Aapnu Gujarat
ગુજરાત

વન, આદિજાતિ વિકાસ મંત્રીના હસ્તે માંગરોળ ખાતે ૫૧૧ કરોડની કાકરાપાર-ગોળધા-વડ ઉદ્દવહન સિંચાઈ યોજનાનો શુભારંભ

માંગરોળ તાલુકાના પાતલદેવી ખાતે આદિજાતિ વિકાસ, વન અને પ્રવાસન મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી રૂ.૫૧૧ કરોડની કાકરાપાર-ગોળધા-વડ ઉદ્દવહન સિંચાઈ યોજનાનો શુભારંભ કર્યો હતો. આ સમારોહમાં સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) દ્વારા  સ્વચ્છતા જાગૃતિ અભિયાન કાર્યક્રમ પણ  યોજાયો હતો.

રૂા.૫૧૧ કરોડના ખર્ચે નિર્માણ થનાર સિંચાઈ યોજનાથકી માંડવી અને માંગરોળ તાલુકાના કુલ ૮૫ ગામોમાં અંદાજીત ૨૯૫૦૦ ખેડૂતોની ૪૯,૫૦૦ એકર આદિજાતી વિસ્તારને સિંચાઇનો લાભ મળશે સઠવાવ તાલુકા માંડવી અને પાતાલદેવી તાલુકા માંગરોળ તળાવો ભરવામાં આવશે. તેમજ ૬ કોતરોમાં ૩૦ ચેકડેમોને પાણીથી ભરવામાં આવશે. ગોરધા વિયર, લાખી ગામ ડેમ અને ઈસર ડેમ એમ કુલ ૩ બંધોમાં પાણી નાખવામાં આવશે. આ યોજના પુર્ણ થયા બાદ, આગામી દશ વર્ષ માટે યોજનાની મરામત અને જાળવણી અંગેની જવાબદારી એલ એન્ડ ટી કંપનીની રહેશે.

કાકરાપાર-ગોળધા-વડ ઉદ્દવહન સિંચાઈ યોજનાના શુભારંભના અવસરે ઉદબોધન કરતા  આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, આપણા વડીલોના વર્ષો જુના સપનાઓ સાકાર થયા છે. વરસાદ આધારિત ગામોમાં સિંચાઈની સુવિધા મળવાથી માંગરોળ અને માંડવી તાલુકામાં સુખ, સમૃધ્ધિના દ્વાર ખુલશે. આદિવાસી ભાઈઓના ખેતરો લીલાછમ બનવાથી લક્ષ્મીનું પણ આગમન થશે ત્યારે મારો આદિવાસીભાઈ મોટરકારમાં ફરશે તે દિવસો હવે દુર નથી. આ તકે તેમણે વોટબેંકની રાજનીતિ કરનારાઓને વિકાસની રાજનીતિ કરવાની ટકોર કરી હતી.

તેમણે કહ્યું કે, અંબાજીથી ઉમરગામના સમગ્ર આદિવાસી પટ્ટાના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સક્ષમ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કાકરાપાર-ગોળધા-વડ ઉદ્દવહન સિંચાઈ યોજનાનો વિધિવત શુભારંભ થતા આ વિસ્તારના વર્ષો જૂના સિંચાઈના પ્રશ્નનું  કાયમી નિરાકરણ થયું છે. પ્રતિકુળ ભૌગોલિક બંધારણ, પર્વતીય વિસ્તાર, પાણીના ઊંડા તળ જેવા અનેક અવરોધો-પ્રતિકુળતાઓ સામે અથાગ પરિશ્રમ પછી આખરે આ યોજનાનો બહુહેતુક લાભ માંગરોળ, ઉમરપાડા, માંડવી, ઝંખવાવ સહિત સુરત જિલ્લાના અનેક વિસ્તારોને મળશે. ખેડૂતોને કોઈ નાણાકીય રોકાણ કે મશીનરી વસાવ્યા વિના વગર ખર્ચે સિંચાઈનું પાણી તેમના ખેતરના શેઢા સુધી પહોંચાડવાની જવાબદારી રાજ્ય સરકારે પોતાના શિરે લીધી છે. આવી અનેકવિધ સિંચાઈ યોજનાઓ થકી નવપલ્લવિત થઈને દક્ષિણ ગુજરાતના આદિજાતિ વિસ્તારોની કાયાપલટ થઇ રહી છે એમ તેમણે ઉમેર્યું હતું.

