ભારત અને કેનેડાના સંબંધોમાં સર્જાયેલી તંગદીલી હવે વધુ ઘેરી બની છે. કેનેડાની સરકારે જૂન ૨૦૨૩માં બ્રિટિશ કોલંબિયામાં માર્યા ગયેલા ખાલિસ્તાની નેતા હરદીપસિંહ નિજારના મોત પાછળ ભારતની કથિત સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરી છે. કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોએ દેશની સંસદમાં આપેલા એક ઈમરજન્સી સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે કેનેડિયન નાગરિકની હત્યામાં કોઈપણ વિદેશી સરકારની સામેલગીરી કેનેડાના સાર્વભૌમત્વનો ભંગ કરનારી છે. કેનેડિયન સરકારના વિદેશમંત્રી મેલેની જોલીએ પણ એવું નિવેદન આપ્યું છે કે હરદીપસિંહ નિજારની હત્યામાં વિદેશી સરકારના એજન્ટ્સની કથિત સંડોવણી અંગે હાલ તપાસ ચાલી રહી છે.
જોલીએ કેનેડાની સરકારે ભારતના ટોચના રાજદ્વારીને કેનેડા છોડવાનો આદેશ અપાયો હોવાની પણ જાહેરાત કરી હતી. ભારતનું નામ લીધા વિના જ તેમણે કહ્યું હતું કે કેનેડાના નાગરિકની કેનેડાની ધરતી પર કરાયેલી હત્યામાં વિદેશી સરકારના પ્રતિનિધિની કથિત સંડોવણી કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. જો આ આરોપ સાચા સાબિત થાય તો તે કેનેડાના સાર્વભૌમત્વના ભંગ સમાન હશે. કેનેડા કોઈપણ વિદેશી સરકારની દરમિયાનગીરી નહીં ચલાવી લે, આ મામલામાં સત્ય સુધી પહોંચવાના તમામ પ્રયાસ કરવામાં આવશે તેમજ કેનેડાની સરકાર પોતાના નાગરિકોનું અને દેશના સાર્વભૌમત્વનું રક્ષણ કરવા કટિબદ્ધ છે.
કેનેડામાં ચાલી રહેલી ખાલિસ્તાની ગતિવિધિ સામે ભારત પહેલા પણ નારાજગી વ્યક્ત કરી ચૂક્યું છે. G20 સંમેલન દરમિયાન પણ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હોવાના અહેવાલો આવ્યા હતા. જોકે, ટ્રુડોએ હવે જે નિવેદન આપ્યું છે તેનાથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ તંગ બની શકે છે. હરદીપસિંહ નિજરની હત્યામાં કેનેડાના પીએમે ભારતની સંડોવણી હોવાનો સીધો આરોપ નથી મૂક્યો, તેમજ તેમના વિદેશ મંત્રીએ પણ ભારતનું નામ લેવાનું ટાળ્યું છે. જોકે, કેનેડાએ ભારતના ટોચના ઈન્ટેલિજન્સ એજન્ટને દેશ છોડવા માટે આદેશ આપ્યો છે, પરંતુ તેની કોઈ વિગતો જાહેર કરવામાં નથી આવી. એટલું જ નહીં, ઓટાવા સ્થિત ભારતીય હાઈકમિશને પણ આ બાબતે કોઈ નિવેદન જાહેર નથી કર્યું.
શિખોની સૌથી વધુ વસ્તી પંજાબ બાદ કેનેડામાં છે, જ્યાં છેલ્લા ઘણા સમયથી ખાલિસ્તાનના સમર્થનમાં દેખાવો ચાલી રહ્યા છે. કેનેડાની ૨૦૨૧ની વસ્તી ગણતરી અનુસાર, દેશમાં શિખોની જનસંખ્યા ૭.૭૦ લાખ જેટલી નોંધાઈ હતી. ઉલ્લેખનીય છે કે, કેનેડાની ૪ કરોડની વસ્તીમાં ભારતીયોની સંખ્યા ૧૪ લાખ જેટલી થાય છે. કેનેડાની માફક જ યુકેમાં પણ તાજેતરમાં ખાલિસ્તાનના સમર્થનમાં દેખાવો થયા હતા, જેના પર પણ ભારતે સખ્ત વાંધો વ્યક્ત કર્યો હતો.