Aapnu Gujarat
Uncategorized

જૂનાગઢમાં યોજાયો મહિલા બાળ પોષણ જાગૃતિ દિવસ

જૂનાગઢ જિલ્લા પંચાયત સંકલીત બાળવિકાસ વિભાગ જૂનાગઢ દ્વારા શીશુમંગલ  તાલીમ ભવન ગાંધીગ્રામ જૂનાગઢ ખાતે મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઊજવણી અંતર્ગત મહિલા બાળ પોષણ જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતનાં પ્રમુખશ્રી વલ્લભભાઇ દુધાતે કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાનેથી ઉપસ્થિત બહેનોને સંબોધતા જણાવ્યુ હતુ કે સમાજનાં સર્વાંગી વિકાસમાં મહિલાઓનો ફાળો સવિશેક્ષ છે. આપણાં રાષ્ટ્રપીતા મહાત્મા ગાંધીજી માનતા કે ‘‘જો એક છોકરો શિક્ષિત બનશે તો સમાજને એક જ બાળક શિક્ષિત મળશે, પરંતુ જો એક બાલિકા શિક્ષિત બનશે તો એક આખો પરિવાર શિક્ષિત બનશે.’’ સામાજીક, આર્થિક વિકાસ માટે શિક્ષણમાં સુધારો લાવવો અને લોકોની માનસિકતામાં ક્રાંતિકારી વિચાર લાવવો જરૂરી છે. ગુજરાતે મહિલાઓને સુશિક્ષિત – સુરક્ષિત અને જાગૃત્ત બનાવવા જેન્‍ડર ઈક્‍વાલિટી પોલીસી(જીઈપી) અંતર્ગત મહિલા અને બાળવિકાસ વિભાગે મહિલા અને બાળકોની સ્‍થિતિ સુધારવા માટે યોજનાઓને અમલી બનાવી છે તે સરાહનીય છે.

કાર્યક્રમનાં અતિથી વિશેષ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય પ્રકાશે પ્રાસંગિક ઉદબોધનમાં રાજ્ય સરકારશ્રી દ્વારા શરૂ કરાયેલ મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણીનો હાર્દ સમજાવી જણાવ્યુ હતુ કે મહિલા સશક્તિકરણ આધ્યાત્મિક, રાજકીય, સામાજિક અને આર્થિક રીતે મહિલાને સશક્ત કરવાના સંદર્ભે છે. ભારતીય બંધારણ સાર્વભૌમત્ત્વ, સમાજવાદ અને બિનસાંપ્રદાયિક સિદ્ધાંતોને વરેલું છે. આ બંધારણે દેશના દરેક નાગરિકને સમાન હક્ક આપ્‍યા છે. જાતિય સમાનતાનો સિદ્ધાંત મહિલાઓને સમાન હક્ક આપવાની તરફેણ કરે છે. બંધારણે મહિલાઓને સમાન હક્કો મળી રહે તે માટે રાજ્‍ય સરકારનો મહિલા અને બાળવિકાસ વિભાગ મહિલા અને બાળકોના કલ્‍યાણ, સશક્‍તિકરણ અને ઉદ્ધાર માટે વિવિધ યોજનાઓ ચલાવે છે. આ યોજનાઓ સંકલિત બાળ વિકાસ સેવા અને સંકલિત મહિલા વિકાસ સેવાના નેજા હેઠળ ચાલે છે. ૧૯૭૫માં ભારત સરકારે સંકલિત બાળ વિકાસ સેવા અને સંકલિત મહિલા વિકાસ સેવાનો પ્રારંભ કર્યો હતો. આજે આ સેવાનો વ્‍યાપ સમગ્ર દેશમાં છે, જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ઉપસ્થિત બહેનોને જણાવ્યુ હતુ કે બહેનોને જો કોઇ સમશ્યા હોય તો તેમાં સહાયરૂપ બનવા જિલ્લા પંચાયતનાં વહીવટી વડા તરીકે જે કંઇ થઇ શકે તે માટે સહાયરૂપ બનીશ

મહિલા બાળ પોષણ જાગૃતિ અંગે માણાવદરનાં તાલુકા બ્લોક હેલ્થ ઓફીસર ડો. શિલ્પાબેન જાવીયાએ શિશુ સંભાળ અને બાળ આરોગ્ય વિષયે જાણકારી આપી હતી. શ્રી કૈલાશબેન ગોઢાતરાએ સગર્ભા, ધાત્રી તથા કિશોરીઓને પોષણક્ષમ આહાર વિષયક માર્ગદર્શન આપ્યુ હતુ. ગામી હંસાબેને રસોઇની સાચી પધ્ધતિઓ અને પૈાષ્ટીકતાની જાળવણી વિષયે ઉપસ્થિત બહેનોને જાણકારી આપી હતી.

કાર્યક્રમનાં પ્રારંભે પ્રોગ્રામ ઓફીસર શ્રી જશુબેન ચાવડાએ અતિથીઓને આવકારી સેમિનારનો હેતુ સમજાવતા જણાવ્યુ હતુ કે મહિલા અને બાળકોના કલ્‍યાણ માટે કુટુંબ કલ્‍યાણ, શિક્ષણ, આરોગ્‍ય, પોષણ, આરોગ્‍ય શિક્ષણ, ન્‍યાય અને સમાનતા જેવા મુદ્દાઓ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરી ઘરેલુ હિંસા, મહિલાને મિલકતનો અધિકાર, દહેજ પ્રતિબંધ, જાતિય સતામણી સામે રક્ષણ અને મહિલાઓનું અશ્‍લિલ ચિત્રણ જેવી મહિલાઓને સ્‍પર્શતી સમસ્‍યાઓના ઉકેલ માટે વિભાગ સક્રિય છે. મહિલા અને બાળવિકાસ વિભાગ નવજાત શિશુઓને પોષણ અને બાળકોના આરોગ્‍યની સંભાળ જેવી બાબતોનું નિરિક્ષણ કરે છે, જરૂર જણાય ત્‍યાં પગલાં લે છે. મહિલાઓ સામે રાખવામાં આવતાં ભેદભાવ દુર કરવાનું અને તે મુદ્દે સંવેદનશીલતા કેળવવાનું કાર્ય કરે છે. મહિલાઓને વિવિધ યોજનાઓમાં જોડવાનું કામ કરી સમાજના મુખ્‍ય પ્રવાહમાં ભેળવવાનું કામ કરે છે. મહિલાઓ માટે જાતીય સમાનતા ઉભી કરવાની મહત્‍વની જવાબદારી આ વિભાગ નીભાવે છે. મહિલા અને બાળકોના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસમાં વિભાગની ચાવીરૂપ ભૂમિકા છે. વિભાગ તેમના સશક્‍તિકરણ માટેની માર્ગદર્શિકા તૈયાર કરવાનું અને જાગૃત્તિ ઉભી કરે છે.જૂનાગઢ જિલ્લામાં ગેસ કનેક્શન અને સેફ્ટીફાયર સાથે ૧૪૨૬ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે.૯૧૧ કેન્દ્રોમાં વોટર પ્યોરીફાયર પણ ઉપલબ્ધ છે. દરેક આંગણવાડી કેન્દ્રો પર દર માસનાં ચોથા શુક્રવારે અન્નપ્રાશન વિધી કરવામાં આવે છે. આંગણવાડી દિઠ માતૃમંડળ કાર્યરત છે.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત કારોબારી સમિતી ચેરમેન શ્રીમતી શારદાબેન સવસાણી, અગ્રણી શ્રી વાલજીભાઇ અમીપરા, કેતકીબેન દવે, ભારતીબેન કુંભાણી વંથલી તાલુકા વિકાસ અધિકારી હીરાભાઇ ચાવડા, જુનાગઢ તાલુકા વિકાસ અધિકારીશ્રી ગોર સહિત આગેવાનો, વિવિધ વિભાગનાં અધિકારીશ્રીઓ, મહિલા સંગઠનનાં અગ્રણીશ્રીઓ અને આંગણવાડી વર્કરો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

સિંચાઈ માટે પાણીના ઉપયોગ ઉપર દ્વારકા-જુનાગઢમાં અંકુશ

aapnugujarat

 મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના હસ્તે જેતપુરમાં ૨૦ કરોડના પાણી પૂરવઠાના કામોનું લોકાર્પણ સપન્ન

aapnugujarat

સુરતમાં ૮ વર્ષીય બાળકી પર બળાત્કાર

editor

Leave a Comment

UA-96247877-1