Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાજયસભા ચૂંટણી પરિણામનું કાઉન્ટડાઉન ચૂંટણીપંચમાં

ગુજરાતના રાજકારણમાં કયારેય જોવા ના મળ્યા હોય તેવા જબરદસ્ત હાઇવોલ્ટેજ ડ્રામા, થ્રીલર અને સસ્પેન્સ વચ્ચે આજે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે રાજયસભાની ત્રણ બેઠકો માટેની પ્રતિષ્ઠિત ચૂંટણી યોજાઇ હતી. વહેલી સવારે ૯-૦૦ ના ટકોરે શરૂ થયેલું મતદાન ત્રણ વાગતાં વહેલું પૂર્ણ થઇ ગયું હતું પરંતુ એ પહેલા વોટીંગની શરૂઆતથી લઇ પૂર્ણ થયું ત્યાં સુધીના સમયગાળા દરમ્યાન હૃદયના ધબકારા વધારતાં અનેક ચઢાવ ઉતાર અને ઘટનાક્રમ જોવા મળ્યા. વોટીંગ દરમ્યાન ક્રોસ વોટીંગનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. ખાસ કરીને ક્રોસ વોટીંગે કોંગ્રેસ અને તેના દિગ્ગજ નેતાઓના પળેપળ ધબકારા વધાર્યા હતા. મોડી સાંજે કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો રાઘવજી પટેલ અને ભોળાભાઇ ગોહિલના મતો સામે વાંધો ઉઠાવતી કોંગ્રેસની ફરિયાદ અને કોંગ્રેસના ધારાસભ્યો શૈલેષ પરમાર અને મીતેષ ગરાસીયાના મતો રદ કરાવવા ભાજપની ફરિયાદને લઇ મોડી રાત સુધી મતગણતરીનો મામલો કેન્દ્રીય ચૂંટણીપંચ સમક્ષ ગૂંચવાયો હતો અને ટલ્લે ચઢયો હતો. ગુજરાત સહિત દેશભરની નજર રાજયસભાના આ પરિણામ પર મંડાઇ હતી. રાજયસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ કોંગ્રેસ પક્ષે અચાનક જ ચોંકાવનારો ધડાકો કરતો આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો રાઘવજી પટેલ અને ભોળાભાઇ ગોહિલે મતદાન દરમ્યાન ભાજપ અને કોંગ્રેસના બંને અધિકૃત એજન્ટોને તેમનો મત બતાવ્યો હતો અને તેથી ચૂંટણી નિયમો-જોગવાઇ મુજબ, આ બંને ધારાસભ્યોના મતો રદ થવાને પાત્ર ઠરે છે. કોંગ્રેસે આ બંને ધારાસભ્યોના મતો રદ કરવા માંગણી કરી હતી. બીજીબાજુ, ભાજપ પણ તરત જ ચિત્રમાં આવી ગયુ હતું અને જણાવ્યું હતું કે, કોંગ્રેસે ખોટો હોબાળો મચાવ્યો છે. બંને ધારાસભ્યોના મત કાયદેસર છે. મોડી સાંજે ભાજપે પણ કોંગ્રેસના બે ધારાસભ્યો શૈલેષ પરમાર અને મીતેષ ગરાસીયાના મતો સામે પણ વાંધો ઉઠાવી તેને રદ કરવા ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. આમ, બંને પક્ષો તરફથી સામસામે ફરિયાદ નોંધાવાતા મોડી રાત સુધી સમગ્ર મામલો ગૂંચવાયો હતો. પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને શકિતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો રાઘવજી પટેલ અને ભોળાભાઇ ગોહિલે મતદાન દરમ્યાન ભાજપ અને કોંગ્રેસના બંને અધિકૃત એજન્ટોને તેમનો મત બતાવ્યો હતો અને તેથી ચૂંટણી નિયમો-જોગવાઇ મુજબ, આ બંને ધારાસભ્યોના મતો તાત્કાલિક રદ થઇ જાય. કોંગ્રેસના બંને બળવાખોર ધારાસભ્યોએ તેમના મતો કોંગ્રેસના અધિકૃત એજન્ટને બતાવ્યા બાદ રાજયસભાના ભાજપના ત્રણેય ઉમેદવારો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની અને બળવંતસિંહ રાજપૂતને બતાવી દીધા હતા. નિયમ મુજબ, બંને પક્ષના એજન્ટોને મત બતાવી શકાય નહી અને તેથી આ નિયમનો ભંગ થયો હોવાથી ચૂંટણી નિયમની સ્પષ્ટ જોગવાઇ હોવાથી આ બંને બળવાખોર ધારાસભ્યોના મતો રદ જ થાય તેમાં કોઇ શંકા નથી. અગાઉ હરિયાણા અને રાજસ્થાનમાં પણ આવું થયું ત્યારે મત રદ કરાયા હતા. દરમ્યાન શકિતસિંહ ગોહિલે ભાજપની તોડફોડની નીતિ, ધાકધમકી, પૈસા અને સત્તાના જોરે મતોનું રાજકારણ કર્યા બાદ હવે રાજયસભાની ચૂંટણીની મતગણતરીમાં પણ પ્રિસાઇડીંગ ઓફિસર દબાણ ઉભુ કરી રહ્યું છે. બંને પક્ષના આગેવાનોની હાજરીમાં ચૂંટણી નીરીક્ષકને વીડિયો નહી જોવા ભાજપ દબાણ કરી રહ્યું છે. ભાજપના લોકશાહીનું ખૂન કરતા આવા પ્રયાસોને ગુજરાતની જનતા જોઇ રહી છે. અમે આ સમગ્ર મામલે જો ન્યાય નહી મળે તો સુપ્રીમકોર્ટ સુધી લડત આપીશું. બીજીબાજુ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ કોંગ્રેસના આરોપ સામે પ્રતિક્રિયા આપી હતી કે, કોંગ્રેસ ખોટી રીતે હોબાળો મચાવી રહી છે.
મતપેટીમાં મત નાંખતા પહેલાં હજુ તો બંને ધારાસભ્યો પોતાના મત બતાવી રહ્યા હતા એ જ વખતે કોંગ્રેસે ખોટેખોટો શોર મચાવ્યો કે, જુઓ આ ધારાસભ્યો બધાને મત બતાવી રહ્યા છે. વાસ્વમાં મતદાનની પ્રક્રિયા પ્રભાવિત થાય તે માટે કોંગ્રેસે વાંધા લીધા છે. કોંગ્રેસના આ બંને બળવાખોર ધારાસભ્યોના મત આપવાના વિવાદને લઇ ભારે ચકચાર મચી હતી. સ્થાનિક ચૂંટણી અધિકારીથી માંડી કેન્દ્રીય ચૂંટણી પંચ સુધી આ વિવાદને લઇ દોડધામ મચી ગઇ હતી. બીજીબાજુ, મતગણતરી સ્થળે દોડી આવેલા ભાજપ-કોંગ્રેસના નેતાઓના ધબકારા વધી ગયા હતા.

 

Related posts

આવતીકાલે સેન્ચુરિયનમાં ભારત – આફ્રિકા વચ્ચે અંતિમ વન-ડે મેચ

aapnugujarat

प्रशांत भूषण अवमानना मामला: एससी ने लगाया 1 रुपये का जुर्माना, न भरने पर 3 माह की जेल

editor

बुधवार से शुरू होगा पैलेस ऑन व्हील्स का सफर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1