Aapnu Gujarat
રાષ્ટ્રીય

8 વર્ષમાં 2.46 લાખ લોકોએ પાસપોર્ટ સરન્ડર કરી દીધા

ભારત છોડીને વિદેશમાં કાયમ માટે જઈ રહેલા લોકોની સંખ્યા વધી રહી છે. મોટી સંખ્યામાં લોકો ભારતીય પાસપોર્ટ છોડીને વિદેશનું નાગરિકત્વ લઈ રહ્યા છે. સરકારે આપેલા આંકડા પ્રમાણે છેલ્લા 8 વર્ષમાં 2.46 લાખ ભારતીયોએ ભારતીય પાસપોર્ટ સરન્ડર કરી દીધો છે. એટલે કે દર વર્ષે લગભગ 30,000થી વધારે લોકો ભારતીય સિટિઝનશિપનો ત્યાગ કરે છે. ભારતીય પાસપોર્ટ સરન્ડર કરીને લોકો અમેરિકા, કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયાના નાગરિકો બનતા હોય છે તેવું પણ જાણવા મળ્યું છે.

રાજ્યસભામાં અપાયેલી માહિતી પ્રમાણે 2014થી 2022 સુધીમાં જે લોકોએ પાસપોર્ટ જમા કરાવી દીધા તેમાં એકલા દિલ્હીમાં 60,414 લોકો રજિસ્ટર થયા હતા. પંજાબમાંથી 28,117 લોકોએ ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરી દીધો છે. આ ઉપરાંત ગુજરાતના 22,300 લોકો, ગોવાના 18,610 લોકો અને કેરળના 16,247 નાગરિકોએ ભારતીય પાસપોર્ટનો ત્યાગ કર્યો છે.

રાજ્યકક્ષાના વિદેશ મંત્રી વી. મુરલીધરને એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે 2014થી 2022 દરમિયાન આઠ વર્ષના ગાળામાં કુલ 2,46,580 લોકોએ પોતાના પાસપોર્ટ સરન્ડર કરી દીધા છે. 2019થી 2022 સુધીના સમયગાળામાં લગભગ 24,700થી વધારે ભારતીયોએ પોતાના પાસપોર્ટ સરન્ડર કરાવી દીધા હતા અને જુદા જુદા 35 દેશોનું નાગરિકત્વ સ્વીકારી લીધું હતું.
કયા રાજ્યોમાં સૌથી વધુ પાસપોર્ટ સરન્ડર થાય છે?
ઉપર જણાવ્યું તે પ્રમાણે દિલ્હી, પંજાબ, ગુજરાત, ગોવા અને કેરળ આ લિસ્ટમાં સૌથી આગળ છે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાં મહારાષ્ટ્ર (17,171), તમિલનાડુ (14,046), કર્ણાટક (10,245), આંધ્રપ્રદેશ (9,235), તેલંગણા (7,256), દમણ અને દીવ (4,722) તથા રાજસ્થાન (3,940)નો પણ સમાવેશ થાય છે. વિદેશમાં પાસપોર્ટ સરન્ડર કરી દેવાયા હોય તેવા કિસ્સા પણ વધ્યા છે. 2019માં આવા 71 કેસ અને 2020માં 522 કેસ બન્યા હતા જેમાં ભારતીયોએ વિદેશમાં પોતાના પાસપોર્ટ સરન્ડર કર્યા હતા. આ સંખ્યા 2021માં વધીને 6,580 અને ત્યાર પછી 2022માં 17,557 થઈ હતી.

ભારતીયો કયા દેશના નાગરિક બને છે?
ભારતીય પાસપોર્ટ સરન્ડર કરીને મોટા ભાગના લોકો અમેરિકા, (13,044), કેનેડા (7,472), યુકે (1,711) અને ઓસ્ટ્રેલિયા (1,686)ના નાગરિકો બનતા હોય છે. આ ઉપરાંત યુરોપના બીજા દેશોના નાગરિકો બનતા ભારતીયોની સંખ્યા પણ વધી છે. તેમાં ઓસ્ટ્ર્રીયા, ડેન્માર્ક, ફ્રાન્સ, જર્મની, આયર્લેન્ડ, નેધરલેન્ડ, ન્યૂઝિલેન્ડ, સ્પેન અને સ્વીડનનું નાગરિકત્વ સ્વીકારતા ભારતીયો મોટી સંખ્યામાં છે. લેટેસ્ટ આંકડા પ્રમાણે 2011થી 2022 વચ્ચે કુલ 16.60 લાખ લોકોએ ભારતીય સિટિઝનશિપનો ત્યાગ કર્યો છે.

Related posts

મહિલાઓ લગ્નેત્તર સંબંધો રાખે તો ગુનો ન ગણાય : સુપ્રીમ

aapnugujarat

હનીપ્રીત અને સુખદીપ કૌરની જ્યુડિશિયલ કસ્ટડી વધી ગઈ

aapnugujarat

एनडीए विधायक दल की बैठक 15 नवंबर को होगी, लिए जाएंगे अहम फैसले : सीएम नीतीश

editor
UA-96247877-1