ભારતમાં NRI યુવક અથવા યુવતી સાથે પરણવાનો એક ક્રેઝ જોવા મળે છે જેમાં ઘણી વખત લોકો છેતરાઈ જતા હોય છે. આવી સ્થિતિમાં ભારતીય નાગરિકોને મદદ કરવા માટે કાયદા પંચે કડક નિયમો ઘડવાની ભલામણ કરી છે. તેના કારણે કોઈ પણ NRI જ્યારે કોઈ ભારતીય યુવતી અથવા યુવક સાથે લગ્ન કરશે ત્યારે તેનું ભારતમાં ફરજિયાત રજિસ્ટ્રેશન કરવામાં આવશે.
કાયદા પંચે જણાવ્યા પ્રમાણે ભારતીય નાગરિકો સાથે લગ્ન કરતા NRI માટે કડક નિયમો હોવા જોઈએ. તે પ્રમાણે ભારતીય નાગરિક અને NRI અથવા OCI વચ્ચેના તમામ લગ્નનું ભારતમાં રજિસ્ટ્રેશન થવું જોઈએ. ઘણી વખત વિદેશમાં પોતાના જીવન અને સ્ટેટસ વિશે બહુ મોટા દાવા કરીને ભારતીય યુવતીઓને ફસાવવામાં આવતી હોય છે અને પછી વિદેશ જતા જ વાસ્તવિકતા કંઈક અલગ હોય છે. આ ઉપરાંત NRI પતિ દ્વારા ભારતીય યુવતીઓને તરછોડી દેવામાં આવતી હોય તેવા કિસ્સા પણ ઘણા નોંધાય છે. આવી સ્થિતિમાં ભારતીય નાગરિકને તેના અધિકાર મળી શકે તે માટે લગ્નનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવશે.
જસ્ટિસ રિતુ રાજ અવસ્થીની આગેવાનીમાં તૈયાર કરાયેલા રિપોર્ટમાં જણાવાયું છે કે એનઆરઆઈ અને ભારતીય યુવક કે યુવતી વચ્ચેના લગ્નમાં ઘણી વખત છેતરપિંડી થાય છે. કેટલાક લગ્નો બનાવટ જેવા હોય છે જેમાં ખાસ કરીને મહિલાઓની સ્થિતિ કફોડી થઈ જાય છે.
નવા કાયદામાં એનઆરઆઈ અને ભારતીય નાગરિક વચ્ચેના લગ્નમાં છૂટાછેડા, જીવનસાથીનું ભરણપોષણ, બાળકોની કસ્ટડી અને તેનું ભરણપોષણ તથા સમન્સ કે વોરંટની બજવણી સહિતના મુદ્દા આવરી લેવાયા છે. કાયદા પંચની પેનલે પાસપોર્ટ એક્ટ 1967માં પણ સુધારા કરવાની ભલામણ કરી છે. તે મુજબ વૈવાહિક સ્થિતિ જાહેર કરવી પડશે, જીવનસાથીના પાસપોર્ટને એકબીજા સાથે લિંક કરવા પડશે અને બંને જીવનસાથીના પાસપોર્ટ પર લગ્ન રજિસ્ટ્રેશન નંબર લખવો પડશે.