Aapnu Gujarat
ગુજરાત

વડોદરા શહેર-જિલ્લાની મતદાર યાદીમાં ૩૨૦૭૦ નવા મતદારો ઉમેરાયા

કાર્યકારી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડૉ.સૌરભ પારધીએ જણાવ્યુ હતું કે તા. ૨૫/૦૯/૨૦૧૭ના રોજ વડોદરા શહેર-જિલ્લાની સુધારેલી અંતિમ મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે જે કુલ મતદારોની સંખ્યામાં ૩૨૦૭૦નો વધારો દર્શાવે છે. તેમણે જણાવ્યુ હતું કે આ વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે જેમાં પ્રથમવાર EVMની સાથે વીવીપેટ યુનીટનો ઉપયોગ થવાનો છે. આ વીવીપેટ મતદારે આપેલો મત તેની પસંદગીના ઉમેદવારના ખાતામાં જ ગયો છે એવી ખાત્રી કરાવશે અને તેની રસીદોનો રેકોર્ડ સાચવી રાખવામાં આવશે.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર.ડી.ભટ્ટે જણાવ્યુ હતું કે સમગ્ર જુલાઇ મહિના દરમિયાન મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણાના ભાગરૂપે નામો દાખલ કરવા, નામો કમી કરવા અને નામો સુધારવાની કામગીરી કરવામાં આવી હતી. તેની જાગૃતિ કેળવવામાં માધ્યમોએ નોંધપાત્ર યોગદાન આપ્યુ હતુ.

સંક્ષિપ્ત સુધારણાના પ્રારંભે શહેર-જિલ્લાની મતદાર યાદીમાં મતદારોની કુલ સંખ્યા ૨૩૦૮૮૧૨ હતી. તેમાં સંક્ષિપ્ત સુધારણા અભિયાન દરમિયાન ૩૨૦૭૦ નવા મતદારો ઉમેરાતા, હાલમાં શહેર-જિલ્લાની મતદાર યાદીમાં મતદારોની કુલ સંખ્યા વધીને ૨૩૪૦૮૮૨ થઇ છે.

આ સંક્ષિપ્ત સુધારણાની ખાસીયત એ છે કે તેમાં મહિલાઓએ પુરુષોની સરખામણીમાં નામ નોંધણીનો વધુ ઉત્સાહ બતાવ્યો છે અને પ્રથમવાર અધર કેટેગરી એટલે કે થર્ડ જેન્ડરના લોકોએ મતદાર તરીકે મોટી સંખ્યામાં નોંધણી કરાવી છે.

શ્રી આર.ડી.ભટ્ટે જણાવ્યુ હતું કે મતદાર તરીકે નામ દાખલ કરવા માટે ૫૫૧૭૫ ફોર્મ્સ મળ્યા હતા જ્યારે નામ કમી કરવા માટે ૨૩૧૦૫ ફોર્મ્સ મળ્યા હતા. નવી નામ નોંધણી માટે મળેલી અરજીઓમાં પુરુષોની સંખ્યા ૨૪૬૨૬ અને મહિલાઓની સંખ્યા ૩૦૫૧૯ હતી. આમ, પુરુષો કરતા ૬ હજારથી પણ વધુ સંખ્યામાં મહિલાઓએ મતદાર બનવાની ઉત્સુકતા દર્શાવી હતી. અધર્સ કેટેગરીમાં નામ નોંધણી વધે તેવા ખાસ પ્રયાસોના પગલે થર્ડ જેન્ડરના નવા ૨૯ મતદારો વધ્યા છે.

જિલ્લા ચૂંટણી તંત્ર ધ્વારા વોટર વેરીફાયેબલ પેપર ઓડીટ ટ્રેઇલ (વીવીપેટ)નું પ્રથમવાર માધ્યમો સમક્ષ નિદર્શન કરવામાં આવ્યુ હતુ.

EVMમાં વીવીપેટનુ યુનીટ ઉમેરાતા મતદાન પ્રક્રિયાની પારદર્શકતા ખૂબ જ વધશે એવી લાગણી વ્યક્ત કરતાં શ્રી આર.ડી.ભટ્ટે જણાવ્યુ હતું કે સન ૨૦૧૪ની લોકસભા ચૂંટણીઓ સમયે ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠકમાં પાયલોટ પ્રોજેકટ તરીકે વીવીપેટનો ઉપયોગ થયો હતો.

આગામી વિધાનસભા ચૂંટણીઓમાં વડોદરા શહેર-જિલ્લા સહિત રાજ્યના તમામ મતદાન મથકો પર વીવીપેટનો ઉપયોગ કરાશે એવી જાણકારી આપતાં તેમણે જણાવ્યુ હતું કે વીવીપેટ પ્રત્યેક મતદારને, તેઁણે આપેલો મત તેની પસંદગીના ઉમેદવારને જ મળ્યો હોવાની ખાત્રી કરાવશે. મતદાર બેલેટ યુનીટની ચાપ દાબીને મતદાન કરે તેની સાથે જ સાત સેકન્ડ સુધી વીવીપેટના ડિસ્પ્લેમાં ઉમેદવારનો અનુક્રમ નંબર, નામ અને નિશાન જોવા મળશે જેનાથી મતદારને તેનો મત પસંદગીના યોગ્ય ઉમેદવારના ખાતામાં જમા થવાની ખાત્રી મળશે. વીવીપેટએની રસીદ જનરેટ કરશે જે એકમની ટ્રેમાં જમા થતી જશે. આ રસીદ માટે લખાણ ૫ વર્ષ સુધી ટકી રહે તેવા ખાસ પેપરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

પ્રત્યેક મતદાન મથક માટે મતદારોની મહત્તમ સંખ્યા ૧૫૦૦ કે તેનાથી ઓછી હોય છે. વીવીપેટમાં ૧૫૦૦ જેટલી રસીદો નીકળી શકે એટલી લંબાઇનો પેપર રોલ ભરવામાં આવશે. આ રસીદોની ગણતરી થવાની નથી પરંતુ પ્રકાશની અસરથી લખાણ ન ભૂંસાય તેની ખાત્રી માટે પ્રત્યેક મતદાન મથકની વીવીપેટ રસીદો એક કાળા રંગના કવરમાં રાખીને સીલબંધ ડબ્બામાં સાચવી રાખવામાં આવશે. ચૂંટણીને લગતી કોઇ પીટીશન થાય તો કોર્ટના આદેશથી આ વીવીપેટ રસીદોનો  ઉપયોગ વિવાદ સુલઝાવવા માટે થશે.

ડૉ.પારધીએ જણાવ્યું કે હાલમાં જિલ્લા ચૂંટણી તંત્ર ધ્વારા વડોદરા માટે મળેલા વીવીપેટની ભેલના ઇજનેરો અને ટેકનીશ્યનોની મદદથી ચકાસણી (એફએલસી) કરવામાં આવી રહી છે. વીવીપેટના આગમનથી મતદાન વિષયક શંકા-કુશંકાઓ નાબુદ થઇ જશે. આ પ્રસંગે ઇવીએમના નોડલ અધિકારી અને અધિક કલેકટરશ્રી કે.ડી. લાખાણી ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

સાબરકાંઠા યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન

editor

સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે વર્ષ 2018 ના થયેલા લૂંટનો ભેદ ઉકેલાયો

editor

સીએમ રૂપાણીએ જળ સંચય અભિયાનની જાહેરાત કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1