેમનું ધ્યાન રાખતા અન્ય કર્મચારીઓની માનસિક સ્વસ્થતા પણ નિયમિત ધોરણે ચકાસવી આવશ્યક નથી?
ક્યાં સુધી આપણે સોશ્યપ્‌ મીડિયાનાં માધ્યમોનો ઉપયોગ ફક્ત વાતો, વિચારો અને અફવાઓ ફેલાવવા માટે કરતા રહીશું? હજી કેટલા પ્રદ્યુમ્નને મોતને ઘાટ ઊતરવા દઈશું? શું હજી પણ આપણામાં એટલી જાગૃતિ નથી આવી કે એકજૂટ થઈ દરેક શિક્ષણસંસ્થા પાસે આપણા અધિકારોની અને આપણાં બાળકોની સુરક્ષાની માગણી કરીએ? એક ઝુંબેશ તરીકે આ જ પ્રચારમાધ્યમોનો ઉપયોગ કરી તેમને આપણો હક આપવા પર મજબૂર કરી મૂકીએ? સાથે મળીને બંડ પોકારીએ અને જ્યાં સુધી તેઓ આપણાં સંતાનોની સુરક્ષા માટે પૂરતું કરતા નથી ત્યાં સુધી તેમનો બહિષ્કાર કરીએ? સાથે જ આપણી ન્યાયવ્યવસ્થા પાસે પણ આ કિસ્સાની જલદથી જલદ સુનવાઈ કરવાની માગણી કરીએ જેથી બીજો કોઈ અશોકકુમાર કોઈ પ્રદ્યુમ્નને પોતાની હવસનો શિકાર ન બનાવી શકે.એકતામાં તાકાત છે એ એમ ને એમ નથી કહેવાતું. એક થઈશું તો ભલભલી સત્તા પાસે કે સંસ્થા પાસે આપણી વાત મનાવવામાં સફળ થઈશું. એકલા લડીશું તો થાકીને હારી જઈશું. તો આવો દોસ્તો સાથે મળીને આપણાં સંતાનોને સુરક્ષિત બનાવીએ અને અશોકકુમાર જેવા નરાધમોને પાઠ ભણાવીએ જેથી કોઈ આપણાં બાળકો સમક્ષ આંખ ઊંચી કરતાં પણ ચાર વાર વિચાર કરે.ટીનેજર્સ પર ગેંગરેપ અને છેડતીની ઘટનાઓ ઓછી હતી તે હવે બાળકો પરના અત્યાચારોની ઘટનાઓ વધવા માંડી છે. સાવ નિષ્પાપ, ભોળાં પારેવાં જેવાં બાળકોને પીંખી નાખતાં વિકૃત માનસવાળા અપરાધીઓ અચકાતાં નથી. આવી ઘટનાઓ કેમ બને છે એનો મનોવૈજ્ઞાાનિક અભ્યાસ કરવા જેવો છે.અગાઉ એવી ખોટી માન્યતા હતી કે કૂટણખાનામાં જવાથી થયેલા જાતીય રોગો મટાડવા કુમળી બાળા સાથે સહશયન કરવું જોઇએ. તો એ રોગો મોટી જાય. સૈકાઓ જૂના આ ભ્રમને દૂર કરવાનો કોઇ ઉપાય ખરો ? આવા અપરાધો થવા પાછળનાં સામાજિક કારણો પણ સમજવા જેવાં હોય છે. હરિયાણાના પ્રધુમ્નવાળા કેસમાં તો હજુ તપાસ પણ પૂરી થઇ નથી એટલે એને કયા કારણે મારી નાખવામાં આવ્યો એ હજુ જાણવા મળ્યું નથી.બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કામ કરવામાં એની સાથે ભણતા વિદ્યાર્થીઓ પણ હોય છે. સોશ્યલ મિડિયાના આ યુગમાં બાળક પોતાની એક આંગળીના ટેરવે દુનિયાભરના પોર્ન સાહિત્યને માણતો થઇ જાય છે. પોતે જે સમજતો નથી એવી સેક્સની બાબતો જોયા પછી પોતે મોબાઇલના સ્ક્રીન પર જે જોયું એવું કરવાની એની ઇચ્છા અદમ્ય બની જાય છે. એ ઇચ્છા સંતોષવાનું એક માત્ર સાધન સાથે ભણતો કોઇ રૃપાળો ટાબરિયો હોય છે.