Aapnu Gujarat
ગુજરાત

મોડાસામાં લૂંટેરી દુલ્હન માત્ર 60 જ કલાકમાં ખેલ પાડીને ફરાર થઈ

છેલ્લાં કેટલાંક વર્ષોથી લૂંટેરી દુલ્હન દ્વારા લૂંટી લેવાના કિસ્સામાં વધારો થયો છે. ત્યારે આવો જ એક કિસ્સો મોડાસામાંથી સામે આવ્યો છે. મોડાસામાં રહેતો યુવક અમદાવાદ નજીક એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આ યુવક અને તેના પરિવારને લૂટેરી દુલ્હનની ગેંગે એવું કહ્યું હતું કે, યુવતી ખેતરમાં કામ કરે છે. એ પછી પરિવારને વિશ્વાસમાં લઈ લગ્ન કરાવી દાપા પેટે બે લાખ રુપિયા લીધા હતા. એટલું જ નહીં લગ્ન કરવા માગતા યુવકના લગ્ન યુવતી સાથે એક ટ્રસ્ટમાં કરાવ્યા હતા અને રુપિયા 35 હજાર પણ ખંખેરી લીધા હતા. એ પછી યુવતી યુવક સાથે મોડાસા ખાતે રહેવા માટે આવી હતી. લગ્નના માંડ 60 કલાકમાં જ આ લૂંટેરી દુલ્હન ઘરમાંથી દાગીના, રોકડ રકમ અને મોબાઈલ લઈને ભાગી ગઈ હતી. જે બાદ છેતરાયેલા યુવકે ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
બનાવની વિગતો એવી છે કે, મોડાસાના સગરવાડા વિસ્તારમાં રહેતા સુમન ભીખાભાઈ પ્રજાપતિ નામનો યુવક અમદાવાદ નજીક આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. યુવકના લગ્ન ન થતા પરિવાર પણ સતત ચિંતામાં રહેતો હતો. આ દરમિયાન યુવકના બનેવી કે જે કઠલાલ ખાતે રહે છે તેમનો સંપર્ક દહેગામ તાલુકાના લવાર ગામમાં રહેતા નટુ ઠાકોર સાથે થયો હતો. નટુ ઠાકોરે એવું જણાવ્યું હતું કે, લગ્ન કરવા ઈચ્છતા યુવકોના તે લગ્ન કરાવી આપે છે. એ પછી યુવક અને તેની બહેન તથા બનેવીને વિશ્વાસ આવતા તેઓ નટુ ઠાકોરના ઘરે ગયા હતા.

આ દરમિયાન નટુ ઠાકોરે એવું કહ્યું કે, યુવતી ખેતરમાં મજૂરી કરે છે. એના લગ્ન કરાવાના છે. એ પછી તમામ લોકોએ યુવતીની માસી સાથે વાતચીત કરી હતી અને લગ્ન નક્કી કર્યા હતા. આ ગેંગે લગ્નના દાપા પેટે બે લાખ રુપિયા માગ્યા હતા. આ સિવાય લગ્ન કરવા માગતા યુવકના પરિવારે લગ્નનો તમામ ખર્ચો ઉઠાવવાની પણ વાત કરી હતી. બાદમાં અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી મારુતિ નંદન ચેરિટેબલ ટ્રસ્ટમાં શિલ્પા ઉર્ફે રિન્કલ નટવરલાલ ઠાકુર સાથે લગ્ન કરાવ્યા હતા. આ લગ્ન માટે વકીલને 25 હજાર અને મહારાજને 10 હજાર પણ યુવકના પરિવારે ચૂકવ્યા હતા.

લગ્ન પૂરાં થયા બાદ યુવક લૂંટેરી દુલ્હન સાથે મોડાસા ખાતે આવ્યો હતો. લગ્નના ત્રીજા જ દિવસે આ લૂંટેરી દુલ્હન રોકડ રકમ, દાગીના અને મોબાઈલ લઈને ફરાર થઈ ગઈ હતી. જે બાદ યુવકે લૂંટેરી દુલ્હનની તપાસ કરી હતી. બાદમાં તેની માસીને ફોન કરતા એવું જણાવ્યું કે, હોળી પછી તેને લઈ જજો. એટલે યુવકે હોળી બાદ લૂંટેરી દુલ્હનની માસીને ફોન કર્યો હતો. ત્યારે લૂંટેરી દુલ્હનની માસી ભગીબેન ઉર્ફે ગંગા રમણલાલ ઠાકુરે તેને માર મારવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી દુલ્હનને ભૂલી જવાની વાત કરી હતી. આખરે યુવકને અહેસાસ થયો હતો કે તેની સાથે છેતરપિંડી થઈ છે. જે બાદ યુવકે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે પણ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

૨૧ ફેબ્રુઆરીના રોજ ૬ મહાનગરપાલિકામાં મતદાન

editor

હાર્દિક ચૂંટણી નહીં લડી શકે : સજા ઉપર સ્ટે મુકવાનો કોર્ટનો ઇનકાર

aapnugujarat

એસટીના ભાવનગરના ડિવિઝનલ કન્ટ્રોલર ૫૦ હજારની લાંચ લેતા ઝડપાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1