હાયર એજ્યુકેશન માટે વિદેશ જવું એ ભારતીયો માટે હવે સામાન્ય બાબત બની ગયું છે. વિદેશની કોલેજો અને યુનિવર્સિટીઓમાં ઉચ્ચ અભ્યાસ માટે દર વર્ષે લાખોની સંખ્યામાં સ્ટુડન્ટ વિદેશ જઈ રહ્યા છે. તેમાં અમેરિકા, કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો ફેવરિટ ગણાય છે. અમેરિકા આ બાબતમાં નંબર વન છે, પરંતુ અહીં એજ્યુકેશનનો ખર્ચ હવે મોટા પ્રમાણમાં વધવાનો છે. અમેરિકામાં સૌથી મોટી પબ્લિક યુનિવર્સિટી સિસ્ટમ કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીએ દર વર્ષે ટ્યુશન ફીમાં 6 ટકાનો વધારો કરવા નિર્ણય લીધો છે. આ રીતનો વધારો આગામી પાંચ વર્ષ સુધી ચાલતો રહેશે. યુનિવર્સિટીના બજેટમાં 1.50 અબજ ડોલરની ઘટ પડી હોવાથી ફી વધારવાનો નિર્ણય લેવાયો છે.
અમેરિકન એજ્યુકેશન વિભાગના અધિકારીઓ કહે છે કે હવે એવી સ્થિતિ આવી ગઈ છે કે ટ્યુશન ફી વધારવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. એક સ્ટુડન્ટે કહ્યું કે તેના ભણતરને અસર થવાની શક્યતા છે કારણ કે તે ત્રણ પાર્ટ ટાઈમ જોબ કરીને માંડ માંડ પોતાની ટ્યુશન ફી ભરી શકે છે. આ ઉપરાંત તેને હાઉસિંગ અને બીજા ખર્ચ પણ આવે છે.
સ્ટુડન્ટનો જીપીએ સ્કોર સારો આવે તો તેને નાણાકીય મદદ મળી શકે. પરંતુ ઘણા સ્ટુડન્ટ એવા છે જેમણે ભણવા માટે ફી ભરવા બેથી ત્રણ પાર્ટ ટાઈમ નોકરી કરવી પડે છે. તેના કારણે તેઓ અભ્યાસમાં નબળા રહી જાય છે અને જીપીએ સ્કોર પણ નીચો આવે છે. પરિણામે તેમને નાણાકીય સહાય મળી શકતી નથી. એન્જેલી ટેલર નામની સ્ટુડન્ટે કહ્યું કે તે હવે ચોથી જોબ લેશે તો તે ભણવા માટે સમય નહીં આપી શકે.
ઘણા સ્ટુડન્ટની ફરિયાદ છે કે વિદ્યાર્થીઓ નાણાકીય સંકટમાં છે અને બોર્ડ ઓફ ટ્રસ્ટી તેમની વાત સમજવા માટે તૈયાર નથી. અધિકારીઓનું કહેવું છે કે તેમણે છેલ્લે 2017માં ફીમાં 5 ટકા અથવા 270 ડોલરનો વાર્ષિક વધારો કર્યો હતો. ત્યાર પછી ચીજવસ્તુઓના ભાવ 39 ટકા સુધી વધી ગયા છે. યુનિવર્સિટીને 60 ટકા જેટલું ફંડિંગ સરકાર તરફથી મળે છે જ્યારે બાકીની આવક ટ્યુશન ફીમાંથી ઉભી કરવામાં આવે છે.
જે લોકો પહેલેથી ઓછી આવક ધરાવે છે અને સરકારની નાણાકીય સહાય યોજનામાં કવર થાય છે તેમને વાંધો નહીં આવે. પરંતુ 40 ટકા સ્ટુડન્ટ માટે ફી વધી જશે કારણ કે તેઓ કોઈ સરકારી સહાય યોજના હેઠળ આવતા નથી.