Aapnu Gujarat
ગુજરાત

માલધારી સમુદાય હવે મોદીની મુલાકાત ટાણે કાર્યક્રમ આપશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ સત્તાવાળાઓ દ્વારા ગુજરાત હાઇકોર્ટના ચુકાદાનું ખોટુ અર્થઘટન કરી માલધારી સમાજ પર થઇ રહેલા અત્યાચાર મામલે હકારાત્મક નિર્ણય લેવા માલધારી સમાજ દ્વારા અપાયેલા ૨૪ કલાકના અલ્ટિમેટની સમયમર્યાદા પૂર્ણ થઇ જવા છતાં અમ્યુકો સત્તાવાળાઓ તરફથી કોઇ નિર્ણય નહી લેવાતાં માલધારી સમાજ ખિન્ન બન્યો છે. જેને પગલે હવે માલધારી સમાજ દ્વારા આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમદાવાદ મુલાકાત દરમ્યાન આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાની જાહેરાત કરાઇ છે. આ માટે અમદાવાદ સહિતના શહેરોમાં માલધારી સમાજની ગ્રુપ મીટીંગોનો દોર શરૂ થઇ ગયો છે, જેમાં આગામી વિરોધની રણનીતિ નક્કી કરવામાં આવશે. અમ્યુકો અને પોલીસના અત્યાચારના વિરોધમાં માલધારી એકતા સમિતિના પ્રમુખ નાગજીભાઇ દેસાઇના નેજા હેઠળ પ્રતિનિધમંડળે તા.૩૦મીએ મેયર ગૌતમભાઇ શાહને મળી રૂબરૂ આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. મેયર ગૌતમભાઇ શાહે આ સમગ્ર મામલે ઘટતુ કરવાની હૈયાધારણ આપી હતી પરંતુ માલધારી સમાજે પોતાની માંગણીઓ મુદ્દે ૨૪ કલાકમાં નિર્ણય લેવાનું અલ્ટિમેટમ આપ્યું હતું પરંતુ તેમછતાં હજુ સુધી અમ્યુકો સત્તાવાળાઓ તરફથી કોઇ જ હકારાત્મક નિર્ણય નહી લેવાતાં માલધારી સમાજ રોષે ભરાયો છે. માલધારી એકતા સમિતિના પ્રમુખ નાગજીભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, અમ્યુકો અને પોલીસ તંત્ર નિર્દોષ ગાયો પર જુલમ ગુજારી રહ્યા છે અને કાયદામાં બેધારી નીતિ અપનાવી રહ્યા છે. શહેરના રોડ-રસ્તાઓના ભ્રષ્ટાચારીઓને પકડવા નથી અને નિર્દોષ ગાયોને પકડીને તેના માલિકો પર કાર્યવાહી કરાઇ રહી છે આ તે કયાંનો ન્યાય છે. અગાઉના વર્ષોમાં મોદી સરકાર ગાયના નામે કોમી હુલ્લડો કરાવતી હતી અને હવે પોતે કેન્દ્રમાં સત્તામાં આવ્યા ત્યારે તેમના શાસનમાં જ સૌથી વધુ ગાયોની હત્યા થઇ રહી અને ગાયો પર જુલમ-અત્યાચાર થઇ રહ્યો છે. આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમ્યાન માલધારી સમાજ દ્વારા આશ્ચર્યકારક કાર્યક્રમ આપવામાં આવશે. આ માટે માલધારી સમાજના લોકોને મોદીના કાર્યક્રમ અને વિરોધ કાર્યક્રમ સંબંધી માહિતી આપવામાં આવી રહી છે. સાથે સાથે આ વિરોધ કાર્યક્રમ માટે અમદાવાદ, કડી, કલોલ, સાણંદ, ખેડા, મહેસાણા, પાટણ, સિધ્ધપુર, સુરેન્દ્રનગર, વિરમગામ, આણંદ, ગાંધીનગર અને દહેગામ સહિતના સ્થળોએ માલધારી સમાજની ગ્રુપ મીટીંગોનો દોર શરૂ કરી દેવાયો છે.

Related posts

સરકારનું મગફળી ખરીદીનું પ હજાર કરોડનું કાંડ : કોંગી

aapnugujarat

પાટીદારો બાદ આ સમાજના અગ્રણીઓએ પણ સરકાર પાસેથી તેમના પર લાગેલા કેસો પાછા ખેંચવાની માંગ કરી

aapnugujarat

રાજ્યમાં ઉત્તરાયણ પર ૨૦નાં મૃત્યુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1