કેનેડામાં ખાલિસ્તાન તરફી ઉગ્રવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાથી ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવ આવ્યો છે ત્યાં વધુ એક પંજાબી ગેંગસ્ટરની કેનેડામાં હત્યા કરવામાં આવી છે. ઘણા વર્ષોથી કુખ્યાત ગણાતા સુખદુલ સિંહ ઉર્ફે સુખાને કેનેડામાં ઠાર મારવામાં આવ્યો છે. મહત્ત્વની વાત એ છે કે જે રીતે નિજ્જરની હત્યા કરવામાં આવી હતી તેવી જ રીતે સુખા પણ માર્યો ગયો છે. સુખા સામે બે ડઝનથી વધારે ગંભીર ગુનાના કેસ હતા અને પંજાબ તથા આસપાસના રાજ્યોમાં તેણે હત્યાઓ કરાવી હતી.
સુખાને પકડવા માટે ભારત ઘણા સમયથી પ્રયાસ કરતું હતું અને તે NIAના મોસ્ટ વોન્ટેડ અપરાધીઓની લિસ્ટમાં સામેલ હતો. ભારતીય પોલીસ તેના સુધી પહોંચે તે અગાઉ અજાણ્યા લોકોએ સુખાને ખતમ કરી નાખ્યો છે.
આ વર્ષે 19 જૂને હરદીપ સિંહ નિજ્જરને વેનકુંવરમાં એક ગુરુદ્વારાની બહાર ઠાર મારવામાં આવ્યો હતો. બે હુમલાખોરોએ નિજ્જરના શરીરમાં 15 ગોળીઓ ઠુંસી દીધી હતી. આવી જ રીતે સુખાની પણ હત્યા કરવામાં આવી છે.
સુખાનું આખું નામ સુખા ડુનેક હતું અને પંજાબથી કેનેડા ગયેલા ગેંગસ્ટરોમાં તે પણ સામેલ હતો. પંજાબથી લગભગ 30 ગેંગસ્ટર કેનેડા ગયા છે અને તેમના નામે ભારતમાં તથા કેનેડામાં ગંભીર ગુના નોંધાયેલા છે. ભારતમાં પોલીસ તેમની પાછળ પડી ગઈ હતી જ્યારે કેનેડામાં સરકાર તેમના પ્રત્યે કૂણું વલણ અપનાવે છે. સુખા બનાવટી પાસપોર્ટની મદદથી અથવા નેપાળના રસ્તે કેનેડા ગયો હોવાની શક્યતા છે. સુખા જેવા બીજા બે ડઝન જેટલા ગેંગસ્ટરોને કેનેડામાં શરણ મળી છે, પરંતુ ગેંગવોરમાં કેટલાક ગુંડા માર્યા ગયા છે.
સુખા પણ ખાલિસ્તાન તરફી મુવમેન્ટનો ટેકેદાર હતો પરંતુ તેનું વાસ્તવિક કામ લોકોને ધમકાવીને તેમની પાસેથી ખંડણી વસુલવાનું હતું. તેણે પંજાબ અને આસપાસના રાજ્યોમાં ઘણા ગુના આચર્યા હતા અને પંજાબના મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલોની લિસ્ટમાં સામેલ હતો.
14 માર્ચ 2022ના રોજ સુખાએ કબડ્ડી ખેલાડી સંદીપ સિંહ નાંગલની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. સુખાની સામે પંજાબ અને આસપાસના વિસ્તારોમાં 20થી વધારે હત્યા અને બીજા ગંભીર ગુના નોંધાયેલા છે.
કેનેડાએ તાજેતરમાં હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્સીઓ સામે આરોપ મુક્યો છે જેને ભારતે નકારી કાઢ્યો છે. કેનેડામાં ઘણા ખાલિસ્તાનવાદી ગેંગસ્ટરો સક્રિય છે જેમાં અર્શદીપ સિંહ, ચરણજીત સિંહ, ગુરપિંદર સિંહ, લખબિર સિંહ, રામદીપ સિંહ, સતવીર સિંગ, સ્નોવર ધિલ્લોનના નામ સામેલ છે. આ લિસ્ટમાં સુખાનું નામ પણ હતું પરંતુ તેની ગઈકાલે રાત્રે હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.