લોકસભાની આગામી ચૂંટણી માટે ભાજપે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે જેમાં એક વાત ઉડીને આંખે વળગે તેવી છે. તાજેતરમાં ભાજપના જે સાંસદોએ બેફામ વાણીવિલાસ કર્યો હતો અથવા વાંધાજનક વર્તન કર્યું હતું તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માફ નથી કર્યા. આ વખતની યાદીમાં આવા સાંસદોના પત્તા કપાઈ ગયા છે. આ કારણથી જ પ્રજ્ઞા ઠાકુર, રમેશ બિધુરી અને પર્વેશ વર્મા જેવા લોકોને લોકસભાની ટિકિટ નથી મળી. ભાજપના એક નેતાએ સ્વયં સ્વીકાર્યું છે કે પ્રજ્ઞા ઠાકુર, રમેશ બિધુરી અને પર્વેશ વર્માએ જે રીતે ઉશ્કેરણીજનક ભાષા વાપરી હતી તેના કારણે ભાજપ માટે મુંઝવણભરી પરિસ્થિતિ પેદા થઈ હતી. આવા લોકો સામે પાર્ટીની અંદર નારાજગી હતી.
પ્રજ્ઞા ઠાકુરનો વિવાદઃ ભોપાલમાં ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુર એક ફાયર બ્રાન્ડ નેતા તરીકે ઓળખાય છે જેઓ બોલતી વખતે કોઈ વાતનું ભાન રાખતા નથી. છેલ્લા પાંચ વર્ષમાં તેઓ અનેક વખત વિવાદોમાં સપડાયા છે. તેઓ એક બ્લાસ્ટ કેસમાં આરોપી તરીકે પકડાયા હતા અને પછી આરોગ્યના કારણોસર જામીન પર છે. આમ છતાં તેઓ કબડ્ડી રમતા જોવા મળે છે અને ગરબા કાર્યક્રમોમાં હાજરી આપે છે. પરંતુ સૌથી મોટો વિવાદ ત્યારે થયો હતો જ્યારે તેમણે મહાત્મા ગાંધીની હત્યા કરનારા નાથુરામ ગોડસેને એક દેશભક્ત ગણાવ્યો હતો.
પ્રજ્ઞા ઠાકુરની આ કોમેન્ટના કારણે સનસનાટી મચી ગઈ હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે રિએક્શન આપવું પડ્યું હતું. તેમાં મોદીએ કહ્યું હતું કે ગાંધીજી અથવા નાથુરામ ગોડસે અંગે કરવામાં આવેલી ટિપ્પણી અયોગ્ય છે અને સમાજમાં ખોટો સંદેશ આપે છે. પ્રજ્ઞા ઠાકુરે આ અંગે માફી માંગી છે પરંતુ હું તેમને ક્યારેય પૂર્ણ રીતે માફ નહીં કરી શકું. મોદીની આ ટિપ્પણીના પાંચ વર્ષ પછી પ્રજ્ઞા ઠાકુરની ટિકિટ કપાઈ ગઈ છે.