માથાભારે વિદ્યાર્થીઓ એના પર તૂટી પડે છે. ઘણા કિસ્સામાં અપરાધીઓ પાડોશના રાજ્યોમાંથી આવેલા શ્રમજીવી હોય છે. સ્ત્રી-બાળકોથી દૂર કમાવા આવ્યા હોય. શરીરની ભૂખ અસહ્ય બની જાય ત્યારે એકલદોકલ બાળકીને ચોકલેટની લાલચ આપીને એકાંત સ્થળે લઇ જાય. પછી એનામાં રહેલું જાનવર બહાર આવી જાય.અને શિક્ષકની ક્યાં વાત કરવી, સાંપ્રદાયિક સંસ્થામાં પણ આવું બનતું જોવા મળ્યું છે. થોડાં વરસો પહેલાં એક સંાપ્રદાયિક મંદિરમાં ચા આપવા આવતા ટીનેજર પર મંદિરના સાધુઓએ જ સામૂહિક અત્યાચાર કરેલો એ ઘટના મિડિયામાં ખૂબ ચર્ચાઇ હતી. ભગવાં પહેર્યાં એટલે તમામ ઇચ્છા-વાસના લુપ્ત થઇ ગઇ એવું માનવું એ સૌથી મોટો ભ્રમ છે.તાજેતરની આશારામની અને બાબા રામ રહીમની ઘટનાઓએ એ પણ સાબિત કરી આપ્યું. મહત્ત્વની વાત બાળકો પરના અત્યાચારની છે. બાળક સ્કૂલની બસમાં હોય કે સ્કૂલના પ્રિમાઇસિસમાં, એના પર થતા અત્યાચારની જવાબદારી સ્કૂલની છે. તગડી ફી લેતી સ્કૂલો બાળકની સુરક્ષાની જવાબદારીમાંથી છટકી જઇ શકે નહીં. આવી ઘટના બાળકના જીવનમાં ઝંઝાવાત સર્જી શકે છે.એ જીવે ત્યાં સુધી એના મનના વિવિધ પડમાં આ ઘટના જુદી જુદી રીતે ઝબક્યા કરે છે અને એને અશાંત કરી દે છે. આવી ઘટનાઓ માત્ર સામાન્ય અપરાધ નથી. એ બાળકના સમગ્ર જીવને ખેદાનમેદાન કરી નાખે છે.
અપરાધી તો અમુક વરસની સજા ભોગવીને છૂટી જાય, બાળકના ચિત્ત પર લાગેલા ઘા જીવનભર એને શાંતિથી જીવવા દેતા નથી એવો ટોચના મનોચિકિત્સકોનેા અભિપ્રાય છે. બાળક સહેલાઇથી આવા અત્યાચારનો ભોગ બની જવાનું કારણ કૂમળી વયના કારણે એની શારીરિક કમજોરી તો હોય જ. ઉપરાંત એ એકલું અને નિઃસહાય હોવાથી પ્રતિકાર કરી શકતું નથી. એમાંય સ્કૂલનો કોઇ કર્મચારી સંડોવાયો હોય તો એ અચૂક બાળકને મારી નાખે કારણ કે એને ઓળખાઇ જવાનો ડર રહે. આવી ઘટનાઓ વધી રહી છે એ આપણી સામાજિક મજબૂરી અને દુર્ભાગ્ય છે.

Related posts

કોરોનાના લીધે તણાવથી લોકોને આપઘાતના વિચાર આવે છે !

editor

સરકારની રૂા. ૧ લાખની કેટલ શેડ સહાય થકી ગંભીરપુરાના ઇમરાનખાન રાઠોડ દુધ ઉત્પાદનમાં વધારા સાથે આર્થિક રીતે સધ્ધર બન્યા છે

aapnugujarat

એમ તો મારી ક્યાં ઉંમર છે પ્રેમ કરવાની તું દિલને ગમી ગયો ને હું પાછી જુવાન થઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1