Aapnu Gujarat
બ્લોગ

પવારનો દાવ ‘પોતાની શરતો પર’

આજે શરદ પવારને તેમની બાયોગ્રાફીના શીર્ષક સાથે જોડીને જ સમજવા પડશે, શીર્ષક છે – ‘પોતાની શરતો પર.’ આ શીર્ષક વિના તેમને સમજી નહીં શકાય. તેને સમજ્યા વિના મોટાભાગના લોકો શરદ પવારને ક્યારેક બાગી, ક્યારેક ખલનાયક, તો ક્યારેક રાજકીય લોભી રૂપે જોતા રહે છે. મોટાભાગના લોકોને લાગતું રહ્યું છે કે શરદ પવાર હંમેશાં સત્તાની રાજનીતિ કરતા રહ્યા છે. સાઇઠ વર્ષના રાજકીય કરિયરમાં શરદ પવાર સત્તામાં રહ્યા હોય કે વિપક્ષમાં, પાર્ટી તોડનારમાં રહ્યા હોય કે બનાવનારમાં, કેન્દ્રની રાજનીતિમાં રહ્યા હોય કે મહારાષ્ટ્રની રાજનીતિમાં, તેમણે જે પણ કર્યું છે તે પોતાની શરતો પર કર્યું છે. તેમણે પાર્ટીનું અધ્યક્ષ પદ પણ પોતાની શરતો પર છોડ્યું અને આજે પાર્ટી કાર્યકર્તાઓની સમજાવટ બાદ ફરીથી અધ્યક્ષ પદે બિરાજમાન પણ થયા. ૧૯૫૬માં ગોવાની આઝાદી માટે પ્રદર્શન સાથે શરૂ થયેલ તેમની રાજકીય સફર શું હવે અસ્તાચળ તરફ છે? વિશ્વાસ કરવો મુશ્કેલ છે.
એ વાત છૂપી નથી કે શરદ પવાર ન માત્ર રાજકીય જીવનમાં, પરંતુ અંગત જીવનમાં પણ ઝઝૂમનારા રહ્યા છે. લોકોને લાગે છે કે તેઓ જઈ રહ્યા છે, પરંતુ તેઓ દર વખતે મજબૂતીથી પાછા ફરે છે. ૨૦૦૪ની લોકસભા ચૂંટણીમાં પુણેમાં ચૂંટણી પ્રચાર કર્યા બાદ તેમને ઇમરજન્સી ઓપરેશન માટે સીધા હોસ્પિટલમાં જવાનું હતું, ભાષણ ખતમ કરતાં જ તેઓ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ભરતી થયા હતા. એ ઓપરેશન બાદના ૨૦ વર્ષમાં દરેક એ વ્યક્તિને પવારે નિરાશ કર્યા, જેને ક્યારેક એવું લાગ્યું કે હવે પવારની ઇનિંગ ખતમ થઈ ગઈ. આજે સવાલ એ છે કે શરદ પવારે પોતાની પાર્ટી એનસીપીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાનો ફેંસલો કેમ કર્યો? ઘણા લોકો તેને વિપક્ષી એક્તા પર ખતરો સમજે છે. ઘણા લોકો તેને પવારની રાજકીય સફર પર વિરામ સમજે છે, પરંતુ લાગતું નથી કે એવું કશું થવાનું છે. આ તેમનો એક દાવ જ હતો તેમની લાંબી રાજકીય સફરમાં. તેમના આ નિર્ણયને એનસીપીના ઉત્તરાધિકાર પ્રક્રિયા તરીકે પણ જોવામાં આવે છે. તેને પોતાની રાજકીય તાકાતને વધુ મજબૂતીથી રાખવાની કોશિશ તરીકે પણ જોઈ શકાય છે.
એ વાત નવી નથી કે તેમના ભત્રીજા અજીત પવાર ઘણા સમયથી બળવાના સૂર કાઢી રહ્યા છે. એક વાર તેમણે ભાજપના દેવેન્દ્ર ફડણવીસ સાથે મળીને સરકાર પણ બનાવી લીધી હતી, પરંતુ તેમણે પીછેહઠ કરવી પડી. શરદ પવારે તેમને માફ પણ કર્યા, સાથે જ મહાવિકાસ અઘાડી સરકારમાં નાયબ મુખ્યમંત્રી પણ બનાવ્યા. હજુ પણ તેમના ભાજપ સાથે જઈને સરકાર બનાવવાની ચર્ચા ચાલી રહી છે. એવામાં પાર્ટીને તૂટવાથી બચાવવા માટે શરદ પવારનું આ પગલું મહત્ત્વપૂર્ણ હોઇ શકે છે. શરદ પવાર પોતાની પાર્ટીની બાગડોર પોતાની પુત્રી સુપ્રિયા સુલેને સોંપવા માંગે છે અને આ દિશામાં તેમનું આ પગલું કારગત સાબિત થઈ શકે છે. ધ્યાન રહે, પવારે પોતાની લોકસભા સીટ બારામતી પહેલાં જ સુપ્રિયા સુલેને સોંપી દીધી છે. એકંદરે પવારના રાજીનામાની ઘટનાએ એટલો તો સંકેત આપ્યો જ કે એનસીપીમાં આંતરિક હલચલ તેજ છે.
