Aapnu Gujarat
બિઝનેસ

રોકાણકારોનું ફોકસ હવે સિલ્વર તરફ

આગામી દિવસોમાં સોના કરતા પણ ચાંદીના ભાવમાં વધુ તગડો વધારો થશે તેવી આગાહી પછી રોકાણકારોનું ફોકસ સિલ્વર તરફ વળ્યું છે. એક અંદાજ પ્રમાણે ચાલુ વર્ષમાં ચાંદીનો ભાવ કિલો દીઠ 85,000થી 90,000 રૂપિયા સુધી જઈ શકે છે. તેના કારણે ઘણા ઈન્વેસ્ટરો શક્ય એટલી ચાંદી ખરીદવા માટે વિચારી રહ્યા છે. ઈન્વેસ્ટરો માટે સિલ્વર હવે ગોલ્ડનું સ્થાન લઈ રહી છે તેમ કહી શકાય. સોના અને ચાંદી બંનેના ભાવ નવી સપાટી બનાવી રહ્યા છે, પરંતુ આગામી સમયમાં રિટર્ન આપવામાં સોનું પાછળ રહી જશે અને સિલ્વર આગળ નીકળી જશે તેમ માનવામાં આવે છે.
ગોલ્ડના ભાવમાં અપવર્ડ ટ્રેન્ડ ચાલે છે પરંતુ ચાંદી અત્યાર સુધી પાછળ રહી ગઈ હતી અને હવે તેમાં બેલેન્સ આવવાની શક્યતા છે. મંગળવારે અમદાવાદના બજારમાં ચાંદીનો ભાવ રૂ. 74,000 પ્રતિ કિલો હતો જ્યારે સોનાનો ભાવ રૂ. 61,900 પ્રતિ 10 ગ્રામ હતો. અમદાવાદ એર કાર્ગો કોમ્પ્લેક્સ દ્વારા સંકલિત કરવામાં આવેલા ડેટા પ્રમાણે ગુજરાતમાં ચાંદીની આયાત 1173 મેટ્રિક ટન નોંધાઈ હતી. પહેલી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 9.36 ટકાનો વધારો થયો છે જ્યારે ચાંદીનો ભાવ 6.5 ટકા વધ્યો છે.

પરંતુ હવે ચાંદીનો ભાવ 85000થી 90000 રૂપિયા પ્રતિ કિલો થવાની ધારણા છે. આમ તો ગોલ્ડ અને સિલ્વર બંનેના ભાવ વધશે, પરંતુ સિલ્વરમાં તેજીની ઝડપ વધારે હશે. તેમાં બુલિયન ઉપરાંત ઈન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ પણ વધારે જોવા મળશે.

જ્વેલર્સ એસોસિયેશન ઓફ અમદાવાદના પ્રેસિડન્ટ જિગર સોનીએ જણાવ્યું કે, “જે લોકોએ સોનામાં રોકાણ કર્યું છે તેઓ પણ તેમના પોર્ટફોલિયોમાં ચાંદીને એક વૈકલ્પિક એસેટ તરીકે ખરીદવા માંગે છે. અક્ષત તૃતિયાના દિવસે કિંમતી ધાતુની ખરીદીને શુભ માનવામાં આવે છે અને તે દિવસે ગુજરાતમાં લગભગ 800 કિલો ચાંદીનું ટ્રેડિંગ થયું હતું.”

જ્વેલર્સના કહેવા પ્રમાણે ચાંદીના સિક્કા તથા બાર બંનેના વપરાશમાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત જ્વેલરી, ગિફ્ટ આર્ટિકલ્સ, વાસણો, ફર્નિચર વગેરેમાં ચાંદીના વપરાશમાં વધારો થયો છે અને તેના કારણે માંગ વધતી જાય છે. મોંઘવારી વધતી હોય ત્યારે સોનાનો ભાવ તેના કરતા વધારે વધીને ફુગાવા સામે રક્ષણ આપે છે. હાલમાં આર્થિક અનિશ્ચિતતાના વાતાવરણ વચ્ચે પણ સોનાની માંગ વધે છે. પરંતુ અત્યારે લોકો ચાંદી તરફ વળી રહ્યા છે કારણ કે તેમાં વધુ તીવ્ર વધારો આવે તેવી શક્યતા છે.

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA)ના ડિરેક્ટર હરેશ આચાર્યએ જણાવ્યું કે, “આગામી મહિનાઓમાં સારું રિટર્ન આપવામાં ચાંદી કદાચ સોના કરતા આગળ નીકળી જશે. ગ્લોબલ સ્તરે ડિમાન્ડ આ સમયે પિક પર ચાલે છે અને તેમાં હજુ વધારો થઈ શકે છે.”

Related posts

ઓનલાઈન શોપિંગમાં આપવો પડશે આધાર નંબર

aapnugujarat

GST रिटर्न भरने करने की अंतिम तिथि बढ़ी, अब 30 नवंबर तक करें दाखिल

aapnugujarat

એર ઇન્ડિયાની ઘોર બેદરકારીઃ એસી બંધ હોવા છતાં વિમાન ઉડાવીને મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1