Aapnu Gujarat
બ્લોગ

ડૉ. બાબાસાહેબ આંબેડકર : કાયદા પ્રધાન પદેથી રાજીનામું આપવાનાં મહત્વનાં કારણો

કારણ નં. ૧ :- શા માટે પગલું ભરવું પડ્યું ? શા માટે મારે સાથીદારો સાથેનો સંબંધ તોડવો પડ્યો ?
પ્રથમ વ્યક્તિગત વિસ્તૃત રીતે ચર્ચા કરવા માંગુ છું. વર્ષો સુધી વાઈસરોયની કમિટીના સભ્યપદે રહેવાથી હું એ જાણું છું કે, જે વ્યક્તિમાં ધગસ, દૂરંદેશી તથા રાષ્ટ્રના નવનિર્માણની જેને તાલેવેલી છે એ વ્યક્તિ માટે કાયદા પ્રધાનનું સ્થાન ઉત્સાહજનક હોતું નથી. અમો એને વૃદ્ધ વકીલોને રમવા માટેનું કેરમબોર્ડ કહીએ છીએ. જ્યારે પ્રધાનમંત્રીએ મને કાયદા પ્રધાન તરીકે ઓફર કરી ત્યારે મેં તેમને કહેલું કે, ‘એક કાબેલ ધારાશાસ્ત્રી હોવા ઉપરાંત વર્ષો સુધી મેં વાઈસરોયની કમિટીમાં રહી ભારત સરકારના મજુર અને પી.ડબ્લ્યુ.ડી. ખાતાનું કુશળ રીતે સંચાલન કર્યું છે એટલે મારું ભણતર, અનુભવ વગેરેને ધ્યાનમાં લઈ મને યોગ્ય ખાતુ સોંપવામાં આવે તો મારી શક્તિનો હું સદુપયોગ કરી શકું. એ સમયે પ્રધાનમંત્રી (નહેરૂ) મારી સાથે સંમત થયા અને કહ્યું કે, ‘કાયદા ઉપરાંત આયોજનનું ખાતું તમોને સોંપવામાં આવશે.’ પરંતુ દુર્ભાગ્યવશાત યોજના નિર્માણ ખાતુ ઘણું મોડું અસ્તિત્વમાં આવ્યું. પરંતુ ત્યારે પણ પ્રધાનમંત્રી મને ભૂલી ગયા ! હું કાયદાપ્રધાન રહ્યો ત્યાં સુધી અનેક મંત્રીઓના દફતરોની ફેરબદલી અનેકવાર થઈ. ફક્ત મારા દફતર સિવાય ? કેટલાક મંત્રીઓને તો જુદાં જુદાં બબ્બે ત્રણ ત્રણ ખાતાઓ સોંપવામાં આવ્યા.
અરે કોઈ પ્રધાન પરદેશ જતો તો તેમની ગેરહાજરીના તેટલા સમય પૂરતું પણ મને તેમના દફતરનો હવાલો સોંપવામાં આવતો નહીં. એટલે સહેજે પ્રશ્ન ઉદ્‌ભવે છે કે, વડાપ્રધાન પંડિત નહેરૂ ક્યા સિદ્ધાંતને આધારે રાજ્ય વહીવટ કરવા માંગે છે ? શું દલિતો સાથેની લાગણી કે મારી સાથેની મિત્રતાનું આ લક્ષણ છે ? પછી જેમને પોતાની ઈચ્છા મુજબના પસંદગીના ખાતાં સોંપાયા તેની પાછળ ખુશામત છે ? અર્થશાસ્ત્ર એ મારો વિશેશષત વિષય હોવા છતાં મને ન તો આર્થિક બાબતોની કમિટીમાં લીધો. દુઃખદ હકીકત એ છે કે, ઈંગ્લેન્ડના પ્રવાસેથી પાછા ફર્યા પછી પ્રધાનમંત્રીએ પ્રધાનમંડળની પુનઃરચના કરી ત્યારે પણ તેઓ મને બિલકુલ ભુલી ગયા ! પ્રધાનમંત્રીનો એ અબાધિત અધિકાર છે કે કોને મંત્રી તરીકે નીમવા, અથવા તેને ક્યું ખાતું સોંપવું પરંતુ ખુશામત નહીં કરનાર સ્વમાની અને સિદ્ધાંતપ્રિય વ્યક્તિને એકલી પાડી. કેવી રીતે માનસિક ત્રાસ આપી તેને બેહુદી રીતે કચડવામાં આવે છે તેનો મને પોતાને ઠીકઠાક અનુભવ થયો છે, વળી જ્યારે કોઈ મહત્વનું દફતર ખાલી પડ્યું હોય ત્યારે તે મેળવવા માટે મેં કદીએ ખટપટિયો પ્રયત્ન કર્યો નથી. છતાં મારી સાથેનું પ્રધાનમંત્રીનું વર્તન ભયંકર અમાનવીય રહ્યું, જે મારા રાજીનામાં પાછળનું પ્રથમ મહત્વનું કારણ છે.

સૌજન્ય :- ગીતા પબ્લિકેશન
ક્રમશઃ

Related posts

ઈન્ટરનેટના ક્ષેત્રમાં ઉત્ક્રાંતિ : આઈટી ઉદ્યોગ સમક્ષ પડકાર

aapnugujarat

ગુજરાત વિધાનસભામાં દલિત પ્રતિનિધિત્વ

aapnugujarat

प्रेम-विवाह सबसे ऊपर

editor

Leave a Comment

UA-96247877-1