કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી તેની અસર કેનેડામાં વસતા ભારતીયો અને ભારતીય સ્ટુડન્ટ્સ પર થવાની શક્યતા છે. કેનેડામાં કેટલાક સમયથી ભારત વિરોધી વાતાવરણ વધતું જાય છે તેના કારણે આજે વિદેશ મંત્રાલયે ભારતીય સ્ટુડન્ટ્સને સાવધાન રહેવા સલાહ આપી છે. વિદેશ મંત્રાલયની એડવાઈઝરીમાં જણાવાયું છે કે કેનેડામાં ભારત વિરોધી એક્ટિવિટીમાં વધારો થયો છે, રાજકારણ પ્રેરિત હેટ ક્રાઈમના કિસ્સા વધ્યા છે અને ગુનાઈત હિંસામાં પણ વધારો થયો છે. તેથી જે લોકો કેનેડા પ્રવાસ કરી રહ્યા હોય અથવા કેનેડામાં ભણવા ગયા હોય તેમણે ખાસ સાવધાની રાખવી જરૂરી છે. કેનેડામાં કેટલાક સમયથી ખાલિસ્તાન તરફી ઉગ્રવાદીઓની એક્ટિવિટી વધી ગઈ છે. તેઓ ખુલ્લેઆમ ભારત વિરોધી નિવેદનો કરે છે, હિંસા કરવા માટે લોકોને ઉશ્કેરે છે, હિંદુ ધાર્મિક સ્થળો પર હુમલા કરે છે અને ભારતીય દુતાવાસના અધિકારીઓને પણ ધમકાવે છે. આ દરમિયાન કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સોમવારે ભારત પર ગંભીર આરોપો મુકતા કહ્યું કે ખાલિસ્તાન તરફી આગેવાન હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્સીઓનો હાથ હોઈ શકે છે. આ સાથે જ કેનેડાએ ભારતીય દૂતાવાસના અધિકારીની હકાલપટ્ટી કરી હતી. બીજા જ દિવસે ભારતે પણ કેનેડિયન ડિપ્લોમેટને દેશ છોડવાનો આદેશ આપી દીધો છે.
છેલ્લા કેટલાક વર્ષોથી કેનેડાએ ઈમિગ્રેશનના નિયમો સરળ કર્યા હોવાથી આ દેશમાં ભારતીયોની સંખ્યામાં મોટો વધારો થયો છે. કેનેડાને હાયર એજ્યુકેશન માટે પણ પસંદ કરવામાં આવે છે. પરંતુ સ્થાનિક રાજકારણમાં ભારત વિરોધી તત્વો સક્રિય થયા છે. ખાસ કરીને કેટલાક ખાલિસ્તાન તરફી કટ્ટરવાદીઓએ કેનેડામાં ભારતીયોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. તેઓ ભારતીય સમુદાયને ધાકધમકી આપે છે અને તેમની સાથે વારંવાર ટક્કર કરવા માટે તૈયાર હોય છે.
કેનેડામાં તાજેતરમાં ભારતીય દૂતાવાસમાં કેટલાક લોકોએ ઘુસવાની કોશિષ કરીને તોડફોડ કરી હતી તથા ભારતીય અધિકારીઓને ધમકાવ્યા હતા. આ મામલે ભારતે અનેક વખત કેનેડાનું ધ્યાન દોર્યું હતું. છતાં કેનેડા સરકારે કોઈ સખત પગલાં લેવાના બદલે કટ્ટરવાદી ખાલિસ્તાન તરફી તત્વોને ટેકો આપ્યો છે. તેના કારણે ભારત વિરોધી પ્રવૃત્તિ કરનારાઓને ઉત્તેજન મળ્યું છે. ભારત વિરોધી લોકો કેનેડામાં ખુલ્લેઆમ પ્રદર્શન કરતા હોય અને હિંસા કરવા માટે ઉશ્કેરતા હોય ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા તેને રોકવામાં આવતા નથી. ભારતીય સમુદાયના લોકો જ્યારે આવા પ્રદર્શનોનો વિરોધ કરે ત્યારે તેમને ઘેરીને મારવાનો પ્રયાસ કરવામાં આવે છે. આગામી દિવસોમાં ભારતીય સ્ટુડન્ટ્સ સાથે પણ આવી કોઈ ઘટનાઓ ન બને તે માટે વિદેશ મંત્રાલય તરફથી એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે.