Aapnu Gujarat
બ્લોગ

કેનેડાના વિઝિટર વિઝા માટે કઈ રીતે કરશો એપ્લાય? જાણી લો પ્રોસેસ

હાલના સમયમાં કેનેડા જનારા લોકોની સંખ્યા ઘણી વધી ગઈ છે. ભારતમાંથી કેનેડા જનારાઓમાં ખાસ કરીને સ્ટૂડન્ટ્સની સંખ્યા ઘણી વધી ગઈ છે. જો તમારું પણ કોઈ કેનેડામાં રહેતું કે ભણતું હોય અને તમારે ત્યાં વિઝિટર વિઝા પર જવું હોય કે પછી કોઈ ન હોય તો પણ માત્ર ફરવા માટે જવું હોય તો કેનેડાના વિઝિટર વિઝાની પ્રોસેસ ઘણી સરળ છે. તેના માટે તમારે કોઈ એજન્ટની મદદ લેવાની પણ જરૂર પડે તેવું નથી. બસ, તમારી પાસે માગવામાં આવે તે બધા ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ અને બેન્ક અકાઉન્ટમાં પૂરતું બેલેન્સ હોવું જોઈએ. કેનેડાના વિઝિટર વિઝા માટે તમે ઘરે બેઠાં જ ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો. તમે કુરિયરથી પણ તમારા ડોક્યુમેન્ટ્સ વિઝા પ્રોસેસ માટે મોકલી શકો છો, પરંતુ તેમાં અપ્રુવલ આવવામાં વધારે સમય લાગી શકે છે. વળી, કોઈ ડોક્યુમેન્ટ ખૂટ્યું તો તે જમા કરાવવામાં વધારે સમય બગડશે. જ્યારે ઓનલાઈનમાં આ પ્રોસેસ ઝડપી થઈ જશે. વળી, તમારું કોઈ ડોક્યુમેન્ટ્સ ખૂટતું હશે તો તમને ઈ-મેલ આવી જશે અને તમે તે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરશો એટલે તરત આગળ પ્રોસેસ શરૂ થઈ જશે.તમારે કેનેડાના વિઝિટર વિઝા માટે કયો રસ્તો અપનાવવો છે, તે તમારા નક્કી કરવાનું છે. અમે અહીં તમને જણાવી રહ્યા છીએ કેનેડાના વિઝિટર વિઝા માટે એપ્લાય કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ.

પહેલા જાણી લઈએ કેનેડાના વિઝિટર વિશે
– કેનેડામાં બે પ્રકારના વિઝિટર વિઝા મળે છે. એક સિંગલ એન્ટ્રી વિઝા અને બીજા મલ્ટીપલ એન્ટ્રી વિઝા.
– મોટાભાગના કેસમાં મલ્ટીપલ એન્ટ્રી વિઝિટર વિઝા અપ્રુવ થઈ જતા હોય છે. તેમાં તમે ગમે તેટલી વખત કેનેડા આવ-જા કરી શકો છો.
– સિંગલ એન્ટ્રી વિઝિટર વિઝામાં તમે એક જ વખત કેનેડા જઈ શકશો.
– તમને કયા વિઝા મળશે તેનો આધાર તમારા બેકગ્રાઉન્ડ અને વિઝા ઓફિશિયલ્સ પર આધાર રાખે છે.
– સામાન્ય રીતે કેનેડાના વિઝિટર વિઝા 10 વર્ષ માટે મળે છે. પણ જો પાસપોર્ટ તે પહેલા એક્સપાયર થતો હશે તો ત્યાં સુધીના જ વિઝિટર વિઝા મળશે.
– વિઝિટર વિઝા પર તમે વધુમાં વધુ સળંગ 6 મહિના કેનેડામાં રહી શકો છો.

વિઝિટર વિઝા માટે એપ્લાયની પ્રોસેસ શું છે?
– પહેલા તમારે કેનેડાની સરકારની વેબસાઈટ www.canada.ca પર જવાનું છે.
– ત્યાં તમને ઈમિગ્રેશન અને સિટિઝનશિપ સેક્શનમાં વિઝિટ કેનેડાનું ઓપ્શન જોવા મળશે.
– વિઝિટ કેનેડાના ઓપ્શનમાં તમને વિઝિટર વિઝાને લગતી બધી માહિતી જોવા મળશે.
– વિઝિટર વિઝા માટે એપ્લાટ કરવાનું પહેલું સ્ટેપ એ આવશે કે તમારે વિઝિટનું કારણ જણાવવું પડશે.
– તે પછી તમારે એ જણાવવાનું રહેશે કે તમે કોરોના વેક્સિનના બધા ડોઝ લીધા છે કે નહીં. જો બધા ડોઝ લીધા હશે તો જ પ્રોસસ આગળ વધશે.
– વેક્સિનેશન સ્ટેટસમાં યસ ક્લિક કરતા જ તમારી સામે જરૂરી ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ ખૂલી જશે.

– તમે કેનેડાની વિઝિટ માટે જે કારણ જણાવ્યું હશે, તે મુજબ IRCC (Immigration, Refugees and Citizenship Canada) તમને જણાવશે કે તમારે કયા-કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે?
1. પ્રૂફ ઓફ ફંડ્સ
– કેનેડામાં રહેતા લોકોનો મહિને સરેરાશ ખર્ચ 1200 કેનેડિયન ડોલર (લગભગ 73,000 રૂપિયા) થાય છે. એટલે એવું માનવામાં આવે છે કે, વિઝિટર તરીકે આવતા લોકોનો ખર્ચ વધારે જ હોવાનો. જેથી કેનેડા વિઝિટ પર આવનારાને મહિને સરેરાશ 2000 કેનેડિયન ડોલર (લગભગ 1.21 લાખ રૂપિયા)ની જરૂર પડે તેવો અંદાજ રખાય છે. વિઝિટર વિઝામાં તમે વધુમાં વધુ 6 મહિના કેનેડામાં રહી શકો છો. એટલે તમારે બેન્ક અકાઉન્ટમાં છ મહિનાનું ફંડ (12,000 કેનેડિયન ડોલર) રાખવું જોઈએ. તમે અકાઉન્ટમાં જેટલું વધારે ફંડ બતાવશો એટલા તમને વિઝિટર વિઝા મળવાના ચાન્સ વધી જશે.

ફંડ કેવી રીતે બતાવશો
– તમે એફડી, બેન્ક સ્ટેટમેન્ટ, સેલેરી સ્લીપ્સ, બીજી કોઈ એસેટ્સ, ઈનકમ ટેક્સ રિટરન્, પીપીએફ, કોઈ કોન્ટ્રાક્ટ હોય તે ફંડમાં દર્શાવી શકો છો.
– એક જરૂરી વાત એ યાદ રાખજો કે તમારા હોસ્ટ કે જેણે તમને કેનેડા ઈન્વાઈટ કર્યા હોય અને તે તમારી કેનેડાની તમારી વિઝિટ દરમિયાન તમને નાણાકીય સપોર્ટ કરવાનો હોય તો તેણે પણ પોતાનું ફંડ બતાવવું પડી શકે છે. જેમકે, કેનેડામાં ભણતો કોઈ વિદ્યાર્થી પોતાના પેરેન્ટ્સને ઈન્વાઈટ કરે તો તેણે પ્રૂફ ઓફ ફંડ્સમાં T4 ફોર્મ કે પછી સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ આપવાના રહે છે.

2. પ્રૂફ ઓફ જોબ
– તમે કેનેડામાં જઈને નોકરી નથી કરવાના તે સાબિત કરવું જરૂરી છે. તેના માટે તમે ભારતમાં જોબ કે બિઝનેસ કરો છો કે પછી કોન્ટ્રાક્ટ વર્કર કે સરકારી નોકરી કરો છો તેના ડોક્યુમેન્ટ્સ આપવાના રહેશે.

– આ ઉપરાંત તમારે એ ડોક્યુમેન્ટ્સ પણ જોડવા પડશે કે તમે તમારા પરિવારને આર્થિક સપોર્ટ કરો છો અને તે તમારા પર ડિપેન્ડન્ટ છે. આ ડોક્યુમેન્ટસ પણ વિઝિટર વિઝા અપ્રુવલમાં ઘણા કામ આવશે. તમે જેટલા વધારે ડોક્યુમેન્ટ્સ આપશો તેટલો તમારો કેસ વધુ મજબૂત થશે.

3. ક્રિમિનલ રેકોર્ડ નથી તેનું પ્રૂફ
– કેનેડાના વિઝિટર વિઝા માટે એ ફરજિયાત છે કે, તમારો કોઈ ક્રિમિનલ રેકોર્ડ ન હોવો જોઈએ. તે માટેનું પ્રૂફ પણ તમારે આપવાનું રહેશે.

4. લેટર ઓફ ઈન્વિટેશન
– લેટર ઓફ ઈન્વિટેશનની મારે ત્યારે જરૂર પડશે કે જ્યારે કેનેડામાં તમારી ફેમિલી કે રિલેટિવ્સ રહેતા હોય અને તે તમને ઈન્વાઈટ કરતા હોય.જો કોઈનો કેનેડામાં પ્રસંગ હોય અને તમને ઈન્વાઈટ કરે તો તે તમારો કેસ વધુ સ્ટ્રોંગ બનાવે છે.

– જો કેનેડામાં કોઈ ઓળખીતું રહેતું ન હોય તો પણ તમે વિઝિટર વિઝા માટે એપ્લાય તો કરી જ શકો. પરંતુ, એ કેસમાં તમારે તમારા સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ આપવાના રહેશે કે તમે કેનેડા શા માટે જવા માગો છો. તેને કવર લેટર કહેવાય છે. તેમાં તમારે કેનેડામાં ગયા પછી તમે ક્યાં રહેવાના છો?, ક્યાં ફરવાના છો? વગેરે બાબતો જણાવવાની રહેશે.

5. ટ્રાવેલ હિસ્ટ્રી
– જો તમે ટૂરિસ્ટ છો અને બીજા દેશોમાં પ્રવાસ કરી ચૂક્યા છો, તો તમારો કેસ વધુ મજબૂત થઈ જશે. જોકે, ટ્રાવેલ હિસ્ટ્રી ન હોય તો કંઈ વાંધો નથી. તે ફરજિયાત નથી.

6. પાસપોર્ટ
– પાસપોર્ટ વિના તો વિદેશ જવાનું શક્ય જ નથી. એટલે એ તો હોવો જ જોઈએ.

7. કેનેડા ટુરિસ્ટ વિઝા એપ્લિકેશન ફોર્મ
– તમારે કેનેડા ટુરિસ્ટ વિઝા એપ્લિકેશન ફોર્મ પણ ભરવાનું રહેશે.

8. પ્રૂફ ઓફ ગુડ હેલ્થ
– તમને કોઈ પ્રકારની બીમારી નથી તેના માટે તમારે મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવું પડશે. જે મેડિકલ ટેસ્ટ આપ્યા પછી મેળવી શકાય છે.

9. ડિજિટલ ફોટોઝ
– કેનેડા વિઝિટર વિઝા માટે તમારે વેબસાઈટમાં જણાવ્યા મુજબના ડિજિટલ ફોટોઝ પણ અપલોડ કરવાના રહેશે.

10.આઈડેન્ટીટી અને સિવિલ સ્ટેટસ ડોક્યુમેન્ટસ
– તમારે સરકાર દ્વારા અપાયેલું ઓળખ પત્ર પણ દર્શાવવું પડશે.

વિઝિટર વિઝાની ફી કેટલી છે?
કેનેડાના વિઝિટર વિઝાની ફી માત્ર 100 કેનેડિયન ડોલર છે. તે ઉપરાંત બાયોમેટ્રિક્સ માટે 85 કેનેડિયન ડોલર ચૂકવવાના હોય છે.

પ્રોસેસિંગમાં કેટલો સમય લાગે છે?
તમારી પાસે બધા ડોક્યુમેન્ટ્સ હાથ પર આવી જાય અને તે તમે અપલોડ કરો તે પછી તમને બોયમેટ્રિક રિક્વેસ્ટ આવશે. તમે બાયોમેટ્રિક આપીને આવો પછી વિઝા અપ્રુવલની રાહ જોવાની રહે છે. જો વિઝા અપ્રુવ થઈ જાય તો તમારી પાસે પાસપોર્ટ માંગવામાં આવશે. તે તમે જમા કરાવશો એટલે તેના પર વિઝા સ્ટેમ્પ થઈને તમને મળી જશે. વિઝિટર વિઝા અપ્રુવલનો પ્રોસેસિંગ ટાઈમ દરેક દેશ મુજબ અલગ-અલગ હોય છે. ભારત માટે તે 56 દિવસની આસપાસનો છે.

Related posts

આજનું જ્ઞાન

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

काहे फरियाद करत हो, हमने ही तो चुनी है नये भारत की उंची बुलंदीवाली सरकार….! आदत डालियें…!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1