Aapnu Gujarat
ગુજરાત

આગામી 15 દિવસમાં ટામેટાના ભાવ ઘટવા લાગશે

આશરે એક મહિના કરતાં વધારે સમયથી ટામેટા 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે, પરંતુ તેમા હવે ઘટાડો જોવા મળી શકે છે. એગ્રીકલ્ચર પ્રોડ્યૂસ માર્કેટ કમિટીના (એપીએમસી) સભ્યોનું અનુમાન છે કે, આગામી બે અઠવાડિયામાં ટામેટાના ભાવમાં ઘટાડો શરૂ થશે. ભારે વરસાદ, ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા અને અન્ય રાજ્યોમાં ઓછા વાવેતરના કારણે ટામેટાના ભાવમાં વધારો થયો હતો. વેપારીઓનું કહેવું છે કે, મહારાષ્ટ્રમાંથી ટામેટાના પાકનું આગમન ટૂંક સમયમાં ભાવમાં ઘટાડો કરશે. અમદાવાદના એપીએમસીમાં ટામેટાના સૌથી મોટા વેપારીઓમાંથી એક આસિફ દરબારે જણાવ્યું હતું કે, ‘વર્ષ દરમિયાન ટામેટાની ખેતી કરતા રાજ્ય કર્ણાટકમાં વધુ વરસાદના કારણે પાક ઓછો થયો છે. વધુમાં, ભારે વરસાદના લીધે મહારાષ્ટ્ર અને કર્ણાટકના કેટલાક ભાગમાં પાકના મોડા આગમનથી પુરવઠા અને માગમાં અસંતુલન સર્જાયું હતું, જેના કારણે ભાવ આસમાને પહોંચી ગયા હતા’.

‘જો કે, મહારાષ્ટ્રના નાસિક, સોલાર અને પીપળગાંવમાંથી પાકના આગમનથી ગુજરાતને પૂરતો પુરવઠો મળી રહેતા રાહત થશે તેવી અપેક્ષા છે. પરિણામે, હોલસેલ માર્કેટમાં ટામેટાનો હોલસેલ ભાવ ઘટીને 100 રૂપિયા પ્રતિ કિલો થવાની ધારણા છે’, તેમ વેપારીએ ઉમેર્યું હતું. એપીએમસીના અંદાજ પ્રમાણે, એપ્રિલમાં ટામેટાનો હોલસેલ ભાવ 4થી 14 રૂપિયા પ્રતિ કિલો હતો, જે મે મહિનામાં વધીને 5થી 18 રૂપિયા પ્રતિ કિલો થયો હતો. જૂનમાં હોલસેલનો ભાવ પ્રતિ કિલો દીઠ 50 રૂપિયાને વટાવી ગયો હતો અને જુલાઈમાં તો 150 રૂપિયાએ પહોંચી ગયો હતો. છેલ્લા કેટલાક દિવસોમાં હોલસેલ ભાવ ધીમે–ધીમે 150 રૂપિયાના પીક પરથી ઘટીને 135 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગયો છે.

આ વર્ષે ઘણા પડકારો રહ્યા છે, કારણ કે ભારે વરસાદના કારણે સ્થાનિક વાવણીને અસર થઈ છે જેના લીધે કેટલાક ક્ષેત્રોમાં વાવેતરમાં ઘટાડો થયો છે. સાણંદ, કડી, કલોલ, હિંમતનગર, ખેડા અને તારાપુરના આસપાસના ખેતરોમાં ટામેટાની ખેતી થાય છે. જો કે, પાક ઓક્ટોબર અને નવેમ્બરમાં જ આવવાનું શરૂ થાય છે. અમદાવાદ એપીએમસીમાં સ્થાનિક ખેડૂતો પાસેથી આશરે 10 ટન ટામેટા સાથે 5-7 ટ્રકો દરરોજ આવે છે. કડી પાસે આવેલા અગોળ ગામના ખેડૂત ઈકબાલ રાઠોડે કહ્યું હતું કે ‘આ વર્ષે મેં માત્ર ચાર જ વીઘામાં ટામેટા વાવ્યા છે. મજૂરી અને ખાતરનો ખર્ચ વધુ છે. આ સિવાય મજૂરની ઉપલબ્ધતા પણ એક મુદ્દો છે. તેનાથી મારી ખેતીનો ખર્ચ પ્રતિ વિઘા 30 હજાર રૂપિયા થઈ જાય છે’.

આ શહેરમાં ટામેટાનો ભાવ 300 રૂપિયા પ્રતિ કિલો
જ્યાં એક તરફ ગુજરાતમાં આગામી સમયમાં ટામેટાના ભાવમાં ઘટાડો થવાના અણસાર છે, ત્યારે દેશના કેટલાક ભાગમાં ટામેટાના ભાવે ભુક્કા બોલાવી નાખ્યા છે. ઉત્તરાખંડના દેહરાદૂનમાં ટામેટા 300 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહ્યા છે. ગત અઠવાડિયે હોલસેલના વેપારીઓ ટામેટા 120થી 140 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચતા હતા પરંતુ ગુણવત્તાના આધારે છૂટક વેપારીઓએ 240થી 300 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાનું વેચાણ કર્યું હતું. આ કારણથી સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો હતો.

Related posts

૧૧-૦૮-૨૦૧૭ના રોજ રાજ્ય સરકારની ટેબલેટ યોજના અંતર્ગત અમદાવાદ ખાતે યોજાશે રાજ્યસ્તરનો સમારોહ

aapnugujarat

સામાજીક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ એટલે સમરસ છાત્રાલય : ઇશ્વર પરમાર

aapnugujarat

લીંબડીમાં વરસાદ વરસતા તંત્રની પોલ ખોલી

editor
UA-96247877-1