એ આશંકાનો ઇનકાર ન કરી શકાય કે એનસીપી તૂટી શકે છે. જો એવું થાય તો પણ શરદ પવાર અને સુપ્રિયા સુલે જે પાર્ટી કે જૂથ સાથે હશે, તેને જ રાજકીય રીતે મૂળ એનસીપી માનવામાં આવશે. એવું જ શિવસેના સાથે પણ થયું છે. શિવસેના તૂટ્યા બાદ એકનાથ શિંદે રાજ્યમાં સરકાર બનાવી ચૂક્યા છે, પરંતુ મોટાભાગના લોકો ઉદ્ઘવ ઠાકરેની શિવસેનાને જ અસલી માને છે.
બીજો એક સવાલ શરદ પવારના રાજકીય ચરિત્રને લઈને છે કે શું તે ભાજપ સાથે જઈ શકે છે? છેલ્લા સાઇઠ વર્ષના રાજકીય સફરમાં કેટલાય પ્રસંગો આવ્યા, તેમણે કોંગ્રેસ છોડી દીધી, નવી પાર્ટી બનાવી, પરંતુ ફરીથી કોંગ્રેસમાં કે કોંગ્રેસની નજીક આવી ગયા. આજ સુધી એક પણ પ્રસંગ નથી, જ્યારે શરદ પવારે ભાજપનો ખુલીને સાથ આપ્યો હોય. શરદ પવાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ચેરમેન અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ રહી ચૂક્યા છે, તેઓ ક્રિકેટના દાવપેચનો ઉપયોગ રાજકારણમાં બહેતર રીતે કરતા આવ્યા છે. ક્યારે ગૂગલી ફેંકવી જોઇએ અને ક્યારે છગ્ગાની લાલચ આપીને કેચ પકડાવવો જોઇએ, તેમને સારી રીતે ખબર છે. તેઓ રાજકીય ક્રિકેટના એવા માહેર ખેલાડી છે, જે સુનિલ ગાવસ્કરના ધીમા ટેસ્ટ ખેલથી લઈને વિરાટ કોહલીની ઝડપી ટી-૨૦ રમત સુધી મેદાનમાં ટકી શકે છે.
હવે તેમાં શંકા નહીં કે એનસીપીના હાલના ઘટનાક્રમનો એક મોટો ચહેરો અજિત પવાર છે. તેઓ ખુદને ભલે મોટા નેતા સમજે, પરંતુ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદ પવારની જ પાર્ટી છે. અજીત પવારને દરેક પળે એ વાતનો ડર લાગી રહ્યા છે કે હિંદુ ઉત્તરાધિકાર કાયદા અનુસાર, આ વખતે પણ ફેંસલો ક્યાંક શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેના હકમાં ન ચાલ્યો જાય. જોકે પાર્ટી તોડવાની કોશિશમાં એક વાર તેઓ નિષ્ફળ ગયા છે, હવે એવી જ બીજી કોશિશ માટે તેમને ભાજપના સહારાની જરૂર છે. ભાજપ જો શિવસેના બાદ એનસીપીને તોડવા માંગશે, તો અજીત પવાર બહેતર મહોરું બની શકે છે, પરંતુ ત્યારે તે એનસીપીના નેતા નહીં રહી શકે. એટલે કે શિવસેના તૂટ્યા બાદ મહારાષ્ટ્રની રાજનીતિમાં વધુ એક ઘમસાણ બાકી છે.
ત્યારે પણ ઘમસાણનો મોકો હતો, જ્યારે શરદ પવાર પોતાની રાજકીય બાયોગ્રાફી ‘લોક માઝે સાંગાતી (પોતાની શરતો પર)’નો બીજો ભાગ રિલીઝ કરી રહ્યા હતા. આ પ્રસંગે શરદ પવાર પોતાની પત્ની અને પુત્રી સાથે હાજર હતા. પાર્ટીના તમામ નેતાઓએ તેમના પ્રત્યે પોતાની આસ્થા જાહેર કરી અને તેમને અધ્યક્ષ પદ પર રહેવા માટે આગ્રહ કર્યો. ત્યારે સુપ્રિયા સુલે મૌન રહ્યાં, કારણ કે તેઓ જાણે છે કે પવારના સમર્થન માટે ચૂપકિદી તોડવી જરૂરી નથી. હા જો તેઓ પણ બોલતાં, તો કદાચ પાર્ટી તૂટવાના રસ્તે ઝડપથી ચાલી નીકળી હોત. એમ પણ કહેવા છે કે સૌથી ભલી ચૂપકિદી. સુપ્રિયા સુલે સારી રીતે સમજે છે કે પાર્ટી ભલે રાજકીય હોય, પરંતુ પૂંજી તો તેમના પિતાજીની છે, એટલે તેમને જ મળવાની છે. જે થયું તે ચોંકાવનારું નથી. ધ્યાન રહે, ગત ૧૭ એપ્રિલે જ સુપ્રિયાએ કહી દીધું હતું કે દેશની રાજનીતિમાં બે વિસ્ફોટ થવાના છે, જેમાંથી એક તો ૨ મેએ થઈ ગયો, હવે બીજા વિસ્ફોટની રાહ જોવી રહી!

Related posts

नए ISI चीफ हमीद के आतंकी ग्रुपों के प्रति दृष्टिकोण पर रहेगी भारत की नजर

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

બીટકોઇન તે વળી કઇ બલા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1