Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકાનું દેવું પહેલી વખત 33 હજાર અબજ ડોલરને વટાવી ગયુ

જગતના જમાદાર ગણાતા અમેરિકાનું રાષ્ટ્રીય દેવું પહેલી વખત 33 હજાર અબજ ડોલર એટલે કે 33 ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું છે. અમેરિકા માટે જંગી દેવું મોટી સમસ્યા સાબિત થઈ શકે છે અને 2019 પછી ફરીથી યુએસમાં ફેડરલ શટડાઉનની શક્યતા છે. ભારતનું જીડીપી હજુ 3.75 ટ્રિલિયન ડોલરની આસપાસ છે ત્યારે અમેરિકાનું દેવું જ ભારતના જીડીપી કરતા લગભગ 10 ગણું વધારે છે. અમેરિકાની ઋણ લેવાની ક્ષમતાની હવે મર્યાદા આવી ગઈ છે. આ મર્યાદા વધારવા અને વધુ દેવું કરવા માટે યુએસ કોંગ્રેસ દ્વારા લગભગ એક ડઝન બિલ પસાર કરવા પડશે. આમ કરવામાં નહીં આવે તો તેની ફેડરલ કામગીરી ઠપ થઈ જશે.

વર્ષ 2001થી અમેરિકાનું રાષ્ટ્રીય દેવું દર વર્ષે વધતું ગયું છે કારણ કે સરકારે ટેક્સ અને અન્ય આવકની સરખામણીમાં વધારે ખર્ચ કર્યો છે. ઉચ્ચ રાષ્ટ્રીય દેવાનો અર્થ એ થયો કે સરકારે દેવા પર વ્યાજ ભરવા માટે વધુ ખર્ચ કરવો પડે છે. તેના કારણે ભવિષ્યની મંદીનો સામનો કરવાની તેની ક્ષમતા ઘટી જાય છે.

અમેરિકામાં ફેડરલ સ્પેન્ડિંગના મુદ્દે સરકારમાં વિવાદ ચાલે છે ત્યારે સરકારે ગેમ તેમ કરીને તેની દેવું કરવાની લિમિટ વધારવી પડે તેમ છે. 30 સપ્ટેમ્બર સુધીમાં સરકારે આ અંગેના તમામ કામ નિપટાવી દેવા પડશે નહીંતર શટડાઉન લાગુ થઈ જશે. બાઈડેનના વહીવટીતંત્ર દ્વારા કેટલાક ફેડરલ ખર્ચના કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યા હતા જેમાં ધારણા કરતુ વધુ ખર્ચ થાય તેવી શક્યતા છે. 2022માં ઈનફ્લેશન રિડક્શન એક્ટ પસાર કરવામાં આવ્યો હતો જેનાથી એક દાયકામાં 400 અબજ ડોલરનો ખર્ચ થાય તેવો અંદાજ હતો. પરંતુ ક્લિન એનર્જી ટેક્સ ક્રેડિટની એટલી બધી ડિમાન્ડ છે કે સરકારને આ પ્લાન 400 અબજ ડોલરના બદલે 1 ટ્રિલિયન ડોલર (એક લાખ કરોડ ડોલર)માં પડે તેવી સંભાવના છે.
કોવિડ વખતે સરકારે જે રાહતો આપી હતી તે હજુ પણ ભારે પડી રહી છે. કોવિડ દરમિયાન સરકારે કંપનીઓને એમ્પ્લોયી રિટેન્શન ક્રેડિટ આપી હતી જેમાં લગભગ 55 અબજ ડોલરનો ખર્ચ થશે તેવી ધારણા હતી, પરંતુ વાસ્તવિક ખર્ચ 230 અબજ ડોલર કરતા વધુ આવશે. આ પ્રોગ્રામમાં ફ્રોડ થવાની શક્યતા વધી હોવાના કારણે આઈઆરએસ દ્વારા તેને ફ્રીઝ કરી દેવાયો છે.
આ દરમિયાન યુએસ પ્રેસિડન્ટ બાઈડને ટેક્સ ચેન્જિસ કરીને પણ રેવન્યુ વધારવાની કોશિશ કરી હતી જેમાં તેમણે ભારે વિરોધનો સામનો કરવો પડ્યો છે. ગયા મહિને આઈઆરએસ દ્વારા એક નવો પેન્શન પ્લાન બે વર્ષ માટે મુલતવી રાખવામાં આવ્યો હતો. આ પ્લાન પ્રમાણે હાઈ ઈન્કમ ધરાવતા લોકોએ તેમના 401 (કે) રિટાયરમેન્ટ એકાઉન્ટમાં વધારે ડોલર નાખવા નહીં પડે.

આ દરમિયાન હવે નવા ટેક્સ કાયદામાંથી છીંડા શોધવા માટે પ્રયાસ ચાલે છે. અમેરિકાની ધનિક કંપનીઓ પ્રમાણમાં સાવ ઓછો ટેક્સ ચુકવે છે અને ડિડક્શનની જોગવાઈઓનો ભરપૂર ઉપયોગ કરે છે. હવે તેઓ ઓછો ટેક્સ ન ભરી શકે તે માટે એક 15 ટકા કોર્પોરેટ મિનિમમ ટેક્સનો વિચાર કરવામાં આવ્યા હતો. પરંતુ મોટા ભાગની કંપનીઓ તેમને મળતા ડિડક્શનના લાભ જતા કરવા માંગતી નથી. તેથી તેમણે પોતાના લાભો જાળવી રાખવા માટે ટ્રેડરી ડિપાર્ટમેન્ટ પર દબાણ વધાર્યું છે.

અમેરિકામાં દેવું અંકુશમાં રહે તે માટે રેવન્યુ વધારવા અને ખર્ચમાં કાપ મુકવાના પ્રયાસ ચાલે છે, પરંતુ તેનો ભારે વિરોધ પણ થાય છે. કેટલાક એક્સપર્ટ જૂથોનું કહેવું છે કે અમેરિકા ધીમે ધીમે નાણાકીય કટોકટી તરફ આગળ વધી રહ્યું છે.

Related posts

ઇન્ડોનેશિયાની જેલમાંથી એક સાથે ૧૦૦થી વધારે કેદીઓ છૂમંતર

aapnugujarat

अन्य देश खाड़ी में अपने तेल परिवहन की सुरक्षा खुद करें : ट्रंप

aapnugujarat

ट्रंप के खिलाफ महाभियोग प्रक्रिया शुरू

aapnugujarat
UA-96247877-1