Aapnu Gujarat
બિઝનેસ

અદાણી કેસમાં સેબીની તપાસ પૂરી નથી થઈઃ તપાસ માટે SC 3 મહિનાનું એક્સ્ટેન્શન આપી શકે

અદાણી-હિન્ડનબર્ગ વિવાદમાં આરોપોની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટ સેબીને ત્રણ મહિનાનું એક્સ્ટેન્શન આપે તેવી શક્યતા છે. અદાણી ગ્રૂપ સામે શેરના ભાવમાં ચેડા કરવાનો અને રેગ્યુલેટરી નિયમોનો ભંગ કરવાનો આરોપ છે. આ અંગે જાન્યુઆરીમાં વિવાદ શરૂ થયા પછી સેબીને તપાસ સોંપવામાં આવી છે. સેબીએ તપાસ પૂર્ણ થઈ ન હોવાથી વધુ છ મહિનાનું એક્સ્ટેન્શન માગ્યું હતું.

આ વિશે 15 મેએ સુનાવણી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે બીજી માર્ચે સેબીને અદાણી સામેના આરોપોની તપાસ કરીને બે મહિનાની અંદર રિપોર્ટ આપવા કહ્યું હતું. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ દ્વારા એક પેનલ પણ સ્થાપવામાં આવી હતી જેથી રોકાણકારોના હિત જાળવી શકાય. હિન્ડનબર્ગ રિસર્ચના રિપોર્ટના પગલે અદાણી જૂથને મોટો ફટકો લાગ્યો છે અને 24 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં માર્કેટ વેલ્યૂમાં 140 અબજ ડોલરનું ધોવાણ થયું છે.

અગાઉ સેબીએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે તેને સંભવિત ભંગની તપાસ કરવા માટે વધુ છ મહિનાની જરૂર પડશે. 10 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અદાણી જૂથના શેરોમાં ભારે ઘટાડો થયો છે ત્યારે બજારની વોલેટિલિટી સામે ભારતીય રોકાણકારોના હિત જાળવવા જરૂરી છે. આ સાથે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટના એક નિવૃત્ત જજની અધ્યક્ષતા હેઠળ પેનલ રચીને તપાસ કરવા જણાવાયું હતું.

આ વિવાદ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યાર સુધી મૌન રાખ્યું છે પરંતુ વિરોધપક્ષો દ્વારા આ મુદ્દે સરકાર સામે ઘણા આક્ષેપો થયા છે. ભારતીય કોર્પોરેટ જગતમાં કોઈ ગોટાળા થાય તો તેની તપાસ કરવા માટે સરકાર ગંભીર છે તેની ખાતરી કરાવવા માટે આ રિપોર્ટ જરૂરી છે.

અદાણી ગ્રૂપ સામે એક આરોપ એવો પણ હતો કે તેઓ મોરેશિયસ સ્થિત શેલ કંપનીઓ મારફત નાણાકીય ગોટાળા કરે છે. જોકે, તાજેતરમાં મોરેશિયસના ફાઈનાન્સ મંત્રીએ આ આરોપો ફગાવી દીધા છે અને કહ્યું છે કે મોરેશિયસમાં તમામ કામ કાયદેસર રીતે થાય છે. 24 જાન્યુઆરીના હિન્ડનબર્ગ રિપોર્ટમાં આરોપ મુકાયો હતો કે કેરેબિયન, મોરેશિયસ અને યુએઈ જેવા ટેક્સ હેવન્સમાંથી મોટા પાયે શેલ કંપનીઓ ઓપરેટ કરે છે. અદાણી જૂથે તેની સામેના તમામ આરોપો નકારી કાઢ્યા છે. છતાં તેની માર્કેટ વેલ્યૂમાં 140 અબજ ડોલર ગુમાવવા પડ્યા છે.

Related posts

બિટકોઇન પોંજી સ્કીમની જેમ છે રોકાણકારોને ચેતવણી

aapnugujarat

રામદેવે શરૂ કર્યો પતંજલિ ’’પરિધાન’’નો શો રૂમ

aapnugujarat

ગૂગલ ક્યારેય આપની માહિતી કોઈ થર્ડ પાર્ટીને નહીં વેચે – સુંદર પિચાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1