Aapnu Gujarat
Uncategorized

રાજકોટ ખાતે નર્મદાયાત્રાનું નીતિનભાઇના હસ્તે સમાપન : શહેરના રસ્તા રીપેર કરવા માટે રાજય સરકારની ૨૫ કરોડની સહાયની જાહેરાત

નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે રાજકોટ ખાતે ‘‘માં નર્મદા મહોત્સવ રથયાત્રા’’નું સમાપન કરાવ્યું હતું. પેડક રોડ ખાતે યોજાયેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, યુ.એલ.સી.સનદ વિતરણ અને નર્મદાયાત્રા સમાપન પ્રસંગના સંયુકત સ્ટેજ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ઘરે-ઘરે નર્મદાના પાણી પહોંચાડીને વર્તમાન રાજયસરકારે નાગરિકોના સપનાં સાચાં કરી બતાવ્યા છે. ‘‘નર્મદા યાત્રા’’ અન્વયે ૮૫ રથો રાજયભરના ૮ હજારથી વધુ ગામડાઓમાં ફર્યા છે. જેને મળેલી અભૂતપૂર્વ લોકચાહના માટે નાયબ મુખ્યમંત્રીશ્રી પટેલ નાગરિકોનો ઋણસ્વીકાર કર્યો હતો.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ તાજેતરના ભારે વરસાદથી નુકરસાન પામેલા રાજકોટ શહેરના રસ્તાઓના સમારકામ માટે રાજયસરકારની રૂ. ૨૫ કરોડની સહાયની જાહેરાત કરી હતી, જેને ઉપસ્થિતોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. શ્રી નીતિનભાઇએ ઉમેર્યું હતું કે, નવરાત્રિ પહેલાં જ રાજકોટના તમામ રસ્તાઓ રીપેર થઇ જશે.

શ્રી નીતિનભાઇએ નર્મદા યોજનાની સિલસિલાબંધ વિગતો તેમના વકતવ્યમાં વણી લીધી હતી અને એવો આશાવાદ વ્યકત કર્યો હતો કે નર્મદાના પાણીથી ગુજરાતના ખેડુતોની તાકાત વધશે અને કૃષિકિય પેદાશોમાં ગુજરાતની પ્રગતિ આભને આંબશે. શ્રી નીતિનભાઇએ પ૬ એમ.એલ.ડી.ના રૈયાધાર સુએજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ડિજિટલ તકતી અનાવરણ કર્યુ હતું. તથા શહેરીજનોને રહેણાંક માટેના યુ.એલ.સી.પ્લોટની સનદનું વિતરણ કર્યું હતું. મ્યુનિ. કમિ.શ્રી બંછાનિધિ પાની, મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય તથા સંસદસભ્યશ્રી મોહનભાઇ કુંડારિયાએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.

નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇનું રાજકોટ મહાનગરપાલિકા, શહેર ભાજપ તથા વરિષ્ઠ નાગરિકોએ ફૂલોના વિશાળ હાર તથા સ્મૃતિચિહન આપી બહુમાન કર્યુ હતું. શ્રી નીતિનભાઇએ રીમોટ કંટ્રોલથી દિપ પ્રાગટયવિધિ સંપન્ન કરી હતી. કનૈયા મિત્ર મંડળ દ્વારા રજૂ થયેલ પ્રાચીન રાસને આમંત્રિતોએ મન ભરીને માણ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્યોશ્રી ગોવિંદભાઇ તથા ભાનુબેન, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષશ્રી ધનસુખભાઇ ભંડેરી  ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, શહેર ભા.જ.પ. અધ્યક્ષશ્રી કમલેશ મિરાણી અગ્રણીશ્રી નીતિનભાઇ ભારદ્વાજ, ચેરમેન પુષ્કર પટેલ, દેવરાજ મકવાણા, જૈમીન ઠાકર, મુકેશ રાદડિયા, કોર્પોરેટરો તથા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

હિન્દુ યુવા સંગઠન – વેરાવળ (ગીર સોમનાથ) દ્વારા ચીનનો વિરોધ

editor

અમદાવાદમાં દુકાનદારો માટે વેક્સીનેશન કમ્પલસરી

editor

ચોટીલા પંથકમાં મુખ્યમંત્રીના જન્મ દિવસે 65 હજાર વૃક્ષોનું વાવેતર કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1