Aapnu Gujarat
ગુજરાત

વિંગ કમાન્ડર અભિનંદનની મુકિતની જાહેરાત બાદ ખુશી

ભારતની કડક શબ્દોમાં ચેતવણી અને ચોતરફથી આંતરરાષ્ટ્રીય દબાણ વધતાં આખરે પાકિસ્તાન દ્વારા ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનને આવતીકાલે મુકત કરી દેવાની અને ભારતને સોંપવાની જાહેરાત કરી દેવાતાં અમદાવાદ, ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં ભારે હાશકારા સાથે ઉત્સાહ, ઉજવણી અને જોશનો માહોલ છવાઇ ગયો હતો. લોકોએ વિંગ કમાન્ડર અભિનંદનની મુકિતના સમાચાર સાંભળતાં જ રસ્તાઓ પર ઉતરી ભારત માતાની જય, વંદે માતરમ્‌, જય હિન્દ-જય હિન્દ સહિતના રાષ્ટ્રભકિતના સૂત્રોચ્ચાર અને ત્રિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશભકિતની ભાવના ઉજાગર કરી હતી. એટલું જ નહી, વિંગ કમાન્ડર પાકિસ્તાનના કબ્જામાંથી આવતીકાલે પાછા ફરશે તેના ઉત્સાહમાં ઢોલ-નગારા વગાડી, મીઠાઇ વહેંચી અને એકબીજાનું મોં મીઠું કરાવી તેની આગોતરી ઉજવણી શરૂ કરી દીધી હતી. શહેરના કેટલાક વિસ્તારોમાં તો, સાંજે દીપ પ્રાગટ્ય સાથે દિવાળી જેવો માહોલ સર્જી આ ઐતિહાસિક ઘટનાની ઉજવણી કરાઇ હતી. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને આજે પાકિસ્તાની સંસદમાં જાહેરાત કરી હતી કે, પાકિસ્તાન દ્વારા બંધક બનાવાયેલા ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનને આવતીકાલે શુક્રવારે છોડી દેવાશે. ઇમરાન ખાને સ્પષ્ટ કર્યું હતું કે, શાંતિ સ્થાપવા માટે આ મુક્તિ કરાશે. ભારત તેને અમારી કોઇ કમજોરી ના સમજે. જો કે, પાકિસ્તાન દ્વારા વિંગ કમાન્ડરની મુકિતની જાહેરાત થતાંની સાથે જ ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ છવાઇ ગયો હતો. પોતાનો જવાન આવતીકાલે આપણા વતન ભારતમાં પરત ફરશે તેની લાગણી સાથે પ્રત્યેક ભારતીય નાગરિકના દિલમાં ટાઢક વળી હતી અને ઉંડી રાહત થઇ હતી. વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનને મુકત કર્યાના સમાચાર મળતાં જ અમદાવાદ શહેર સહિત ગુજરાતભરમાં લોકો ભારે ખુશ થઇ ગયા હતા અને ટીવી પર અને સોશ્યલ મીડિયામાં આ સમાચાર જાણતાંની સાથે સૌકોઇ તાળીઓ પાડી આ નિર્ણયને વધાવી લીધો હતો.
સાંજ સુધીમાં તો, લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ફટાકડા ફોડી, ત્રિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવી ભારત માતા કી જય, વંદે માતરમ્‌, જય હિન્દના નારાઓ લગાવી ઉજવણી શરૂ કરી દીધી હતી. શહેરના કેટલાક વિસ્તારોમાં તો, વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનની મુક્તિને લઇ દિપ પ્રાગટય સાથે એકબીજાને મીઠાઇ ખવડાવી, મોં મીઠું કરાવી તેની ઉજવણી કરવામાં આવી હતી. પાકિસ્તાન દ્વારા બંધક બનાવાયેલા આપણા વિંગ કમાન્ડરની મુકિત માટે અમદાવાદ, ગુજરાત સહિત દેશભરની જનતા અને નાગરિકો દ્વારા પ્રાર્થના, દુઆઓનો દોર ચાલ્યો હતો. ખાસ કરીને મહિલાઓ આપણા જાંબાઝ જવાનની હેમખેમ અને સહીસલામત મુકિત માટે પ્રાર્થના કરી રહી હતી. તો, રાજયના વિવિધ મંદિરોમાં પણ વિંગ કમાન્ડર અભિનંદની સહીસલામત ઘરવાપસી માટે ખાસ પ્રાર્થના થઇ હતી. આખરે પાકિસ્તાન દ્વારા તેની સત્તાવાર જાહેરાત કરાતાં પ્રત્યેક ભારતીયના જીવમાં જીવ આવ્યો હતો અને સૌકોઇ અભિંદનના મુકિતના સમાચાર સાંભળી ખુશીથી ઝુમી ઉઠયા હતા.

Related posts

વિરમગામ મહાત્મા ગાંધી એસડીએચ ખાતે હેલ્થ મેળો યોજાયો : ૧૪૭૮ લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો

aapnugujarat

બોડેલીમાં નાયબ મામલતદાર અને સ્ટેમ્પ વેન્ડર વચ્ચેની બબાલનો વિડિયો વાયરલ

aapnugujarat

સર ટી. હોસ્પિટલ ખાતે ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ

editor

Leave a Comment

UA-96247877-1