Aapnu Gujarat
બ્લોગ

લોકસભા ચૂંટણીનું સ્પષ્ટ થતું પરિદૃશ્ય

કેટલાય અંતર્વિરોધો છતાં વિપક્ષોએ ભેગા થઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત સત્તામાં આવતા રોકવા માટે લડવાનું નક્કી કરી લીધું છે. ૨૬ પાર્ટીઓના વિપક્ષી ગઠબંધને પોતાનું નામ પણ કંઇક એ રીતે પસંદ કર્યું છે કે નરેન્દ્ર મોદીની લડાઈ ‘ઇન્ડિયા’ સામે થઈ રહી છે, એવો સંદેશ જાય. રાજનીતિમાં પ્રતીકોનું બહુ મહત્ત્વ હોય છે. આ દૃષ્ટિએ વિપક્ષી પાર્ટીઓના ગઠબંધનના નામકરણનું સંક્ષિપ્ત અંગ્રેજી ઇન્ડિયા (ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇનક્લુઝિવ એલાયન્સ) બની જાય છે. હવે તેને પ્રતીકોની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ કહી શકાય. આગળનો પ્રશ્ન પ્રતીક કરતાં ય મહત્ત્વનો છે. એ પ્રશ્ન એ છે કે પ્રતીક સાથે કયા નેતા કે ચહેરો દેખાય છે. ઇન્ડિયા નામ આપી દેવાથી ખરેખર આ ૨૬ રાજકીય પક્ષો ભારત દેશના પર્યાયવાચી, સમાનાર્થી બની જશે? એક પ્રશ્ન એ પણ છે કે શું હવે નરેન્દ્ર મોદીનું કહેવું કે ‘એક એકલો બધા પર ભારે’ ફિટ નથી બેસતું? આ બંને પ્રશ્નોના જવાબ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીના પરિણામની દિશા બતાવી દેશે.
પટનાની પહેલી બેઠકમાં નીતિશ કુમારની આગેવાનીમાં ૧૨ જૂને થનારી બેઠક ટળી ગઈ હતી. કારણ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી હાજર ન હતા. જેવા જ સમાચાર આવ્યા કે મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી નહીં આવે. કોંગ્રેસના જૂના ગઠબંધન યુપીએના તમામ સાથીઓએ એક-એક કરીને ૧૨ જૂનની પટના બેઠકથી અંતર રાખી લીધું. ત્યારે નીતિશ કુમારનું ખીજાવું સ્વાભાવિક હતું. ગઠબંધનનો પાયો રચાતાં પહેલાં જ કોંગ્રેસે પોતાની શરતો ધીમે ધીમે લાદવી શરૂ કરી દીધી. વિપક્ષની સૌથી મોટી પાર્ટી હોવાને કારણે કોંગ્રેસને કિનારે રાખવી બીજા વિપક્ષી દળો માટે એટલું આસાન ન હતું. એનો જ લાભ ઉઠાવીને કોંગ્રેસ પાર્ટીએ અપ્રત્યક્ષ દબાણ વિપક્ષી ગઠબંધનના બીજા સાથીઓ પર બનાવવું શરૂ કરી દીધું છે. કર્ણાટક ચૂંટણીમાં જીત પણ કોંગ્રેસની એકલાની જ છે. જનતા દળ સેક્‌ુયલરને કોંગ્રેસ દૂર જ રાખ્યું છે. કોંગ્રેસને એ પણ ખબર છે કે આ જ કારણે મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલ જેવા ઘોર કોંગ્રેસ વિરોધી પણ મન મારીને રાહુલ ગાંધી પાછળ ઊભા થવા તૈયાર થઈ રહ્યા છે. આ જ મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલ હંમેશા રાહુલ ગાંધીને કોંગ્રેસની તમામ કમજોરીઓનું કારણ ગણાવતા હતા. કોંગ્રેસ પાર્ટીને અસહજ રાખવા માટે આમ આદમી પાર્ટીએ પટના બેઠક પહેલાં અને બાદમાં દિલ્હીમાં સંબંધિત અધ્યાદેશના સમર્થન બાદ જ વિપક્ષી ગઠબંધનમાં સામેલ થવાની જિદ પકડી હતી. મમતા બેનર્જીએ બંગાળ પંચાયત ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધનની ચર્ચા વચ્ચે પણ કોંગ્રેસને કોઈ રાહત ન આપી, પરંતુ કોંગ્રેસ અહીં સ્પષ્ટ છે. કોંગ્રેસ ઇચ્છે છે કે કોઈક રીતે કોંગ્રેસને ધરી બનાવીને એક રાષ્ટ્રીય ગઠબંધન બની જાય. ત્યારબાદ આ ગઠબંધનમાંથી થોડા લોકો છોડીને ચાલ્યા જાય તો પણ વિશેષ અંતર નથી પડવાનું.