આ વેળાએ સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, આ રાજ સરકારે આવનારી અનેક પેઢીઓ માટે આર્થિક સમૃધ્ધિનું ભાથુ બાંધી આપ્યું છે. આ વિસ્તારના લાખો ખેડૂતોની સિંચાઈની સુવિધા માટે વર્ષો જૂની લાગણી અને માંગણી હતી. કાકરાપાર ઉદ્દવહન સિંચાઈ યોજનાના શુભારંભથી સરકારે પાણીથી વંચિત રહેલા આદિવાસી ખેડૂતોનું મહેણું ભાંગ્યું છે. કેનાલ દ્વારા નહિ, પરંતુ પાઈપલાઈન દ્વારા ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડતી ગુજરાતની સૌપ્રથમ અને એકમાત્ર પરિયોજના હોય તો એ આ કાકરાપાર ઉદ્દવહન સિંચાઈ યોજના છે. આ તકે તેમણે મંત્રીશ્રી દ્વારા આ યોજના માટે કરવામાં આવેલા અથાગ પ્રયાસોની સરાહના કરી હતી.

આ વેળાએ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સુરેશભાઈ પટેલે કહ્યું કે, આદિવાસીભાઈઓ માટે સોનાનો સુરજ ઉગ્યો છે. સિંચાઈનો લાભ મળવાથી પશુપાલન, ખેતીમાં નવી હરિયાળી ક્રાંતિના મડાણ થશે.

આ પ્રસંગે જિલ્લા સંગઠનના પ્રમુખશ્રી દિલિપસિંહે યોજનાની શરૂઆતથી અંત સુધીની યાત્રાને વર્ણવીને રાજય સરકાર દ્વારા કરવામાં આવી રહેલા વિકાસના કાર્યોની રૂપરેખા આપી હતી.

આ પ્રસંગે સ્વચ્છતા જાગૃતિ અભિયાન કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત સૌએ સ્વચ્છ ભારતના નિર્માણ માટે સ્વસ્છતા શપથ લીધા હતા.

આ પ્રસંગે બાળ અધિકાર સંરક્ષણ આયોગના ડાયરેકટરશ્રી હર્ષદભાઈ ચૌધરી, સિંચાઈ સમિતિના અધ્યક્ષશ્રી દિપકભાઈ વસાવા, માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીમતિ ચંદનબેન ગામીત, સુમુલ ડેરીના ચેરમેનશ્રી રાજુભાઈ પાઠક, વા.ચેરમેનશ્રી રિતેશભાઈ વસાવા, મુખ્ય ઈજનેરશ્રી કે.બી. રાબડીયા, મામલતદારશ્રી મનિષ પટેલ, પાતલદેવીના સરપંચશ્રીમતિ ચંદ્રિકાબેન ચૌધરી સહિત મોટી સંખ્યામાં સરપંચો, આસપાસના વિસ્તારના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

યુવાનોએ આધુનિક ખેતપધ્ધતિ અપનાવી ખેતીકામમાં રૂચી લેવાનો અનુરોધ કરતા સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા

aapnugujarat

હવે મધુ શ્રીવાસ્તવની મીડિયા કર્મીઓને પણ ચેતવણી આપી

aapnugujarat

અંકલેશ્વર અને હાંસોટ તાલુકા પંચાયત કચેરીનું ખાતમુહુર્ત તથા નેત્રંગ તાલુકા પંચાયતનું કચેરીનું લોકાર્પણ મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે થયું.

aapnugujarat

Leave a Comment

UA-96247877-1