Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં માત્ર એક અઠવાડિયામાં સીઝનનો 19 ટકા વરસાદ પડી ગયો

15મી જૂને ગુજરાતના દરિયાકિનારે બિપોરજોય વાવાઝોડું (Cyclone Biparjoy) ત્રાટક્યું હતું અને આ સાથે રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ છે. 11થી 18 જૂન તેમ માત્ર એક અઠવાડિયામાં ગુજરાતમાં સીઝનનો 19 ટકા જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં 39 ટકા વરસાદ નોંધાયો હતો. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) ગુજરાતના હેડ મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, ‘અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડું બિપોરજોય લેન્ડફોલ પહેલા, તે દરિયમાન અને બાદમાં ખાસ કરીને કચ્છ, દેવભૂમિ દ્વારકા, પાટણ અને જામનગર જેવા ક્ષેત્રોમાં વરસાદ લઈને આવ્યું હતું. સોમવાર સુધીમાં રાજ્યમાં 18.7 ટકા વરસાદ થયો છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ ક્ષેત્રમાં 38.8 ટકા મોસમી વરસાદ થયો છે. લેન્ડફોલ બાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ યથાવત્ છે’.

મનોરમા મોહંતીએ ઉમેર્યું હતું કે, ‘ગુજરાત તરફ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધવાની રાહ જોવાઈ રહી છે. સોમવારે દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ દક્ષિણ ભારતના કેટલાક વધુ ભાગોને આવરી લીધા હતા. તેની ઉત્તરીય સીમા દક્ષિણ મહારાષ્ટ્ર સુધી પહોંચી ગઈ છે’. આ ક્ષેત્રો માટે રોલ રિવર્સલ છે. આઈએમડીના ડેટા દર્શાવે છે કે, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની અછત છે, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના ભાગોમાં અતિશય વરસાદ થયો છે. સામાન્ય રીતે, ચોમાસુ દક્ષિણ ગુજરાતથી પ્રવેશે અને બાદમાં ધીમે-ધીમે આખા રાજ્યને આવરે છે. દક્ષિણ ગુજરાતમાં પણ પરંપરાગત રીતે સૌથી વધુ વરસાદ પડે છે.

રાજ્યના જળ સંસાધન વિભાગના જણાવ્યા અનુસાર, વ્યાપક વરસાદના કારણે કચ્છના ડેમ અને જળાશયોમાં પાણીનું સ્તર 20 ટકા વધ્યું છે. અત્યારસુધીમાં ચાર ડેમ ઓવરફ્લો થયા છે જ્યારે છે ડેમ તેની ક્ષમતાના 80 ટકા કરતા વધુ ભરાઈ ગયા છે, તેમ વિભાગના અધિકારીઓએ ઉમેર્યું હતું.
નિષ્ણાતોએ સૂચવ્યૂ હતું કે, ચક્રવાતના વર્ષોમાં સામાન્ય રીતે જુલાઈની શરૂઆતમાં ઓછો વરસાદ થતો હોય છે અને જુલાઈના અંત અથવા ઓગસ્ટની શરૂઆતમાં ચોમાસુ પીક પર પહોંચે છે. ઓગસ્ટ સામાન્ય રીતે સૌથી વધારે વરસાદ સાથે ચોમાસાનો મહિનો રહ્યો છે. 2020 અને 2021 તેમ બંને વર્ષમાં ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકેલા વાવાઝોડાના કારણે ચોમાસાની સારી શરૂઆત બાદ જુલાઈમાં વરસાદ સામાન્યથી ઓછો રહ્યો હતો, તેમ આંકડા દર્શાવે છે.

ચક્રવાત બિપોરજોયના કારણે ગુજરાતના કેટલાક જિલ્લામાં તીવ્ર પવન સાથે અતિભારે વરસાદ પડ્યો હતો, જેનાથી વ્યાપક નુકસાન થયું હતું. ચક્રવાતનું લેન્ડફોલ જખૌ નજીક થયું હોવાથી કચ્છ સૌથી વધારે પ્રભાવિત થયું હતું. હજી પણ ઘણા બધા ગામડા ચક્રવાતની અસર હેઠળ ઝઝૂમી રહ્યા છે. રાજ્ય સરકાર અને એનજીઓ દ્વારા કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રાહત કાર્ય ચાલી રહ્યું છે, જ્યાં ઘણા લોકોએ પોતાના ઘર અને આજીવિકા ગુમાવી છે.
હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 28 ડિગ્રીની આસપાસ રહેશે. આ સિવાય ગુજરાત પર વરસાદની કોઈ સિસ્ટમ બની રહી નથી. અત્યારસુધીમાં જે પણ વરસાદ પડ્યો તે બિપોરજોયના કારણે પડ્યો છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી કેટલાક ક્ષેત્રોમાં હળવો વરસાદ પડી શકે છે. જો કે, ધોધમારની કોઈ શક્યતા નથી. આ સાથે કેટલીક જગ્યાએ ભેજ અને બફારાનું પ્રમાણ વધશે તેમ પણ તેમણે કહ્યું હતું.

Related posts

દિવાળી : મંદિરો-ગુરૂદ્વારામાં સાફ-સફાઇ પ્રક્રિયા શરૂ

aapnugujarat

પાટીદાર ફેકટર : ભાજપે ૬, કોંગીએ ૮ પાટીદારો ઉતાર્યા

aapnugujarat

घाटलोडिया में पानी की टंकी धराशायी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1