Aapnu Gujarat
ગુજરાત

ભારત-જાપાનના મજબૂત સંબંધોનું વૈશ્વિક મહત્‍વ : ભારતની સ્‍વર્ણિમ આવતીકાલ માટે આ સહયોગ નવી આશારૂપ : પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી

જાપાનના વડાપ્રધાન શ્રી શિન્ઝો આબે અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગાંધીનગરના મહાત્‍મા મંદિર ખાતે કેટલીક સમજૂતીઓ પર હસ્‍તાક્ષર કરી આ ઘટનાને સંયુકત પણે ભારત-જાપાનના સંબંધોને વધુ મજબૂત બનાવનારી ગણાવી હતી.

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી :

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ઉપસ્‍થિત સૌને જાપાનીઝ ભાષામાં ‘‘કોન્‍નિચિવા’’, ‘‘ગુડ આફટરનૂન’’ અને ‘‘નમસ્‍કાર’’ કહી જાપાનને ભારતનું ‘‘અનન્‍ય મિત્ર’’ ગણાવ્‍યું હતું અને ઉમેર્યું હતું કે, જાપાનના વડાપ્રધાનનું ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં સ્‍વાગત કરતા હર્ષ અનુભવું છું. આ પ્રવાસના પ્રારંભે સાબરમતી આશ્રમ અને મહાત્‍મા મંદિર ખાતે દાંડી કુટીરની મુલાકાતથી ગાંધી જીવનદર્શનને મહાનુભાવોએ નજીકથી નિહાળ્યું. તેમણે મુંબઇ-અમદાવાદ હાઇસ્‍પીડ ટ્રેન પ્રોજેકટને ભારત-જાપાનના વૈશ્વિક સંબંધમાં ‘‘બડા કદમ’’ ગણાવ્‍યું હતું અને ઉમેર્યું હતું કે, આ પ્રોજેકટ માત્ર હાઇસ્‍પીડ ટ્રેન પ્રોજેકટ નહીં પરંતુ આવનારા ભવિષ્‍યમાં આ ‘‘નવી રેલવે ફિલોસોફી’’ નયા ભારતના નિર્માણની ‘‘જીવનરેખા’’ બની રહેશે. આ પ્રોજેકટ ભારતની તેજ વિકાસ ગતિ સાથે જોડાઇ જશે.

વડાપ્રધાનશ્રીએ ભારત-જાપાનના સંબંધોની ખાસિયત જણાવતાં ઉમેર્યું હતું કે, બંને દેશો વચ્‍ચેના પરસ્‍પર વિશ્વાસ-ભરોસો ઉપરાંત આપસના હિતો-ચિંતાની પૂરી સમજ ધરાવે છે અને બંને દેશોના ઉચ્‍ચસ્‍તરીય સંપર્ક બંને દેશોના સંબંધોની ખાસિયત છે. આ વૈશ્વિક સહભાગીતા દ્વિપક્ષીય ક્ષેત્રીય સ્‍તર ઉપર જ નહીં, વૈશ્વિક સ્‍તર પર પણ બંને દેશો વચ્‍ચેના સંબંધો ઘનિષ્‍ઠ રહ્યા છે.

વડાપ્રધાનશ્રીએ જણાવ્‍યું હતું કે, ગયા વર્ષે જાપાન યાત્રા સમયે પરમાણું ઊર્જાના શાંતિપૂર્ણ ઉપયોગ માટે ભારતે એક ઐતિહાસિક સમજૂતી કરી હતી. જેમાં રેકટીફિકેશન માટે તેમણે જાપાનની સંસદ અને પ્રધાનમંત્રીશ્રીનો ખાસ આભાર માન્‍યો હતો. તેમણે એમ પણ જણાવ્‍યું હતું કે, સ્‍વચ્‍છ ઊર્જા અને કલાયમેટ ચેન્‍જ ક્ષેત્રે બંને દેશોનો સહયોગ નવો અધ્‍યાય શરૂ કરશે.

