Aapnu Gujarat
ગુજરાત

મુખ્યમંત્રી રૂપાણી દ્વારા સ્વતંત્રતા દિવસે શ્રેણીબદ્ધ જનકલ્યાણની ઘોષણા કરાઈ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વતંત્રતા પર્વની રાજયસ્તરીય ઉજવણીના ભાગરૂપે સયાજીનગરી વડોદરાના નવલખી મેદાન પર રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો અને ૩૩ પ્લાટુન્સના ગણવેશધારી જવાનોની સાથે દેશની આન, બાન અને શાનના પ્રતિક સમાન રાષ્ટ્રધ્વને આદરપૂર્વક સલામી આપી હતી. મંચ ઉપર રાષ્ટ્રધ્વજવંદનામાં રાજયના મુખ્ય સચિવ ડા. જેએન સિંહ અને પોલીસ વડા ગીતા જૌહરી તેમની સાથે જોડાયા હતા. મુખ્યમંત્રીએ રાજયના લોકોને સ્વતંત્રતા પર્વ અને કૃષ્ણ જન્મોત્સવની હાર્દિક શુભકામનાઓ પાઠવવાની સાથે દેશની સ્વતંત્રતા માટેના સૌ બલીદાનની અને સમર્પણ કરનારાઓને ભાવપૂર્ણ અંજલી આપી હતી. વડોદરાના પ્રજા વત્સલ રાજવી સયાજીરાવને તેમણે ખાસ યાદ કર્યા હતા અને ક્રાંતિવીરોની નીડર પણે પીઠબળ આપીને અંગ્રેજોને પડકારવાની તેમની હિંમતનો અને સયાજીરાવ મહારાજે વિદેશની ધરતી પર ભારતની સ્વતંત્રતા માટેની ચળવળનું કેન્દ્ર બનેલા ઈન્ડિયા હાઉસ માટે આપેલા ભંડોળનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. સ્વતંત્રતા સંગ્રામમાં વડોદરાના અન્ય ક્રાંતિવીરોના અપ્રતિમ યોગદાનને તેમણે યાદ કર્યું હતું.

મહાત્માગાંધી, સરદાર પટેલ, શ્યામજી કૃષ્ણ વર્મા સરદારસિંહ રાણા જેવા અનેક પ્રતાપી અને પરાક્રમી પૂર્વજોની તેમણે વંદના કરી હતી. ગુજરાત ઓન ફાસ્ટ ટ્રેકની અનુભુતિ કરાવવા રાજય સરકારે એક જ વર્ષમાં ૪૭૫ જેટલા પ્રજાલક્ષી નિર્ણયો લીધા એનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ સંખ્યાબંધ પ્રજાલક્ષી જાહેરાતોની સ્વતંત્રતા પર્વની ભેટરૂપે ઘોષણા કરી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાતના યુવાનોા જોબસીકર નહીં પણ જોબગીવર બને તે માટે એમએસએમઈને પ્રોત્સાહિત કરવા રાજયના તાલુકાઓમાં દસ નવી ઔદ્યોગિક વસાહતોની સ્થાપના કરાશે અને પ્લગ અને પ્રોડયુસની નીતિનું અમલીકરણ કરવામાં આવશે. માછીમારી દરમિયાન મરણ પામતા માછીમારોના કિસ્સામાં તેમનો મૃતદેહ ન મળે તો સહાયતાની રકમ મેળવવા પરિવારોને સાત વર્ષ સુધી રાહ જોવી પડે છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ વિપદાનો અંત આંણવા હવે સાગર ખેડુ માછીમારોના મૃત્યુના કિસ્સામાં એક વર્ષમાં જ મુખ્યમંત્રી રાહતનીધિમાંથી બે લાખ રૂપિયાની સહાય આપી દેવાશે. તેમણે ડીજીટલ ઈન્ડિયાની કલ્પના સાકાર કરવાની દિશામાં વધુ એક કદમના રૂપમાં રાજયની સરકારી કોલેજીસ અને યુનિવર્સિટીઝના કેમ્પસીસને સરકારના ખર્ચે વાઈફાઈની સુવિધાથી સુસજ્જ કરવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ રાજયના દસ હજાર નાના કેરોસીન કાર્ડધારક બોટ માલીક માછીમારોને પીડીએસ કોટામાંથી માસીક ૩૫ લીટર્સ કેરોસીન ઉપરાંત ૧૫૦ લીટર્સની મર્યાદામાં કેરોસીન ખરીદી માટે લીટરદીઠ ૨૫ની સહાય આપવાની જાહેરાત કરી હતી અને તેની સાથે મત્સ્યબંદરો અને ઉતરણ કેન્દ્રોમાં માછીમારોની હોડીઓની અવરજવર સરળ બનાવવા પીપીપી ધોરણે મેન્ટેનન્સ ડ્રેજીંગની નવીનીતિ બનાવવાનો નિર્ણય જાહેર કર્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આદિવાસી વિસ્તારોમાં મેડીકલ કોલેજીસની અને સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ્સની સ્થાપના માટે નવી મેડીકલ પોલીસી શરૂ કરી છે અને હ્ય્દય કીડનીની ગંભીર બીમારીઓમાં અંગદાનને દર્દી સુધી તત્કાળ પહોંચતું કરવા એર એમ્બ્યુલન્સના ખર્ચમાં ૫૦ ટકાની રાહત સરકાર આપી રહી છે. તેમણે સ્વતંત્રતાના સાત દાયકાઓ સુધી વણ સંતોષાયેલી રહેલી સુરાજય માટેની લોક અપેક્ષાઓ સાકાર કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બિરદાવ્યા હતા અને હવે દેશ સુરાજય અને સુશાસનની કેડી કંડારી રહ્યો છે તે માટે ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ કૃષિ વિકાસ, યુવા શક્તિનું ઘડતર, ખેડુતોની પડતર અરજીઓ સામે વીજ જોડાણો, તુવેર અને મગફળીની ટેકાના ભાવે ખરીદી દ્વારા ખેડુતોના હીતોનું રક્ષણ, રાજય સરકારની સેવાઓમાં ૮૦ હજાર યુવાનોની ભરતી, મેગા જોબ ફેર્સ દ્વારા યુવાનોને લાયકાતો પ્રમાણએ સરળ રોજગારી, બે આંકડાનો કૃષિ વિકાસ દર, સુજલામ સુફલામ અને સૌની યોજનાના લાભો, સેવાસેતુ કાર્યક્રમ દ્વારા અદના માણસોની સમસ્યાઓનું નિરાકરણ સહિત શિક્ષણ, આરોગ્ય સહિતના તમામ ક્ષેત્રોમાં રાજય સરકારની સિદ્ધિઓની વિગતો આપી હતી.

Related posts

ગુજરાત સરકારે વકફ બોર્ડમાં અહમદ પટેલની કરી નિમણૂક

aapnugujarat

વીએસ હોસ્પિટલની ઐતિહાસિક બિલ્ડિંગને તોડવા સામે મનાઈ હુકમ

aapnugujarat

લખતરના વરસાણી ગામના યુવકે ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1