લોકસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે ત્યારે ભાજપ સહિતના તમામ પક્ષો ચૂંટણી લડવા માટે ભંડોળ એકઠું કરવામાં વ્યસ્ત છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપને આજે 2000 રૂપિયાનું દાન આપ્યું છે. ત્યાર પછી તેમણે આખા દેશમાંથી ફંડ એકત્ર કરવા માટે હાકલ કરી હતી. તેમણે ટ્વિટર પર એક પોસ્ટ મૂકીને જણાવ્યું કે વિકસિત ભારતના નિર્માણ માટેના અમારા પ્રયાસોને મજબૂત બનાવવા માટે યોગદાન આપતા મને આનંદ થાય છે.
વડાપ્રધાને જણાવ્યું કે રાષ્ટ્રના નિર્માણ માટે સૌએ સાથે મળીને કામ કરવાનું છે. તેમણે નમો એપ દ્વારા એક ખાસ પહેલ શરૂ કરી છે જેને રાષ્ટ્રનિર્માણ માટે ડોનેશન નામ આપવામાં આવ્યું છે. ભાજપે શુક્રવારથી જ આખા દેશમાંથી ફંડ એકત્ર કરવાનું કામ શરૂ કરી દીધું છે. આ ફંડનો ઉપયોગ લોકસભાની ચૂંટણી માટે કરવામાં આવશે. એપ્રિલ મહિનામાં દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણી થવાની છે.
ભાજપના પ્રમુખ જે પી નદ્દાએ પણ ટ્વિટર પર લખ્યું કે મેં પણ ભારતને વિકસીત દેશ બનાવવા માટે વડાપ્રધાન મોદીના વિઝનને ટેકો આપવા માટે ભાજપને ફંડ આપ્યું છે. તેમણે પાર્ટીના ટેકેદારોને NaMo app દ્વારા સપોર્ટ આપવા વિનંતી કરી હતી.
કયા પક્ષને કેટલું ફંડ મળે છે
તાજેતરમાં એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર)એ જણાવ્યું હતું કે વર્ષ 2022-23માં છ રાષ્ટ્રીય પક્ષોએ કંપનીઓ અને લોકો પાસેથી 3,077 કરોડનું ભંડોળ એકત્ર કર્યું હતું. તેમાં ભાજપને સૌથી વધારે 2361 કરોડનું ભંડોળ મળ્યું હતું. છ રાજકીય પક્ષોને આખા વર્ષમાં જે આવક થઈ તેમાંથી એકલા ભાજપને 76 ટકા કરતા વધારે ફંડ મળ્યું હતું. ભાજપને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા 1294.15 કરોડની આવક થઈ હતી.