પ્રધાન મંત્રી શ્રી મોદીએ જણાવ્‍યું હતું કે, વર્ષ ર૦૧૬-૧૭માં ભારતમાં જાપાન દ્વારા ૪.૭ બિલિયન ડોલર્સનું મૂડીરોકાણ કરાયું હતું જે ગયા વર્ષ કરતાં ૮૦ ટકા વધુ છે. હવે જાપાન દેશ ભારતમાં મૂડીરોકાણ કરનારો સૌથી મોટો ત્રીજો દેશ બની રહ્યો છે. આ આંકડા જ દર્શાવે છે કે, ભારતના આર્થિક વિકાસ અને સ્‍વર્ણિમ આવતીકાલ પ્રતિ જાપાનને કેટલો વિશ્વાસ છે અને આશા છે. આ રોકાણને જોઇને એવું અનુમાન કરી શકાય કે, આવનારા ભવિષ્‍યમાં બિઝનેસની સાથે સાથે વ્‍યક્તિ-વ્‍યક્તિ વચ્‍ચેના સંબંધો વધુ ગાઢ બનશે. એટલે જ અમે જાપાના નાગરિકો માટે વિઝા ઓન એરાઇવલની સુવિધા પહેલેથી જ અમલમાં મુકી છે. તેમણે જણાવ્‍યું હતું કે, હવે આપણે ભારતીય અને જાપાનીઝ પોસ્‍ટ વિભાગના સહયોગથી એક ‘‘કૂલ બોકસ સર્વિસ’’ પણ શરૂ કરી રહ્યા છીએ. જેના દ્વારા ભારતમાં વસવાટ કરતા જાપાનીઝ લોકો સીધા જાપાનથી પોતાનું પસંદગીનું ભોજન મંગાવી શકશે. સાથે સાથે તેમણે બિઝનેસ સમુદાયને અનુરોધ કરતાં જણાવ્‍યું હતું કે, ભારતમાં વધુને વધુ જાપાની રેસ્‍ટોરન્‍ટ શરૂ કરશે. તેમણે ભારતમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, સ્‍કીલ ઇન્‍ડિયા, ટેકસ રીફોર્મ્‍સ અને મેઇક ઇન ઇન્‍ડિયાનો ઉલ્‍લેખ કરી જણાવ્‍યું હતું કે, ભારત દેશ સંપૂર્ણ રીતે બદલાઇ રહ્યો છે. તેમણે જણાવ્‍યું હતું કે, જાપાનના ઓફિસીયલ ડેવલપમેન્‍ટ આસિસ્‍ટન્‍સ ક્ષેત્રે ભારત સૌથી મોટો પાર્ટનર
દેશ છે.

તેમણે વિભિન્‍ન ક્ષેત્રોમાં થયેલા સમજૂતી કરારોનું પણ સ્‍વાગત કર્યું હતું અને જણાવ્‍યું હતું કે, ભારત-જાપાનની આ સહભાગીદારી પરસ્‍પરના તમામ ક્ષેત્રોને વધુ મજબૂત બનાવશે. પ્રધાન મંત્રીશ્રીએ જાપાનીઝ ભાષામાં જ ‘‘અરિગાતો ગોજાઇમસ’’ કહી સૌનો આભાર માન્‍યો હતો.

જાપાનના વડાપ્રધાન શ્રીયુત શિન્ઝો આબે :

જાપાનના વડાપ્રધાન શ્રીયુત શિન્ઝો આબેએ મહાત્‍મા ગાંધીજીના સત્‍ય અને અહિંસાના જીવનદર્શનની પ્રસ્‍તુતા વર્ણવી જણાવ્‍યું હતું કે, ભારતે બૌદ્ધ ધર્મ અને યોગ સંસ્‍કૃતિ દ્વારા વિશ્વને માનવ મૂલ્‍યોની અમૂલ્‍ય સંપદા પ્રદાન કરી છે.

