Aapnu Gujarat
ગુજરાત

પ્રત્યેક વિદ્યાર્થી શ્રેષ્ઠ નાગરિક બને તેવા પ્રયાસો હાથ ધરવા નર્મદા જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાની હિમાયત

નર્મદા જિલ્લાના રાજપીપલા મુખ્યમથક ખાતે અનાથનો નાથ પ્રોજેક્ટ હેઠળ કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમને જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા, સરદાર સરોવર નર્મદા નિગમ કેવડીયાના નિવૃત્ત ઇજનેરશ્રી હરેશભાઇ જોરાવિયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ચેતનભાઇ પરમાર વગેરેની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય કરી સમારંભને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

સમારંભના અધ્યક્ષશ્રી આર.એસ. નિનામાએ જણાવ્યું હતું કે, ભૂછાડ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી કલમભાઇ વસાવા અને તેની ટીમે અનાથનો નાથ પ્રોજેક્ટ દ્વારા અનાથ બાળકોને સહાય કરવાનો ભગિરથ પ્રયાસ કર્યો છે, તે પણ શિક્ષણનો એક ભાગ છે. માત્ર અભ્યાસ નહિં પણ સાચા અર્થમાં શિક્ષણ આપવું અને તેમાં સંસ્કારોનું સિંચન કરવું એ શિક્ષકોની જવાબદારી બની જાય છે. શ્રી કલમભાઇએ અનાથ બાળકોને સહાય કરવાનો જે પ્રોજેક્ટ હાથ ધર્યો છે તે અભિનંદનને પાત્ર છે. દેશમાં ભૌતિક સુવિધાની દ્રષ્ટીએ ગુજરાતની શાળાઓ પ્રથમ ક્રમે આવે છે. બાળકોને શૈક્ષણિક બાબતોની માહિતી સાથે માર્ગદર્શન પુરૂં પાડવાનું કામ શિક્ષકો કરે છે. અરીસાને બારીમાં બદલવાનું ભગીરથ કામ શિક્ષકો કરે છે. શિક્ષણની જવાબદારી સ્વીકારી સહિયારો પુરૂષાર્થ કરવાથી શિક્ષણ ક્ષત્રે ક્રાંતિ સર્જી શકાય છે. જિલ્લામાં ગામે ગામની શાળામાં આદિવાસી શિક્ષકો છે. તેથી આદિજાતિ વિસ્તારના આ જિલ્લાના બાળકો પછાત ન રહે તેવા પ્રયાસો કરવા શ્રી નિનામાએ જણાવ્યું હતું. શ્રી નિનામાએ ઉમેર્યું હતું કે, પ્રત્યેક વિદ્યાર્થી શ્રેષ્ઠ નાગરિક બને તેવા પ્રયાસો હાથ ધરવા હિમાયત કરી હતી.

જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયાએ અનાથ બાળકોના પ્રોત્સાહન માટેના આ કાર્યક્રમની સરાહના કરી જણાવ્યું હતું કે, શિક્ષકોના માધ્યમથી આ અનાથ બાળકો ઉચ્ચ કક્ષા સુધી પહોંચે જેમ ચન્દ્રગુપ્ત મોર્યને સમ્રાટ બનાવવા સુધીની તાકાત શિક્ષકો દ્વારા મળેલી છે, તેમ શિક્ષણ થકી ઉત્તમ વ્યક્તિ બની શકે છે. આ પ્રોજેક્ટમાં દાતાઓએ દાન આપી મદદ કરી છે. તેમ દાતાઓએ બાળકોના અભ્યાસ અંગે સુપર વિઝન કરવું જરૂરી છે. આ પ્રોજેક્ટ આજના દિવસ પુરતો નહીં પણ સતત ચાલતો રહે તેવા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો.

નાંદોદ તાલુકા શિક્ષણાધિકારીશ્રી બંકિમચન્દ્ર જોશીએ અનાથ નો નાથ પ્રોજેક્ટની કામગીરી અને દાતાઓના દાન અંગેની સંપૂર્ણ વિગતથી માહિતગાર કર્યા હતા. જ્યારે ભૂછાડ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અને પ્રોજેક્ટ સંયોજક શ્રી કલમભાઇ વસાવાએ અનાથ બાળકોની સહાય માટેનો વિચાર કેમ આવ્યો તે બાબતો પર માહિતી આપી હતી.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી આર. એસ. નિનામા સહિતના મહાનુભાવોના વરદ્ હસ્તે અનાથ બાળકોને શૈક્ષણિક અને જીવન જરૂરી ચીજોની કિટ વિતરણ કરવામાં આવી હતી. જિલ્લાના શ્રેષ્ઠ કેળવણી નિરીક્ષક, શ્રેષ્ઠ શિક્ષકો તથા રાજ્ય પુરસ્કૃત શિક્ષકનું પણ મહાનુભાવોએ શિલ્ડ આપી સન્માન કર્યું હતું. આ પ્રસંગે  અંદાજે રૂા.૧.૧૧ લાખની રકમની કુલ- ૬૦ જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી બંકિમચન્દ્ર  જોશી સંકલિત નિર્મળ ગુજરાતનું સંભારણું સોનાનો સુરજ (નાટક તથા ગીતો) ની રચનાનો સંગ્રહ સંપૂટનો ઉપસ્થિત મહાનુભાવોના વરદ્ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

વિરપોર પ્રાથમિક શાળાના ગૃપાચાર્ય શ્રી અશોકભાઇ પરમારે શાબ્દિક સ્વાગત કરી સૌને આવકાર્યા હતા અને અંતમાં શ્રી મૂળજીભાઇ રોહિતે આભારદર્શન કર્યું હતું.

આ પ્રસંગે શિક્ષક સંઘના હોદ્દેદારો સર્વશ્રી હરેન્દ્રસિંહજી રાઉલજી, શ્રી સુરેન્દ્રભાઇ, શ્રી ભૂપેન્દ્રભાઇ, નાયબ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સચિનભાઇ પટેલ, શ્રી મૂળજીભાઇ પરમાર, જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકો, આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, બાળકો, નગરજનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

વિંગ કમાન્ડર અભિનંદનની મુકિતની જાહેરાત બાદ ખુશી

aapnugujarat

અમદાવાદથી ગોવા, દિલ્હી, હરિદ્વાર સુધી એસટી બસ સેવા શરૂ કરાશે

aapnugujarat

સાસણ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1