Aapnu Gujarat
Uncategorized

વિસાવદરમાં સૌની યોજના લીંક-૪ પેકેજ-૬નાં કામોનો શિલાન્યાસ

મુખ્યમંત્રી વિજયરૂપાણીએ જુનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે સૌની યોજના લીંક-૪ પેકેજ-૬ના મહત્વના કામોનો શિલાન્યાસ કરી કહ્યું કે, સૌરાષ્ટ્રમાં સોનાનો સૂરજ ઉગ્યો છે. હવે, સૌરાષ્ટ્રનો ખેડૂત પાણી વગર નહીં રહે અને વર્ષમાં ત્રણ વખત ખેતીપાક લઇ શકશે.વિસાવદર ખાતે રૂ. ૭૦૦ કરોડના ખર્ચે બનનારી સૌની યોજના લીંક-૪ પેકેજ-૬ના જુનાગઢ જિલ્લાના ૯ ડેમો નર્મદાના પાણીથી ભરવાના કામોનો મુખ્યમંત્રીશ્રીએ તકતી અનાવરણ કરીને શિલાન્યાસ કર્યો હતો.
મુખ્યમંત્રીએ આ તકે કહ્યું કે, નર્મદા અને ગુજરાત વિરોધીઓને લીધે ગુજરાતને નર્મદાનું પાણી મળતું ન હતું. સૌની યોજનાએ વિરોધીઓની બોલતી બંધ કરી દીધી છે. અગાઉની સરકારે નર્મદા ડેમના દરવાજાની મંજુરી સાત વર્ષ સુધી કેમ ન આપી? તેવો પ્રશ્ન મુખ્યમંત્રીએ કર્યો હતો. વડાપ્રધાને આ મંજુરી માત્ર ૧૭ દિવસમાં આપી. રાજ્ય સરકારની વિકાસની નીતિને સફળતા મળી છે. ‘સૌનો સાથ સૌનો વિકાસ’ માં માનનારી આ સરકારે ગરીબો, દલિતો, વંચિતો માટે અનેક ક્રાંતિકારી નિર્ણયો લીધા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની પ્રતિષ્ઠા વિશ્વભરમાં વધારી છે. યુવાનો અને મહિલાઓના ઉત્કર્ષ માટે ઔતિહાસિક કદમ ઉઠાવ્યા છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, આ સરકાર ગરીબોની છે, ખેડૂતોની છે, તેમ કહી છેલ્લા એક વર્ષમાં જનહિતને ધ્યાને લઇને લોકોના કલ્યાણ માટે લેવાયેલા નિર્ણયોની માહિતી આપી હતી. મુખ્યમંત્રીએ ડ્રીપ ઇરીગેશનમાં ૭૫ ટકા સબસીડી અપાઇ છે તેમ જણાવી પાણી બચાવવા અપીલ કરી હતી.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, જુનાગઢ જિલ્લામાં પાક વિમા માટે રૂ.૧૭૧ કરોડની રકમ ચુકવાઇ છે. રૂ.૧૪૫ કરોડના ખર્ચે ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી છે. હજુ પણ કોઇ ખેડૂતોને વાસ્તવિક રીતે ઓછો પાક વિમો મળ્યો હોય તો તેમને પુરતું વળતર મળે તે માટે જિલ્લા તંત્રને રિસર્વેની કામગીરી કરવાની સૂચના આપવામાં આવી છે. ખેડૂતોને સંતોષ થાય તે રીતે સરકાર કામગીરી કરવા કટીબદ્ધ છે.
સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમો સાથે ચેકડેમોને પણ જોડી નર્મદાનું પાણી પહોંચાડવામાં આવશે અને જુનાગઢ જિલ્લામાં હવે સિંચાઇ માટે પણ નર્મદાનું પાણી મળશે. આ કામ ઝડપભેર પૂર્ણ થાય તે દિશામાં કામો ચાલુ થઇ ગયા છે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.
આ પ્રસંગે સિંચાઇ રાજ્ય મંત્ર નાનુભાઇ વાનાણીએ કહ્યું કે, નિર્ણાયક સરકારના પ્રણેતા વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્રમાં પાણીનો દુકાળ ભૂતકાળ બને તે માટે રાજ્ય સરકાર તત્પર છે. તેઓએ કહ્યું કે, વિસાવદર અને ભેસાણમાં પાણીની અછત રહેતી હતી તે બાબત ધ્યાને લઇને લીંક-૪ની યોજના થકી જુનાગઢ જિલ્લામાં ૯ ડેમોને નર્મદાના પાણીથી ભરાશે. સૌની યોજના સૌને અશક્ય લાગતી હતી. આજે લીંક-૧ ફેઝ-૧ના કામો તો પૂર્ણ થઇ ગયાં છે તે એક મોટી સફળતા છે તેમ મંત્રીશ્રીએ કહ્યું હતું. સૌની યોજનાથી ડેમો આજે છલોછલ થઇ રહ્યા છે તેનાથી લોકોમાં અનેરો ઉત્સાહ છે તેમ પણ મંત્રીશ્રીએ કહ્યું હતું.

Related posts

આયુર્વેદ નિષ્ણાંત વૈધ મહેન્દ્રસિંહજીનું સન્માન કરાયું

editor

વિસાવદરમાં માતાએ ચાર સંતાનો સાથે આપઘાત કર્યો

aapnugujarat

રાજકોટ રૂરલ એલસીબીએ ઈંગ્લિશ દારૂના જથ્થા સાથે શખ્સને ઝડપ્યો

editor

Leave a Comment

UA-96247877-1