રાહુલ ગાંધી વડાપ્રધાન પદની દાવેદારી નથી કરી રહ્યા, પરંતુ કોંગ્રેસ તરફથી રાહુલની છબિ મજબૂત કરવામાં આ જ વિપક્ષી ગઠબંધન કામ આવી રહ્યું છે, જેની પાછળ લાઇનમાં અરવિંદ કેજરીવાલ, મમતા બેનર્જી, અખિલેશ યાદવ અને બીજા નેતા ઊભા છે. કુલ મળીને કોંગ્રેસ વિના કહ્યે જ વિપક્ષી ગઠબંધનના પ્રતીક નામ ‘ઇન્ડિયા’ના ચહેરા તરીકે રાહુલ ગાંધી જ દેખાઈ રહ્યા છે. એ જ રાહુલ ગાંધી જેઓ વિદેશમાં જઈને કહે છે કે ભારતમાં લોકતંત્ર ખતરામાં છે અને અમેરિકા-યુરોપીય સંઘના દેશો અજાણ છે. હવે સમાચાર એ પણ આવી રહ્યા છે કે વિપક્ષી ગઠબંધનના નામનું સંક્ષિપ્ત ‘ઇન્ડિયા’ બને, તેનું સૂચન રાહુલ ગાંધી તરફથી જ આવ્યું. પહેલાં આમ આદમી પાર્ટી તરફથી એમ જ કહેવાયું કે અરવિંદ કેજરીવાલનાં સૂચન બધાએ માન્યાં. પછી વાત આવી કે મમતા બેનર્જીનું સૂચન હતું, હવે કોંગ્રેસ તરફથી કહેવાઈ રહ્યું છે કે આ સૂચન રાહુલ ગાંધીનું જ હતું, પરંતુ અમે શ્રેય લેવાની હોડ નથી કરતા. પહેલા પ્રશ્નનો જવાબ સ્પષ્ટ થઈ ગયો કે જે રાહુલ ગાંધીના નામ સાથે મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ અને અખિલેશ યાદવ જોડાવા તૈયાર ન હતા, જે રાહુલ ગાંધીને પોતાનાથી મોટા નેતા માનવા આ ત્રણે ય તૈયાર ન હતા, તેઓ હવે મજબૂરીમાં પણ રાહુલ ગાંધીને પોતાના નેતા માનવા પડ્યા છે. વિપક્ષી ગઠબંધનની બેઠક બાદ કેજરીવાલ, મમતા બેનર્જી અને ઉદ્ઘવ ઠાકરે ઉપરાંત રાહુલ ગાંધીનાં ભાષણ આ જ દર્શાવી રહ્યાં છે. રાહુલ ગાંધી પહેલાં પણ આઇડિયા ઓફ ઇન્ડિયાની વાત કરી રહ્યા છે. રાહુલ ગાંધી એને ફરી એક વાર દોહરાવી રહ્યા છે કે આ લડાઈ ભાજપ અને આપણી વચ્ચે નથી. આ લડાઈ બે વિચારો વચ્ચે છે. તો સ્પષ્ટ થઈ ગયું કે એક વિચારના નેતાના ચહેરા તરીકે રાહુલ ગાંધી જ છે. હવે આ ચહેરો કેટલું કામ કરશે, ચૂંટણીમાં એ નક્કી થશે. રાહુલ ગાંધીનો આઇડિયા ઓફ ઇન્ડિયા વિભાજન, વિદ્વેષની જ વાત કરતાં શરૂ થાય છે. ચાહે દેશમાં ઉત્તર-દક્ષિણના ભેદની વાત હોય, કર્ણાટકમાં અમૂલના વિરોધની વાત હોય કે વિદેશી ધરતી પર ભારતમાં લોકતંત્રના કમજોર થવાની વાત કહીને અમેરિકા અને યુરોપીય સંઘના દેશોને ખબરદાર કરવાના હોય.
હવે બીજા પ્રશ્નનો જવાબ જાણવાનો પ્રયાસ કરીએ. બીજો પ્રશ્ન એ છે કે શું હવે નરેન્દ્ર મોદીનું કહેવું કે ‘એક એકલો બધા પર ભારે’ સચોટ નથી બેસી રહ્યું કોંગ્રેસ પાર્ટી તર્ક આપી રહી છે કે ભાજપે પણ ૩૯ પક્ષો મળીને એનડીએ બનાવવું પડી રહ્યું છે. હવે ‘એક એકલો બધા પર ભારે’ ક્યાં રહ્યું? જોકે કોંગ્રેસની ઇન્ટરનેટ મીડિયા પ્રમુખ સુપ્રિયા શ્રીનેતના એક ટ્‌વીટે આ પ્રશ્નને બખૂબી જવાબ આપી દીધો છે. સુપ્રિયાએ બંને બેઠકોના ચિત્ર એક સાથે શેર કર્યા છે. વિપક્ષી ગઠબંધનની બેઠકમાં દેખાઈ રહ્યું છે કે યુનાઇટેડ વી સ્ટેન્ડના નારા તળે એક ગોળાકારમાં તમામ વિપક્ષી નેતાઓના ચિત્રો પાછળના બેનર પર છે. જ્યારે એનડીએની બેઠક પાછળ લાગેલ બેનરમાં માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીનું જ મોટું ચિત્ર છે. તેને બતાવીને સુપ્રિયાએ લખ્યું છે કે આ જ અંતર છે ‘ઇન્ડિયા’ અને એનડીએમાં. એનાથી તેમણે એ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે કે આ તરફ માત્ર મોદી જ મોદી છે, પરંતુ તેનાથી એ પ્રમાણિત પણ થઈ ગયું કે નરેન્દ્ર મોદીએ સદનમાં જે કહ્યું હતું તે હજુ પણ કમજોર નથી પડ્યું. બલ્કે જે રીતે તમામ રાજકીય પક્ષો નરેન્દ્ર મોદીને જાહેરમાં મોટા માનીને એનડીએનો હિસ્સો બની રહ્યા છે, તેનાથી ‘એક એકલો બધા પર ભારે’ સારી રીતે પ્રમાણિત થાય છે.

 

Related posts

MORNING TWEET

aapnugujarat

કોલેજની સ્પર્ધા : રમતના મેદાનમાં સંજયે હારીને પણ હિનાનું દિલ જીતી લીધુ

aapnugujarat

કોર્ટમાં ૨.૮ કરોડ કેસો પેન્ડિંગ

aapnugujarat
UA-96247877-1