શ્રીયુત આબેએ આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે ભારત-જાપાનના મજબૂત સંબંધોના મહત્‍વને ઉજાગર કરી જણાવ્‍યું હતું કે, બંને દેશ વચ્‍ચેનો મજબૂત સંબંધ સેતુ ઇન્‍ડિયા-પેસિફિક વિસ્‍તારમાં જ નહીં, પુરા વિશ્વમાં મહત્‍વરૂપ સાબિત થશે. તેમણે ઉત્‍તર કોરિયાના પ્રશ્ને બંને દેશોના સ્‍પષ્‍ટ અભિપ્રાયની નોંધ લઇ જણાવ્‍યું હતું કે, આપણે તેમને નીતિ બદલવા મજબૂર કરીશું.

તેમણે એમ પણ જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન શ્રી મોદીની સાથે મળી જાપાન દેશ ઇન્‍ડિયા-પેસિફિક મહાસાગર વિસ્‍તારમાં શાંતિ માટે મજબૂત પ્રયાસો કરાશે. તેમણે એશિયા-પેસિફિક અને આફ્રિકન ક્ષેત્રની કનેકટીવીટી ઉપર પણ ભાર મુકયો હતો. શ્રીયુત આબેએ ‘‘નોર્થ ઇસ્‍ટર્ન સ્‍ટેટ’’ના વિકાસ માટે યોગદાન અપાશે એમ પણ જણાવ્‍યું હતું.

શ્રીયુત આબેએ ભારત અને જાપાનની સંરક્ષણ ક્ષેત્રે મલાબાર એકસરસાઇઝને પરસ્‍પરના વિશ્વાસનું પ્રતિક ગણાવી હતી. હાઇ-સ્‍પીડ ટ્રેનના નિર્માણ માટેના ભૂમિપૂજનને બંને દેશોની પરસ્‍પરની સહભાગિતા ક્ષેત્રે મોટું કદમ ગણાવી તેમણે દૃઢ વિશ્વાસથી એમ પણ જણાવ્‍યું હતું કે, જાપાન-ભારત જે નિર્ણય લે તે સાકાર કરીને જ રહે છે.

તેમણે હાઇસ્‍પીડ ટ્રેન પ્રોજેકટ માટે લોન મંજૂર કરાઇ હોવાનો ઉલ્‍લેખ કરી જાપાન-ઇન્‍ડિયા ઇન્‍સ્‍ટીટયુટ ઓફ મેન્‍યુફેકચરીંગ શરૂ કરવા મેન્‍યુફેકચરીંગ સ્‍કીલ ટ્રાન્‍સફર પ્રમોશન પ્રોગ્રામ અને જાપાનીઝ એન્‍ડોવ્‍ડ કોર્સીસની પણ માહિતી આપી હતી અને માનવ સંસાધન વિકાસ ઉપરાંત જાપાન ઇન્‍ડિયા પ્રમોશન રોડ મેપનો પણ ચિતાર આપ્‍યો હતો.

આવનારા વર્ષ ર૦ર૦માં યોજાનાર ટોકિયો ઓલિમ્‍પિક માટે પર્યટનને પણ મહત્‍વનું ગણાવી ભારત દેશને જોડવા અનુરોધ કર્યો હતો. ભારતીયો જાપાનીઝ ભાષા શીખે તે માટેના પ્રયાસો ઉપર ભાર મુકી ૧૦૦થી વધુ શિક્ષણ કેન્‍દ્રો શરૂ કરવા અને ૧૦૦૦ શિક્ષકો તૈયાર કરવા પર પણ તેમણે ભાર મુકયો હતો. શ્રીયુત આબેએ હિન્‍દ-પ્રશાંત મહાસાગર વિસ્‍તારની શાંતિ અને સમૃદ્ધિ માટે ભારત-જાપાનના મજબૂત સંબંધો મહત્‍વપૂર્ણ ગણાવ્‍યા હતા.

Related posts

પાલડી વિકાસ ગૃહમાંથી ૧૯ વર્ષીય યુવતી ફરાર થઇ ગઇ

aapnugujarat

આરટીઓની વધુ એક લાલિયાવાડી : યુવતીને વીધાઉટ ગીયર લર્નિંગ બદલે વીથ ગીયરનું લાયસન્સ

aapnugujarat

યુવકે પ્રેમિકાના ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ કરી દીધા : પ્રેમીની હરકતથી તંગ આવી યુવતીની ફરિયાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1