Aapnu Gujarat
રાષ્ટ્રીય

કારનું ટાયર ફાટવું એક્ટ ઓફ ગોડ નથી : BOMBAY HIGH COURT

માર્ગ અકસ્માતમાં કોઈનું મોત થાય ત્યારે વીમા કંપનીઓ ઘણીવાર જાતભાતના બહાના કાઢીને કે પછી વાંધા કાઢીને મૃતકના પરિવારજનોને વળતર આપવાનો ઈનકાર કરી દેતી હોય છે. આવા જ એક કિસ્સામાં કારનું ટાયર ફાટી જતાં થયેલા અકસ્માતમાં મોતને ભેટેલા એક વ્યક્તિના પરિવારજનોને વળતર આપવાનો વીમા કંપનીએ ઈનકાર કરી દીધો હતો. વીમા કંપનીની દલીલ હતી કે આ તો એક્ટ ઓફ ગોડ છે, જેથી આવા કેસમાં તે વળતર આપવા બંધાયેલી નથી. પરંતુ મામલો કોર્ટમાં જતા કોર્ટે વીમા કંપનીની દલીલ ફગાવી દઈ મૃતકના પરિવારજનોને 9 ટકા વ્યાજ સાથે 1.25 કરોડનું વળતર ચૂકવવા આદેશ આપ્યો છે.
મહારાષ્ટ્રના આ સમગ્ર કેસની વિગતો કંઈક એવી છે કે, 25 ઓક્ટોબર 2010ના રોજ મકરંદ પટવર્ધન નામના 38 વર્ષીય યુવક પોતાના બે સહકર્મીઓ સાથે પુણેથી મુંબઈ આવી રહ્યા હતા. તે વખતે હાઈવે પર તેઓ જે કારમાં સવાર હતા તેનું ટાયર ફાટી જતાં કાર અનેક પલટી ખાઈ ગઈ હતી અને આખરે એક ખાઈમાં જઈને પડી હતી. અકસ્માત થયો ત્યારે મકરંદ પટવર્ધનનો એક સહકર્મી તેને ડ્રાઈવ કરી રહ્યો હતો. પોલીસ રિપોર્ટ અનુસાર, કારની ઝડપ ખૂબ જ વધારે હતી અને ચાલકનું ડ્રાઈવિંગ પણ બેદરકારીભર્યું હતું. આ અકસ્માતમાં મોતને ભેટેલા મકરંદ પટવર્ધન ઘરમાં એકમાત્ર કમાનારા વ્યક્તિ હોવાથી તેમના પરિવારજનોએ વીમા કંપની સમક્ષ દાવો રજૂ કર્યો હતો, પરંતુ આ અકસ્માતને એક્ટ ઓફ ગોડ કહીને વીમા કંપનીએ તેમના દાવાને નકારી દીધો હતો.

આ કેસ જ્યારે બોમ્બે હાઈકોર્ટમાં પહોંચ્યો ત્યારે કોર્ટે વીમા કંપની ન્યૂ ઈન્ડિયા ઈન્શ્યોન્સનો કાન આમળતા કહ્યું હતું કે, ટાયર ફાટવાની ઘટનાને એક્ટ ઓફ ગોડ ના કહી શકાય. જો ટાયર ફાટવાના કારણે અકસ્માત થાય તો તેની પાછળ માનવીય ભૂલ અને બેદરકારી જવાબદાર છે. જેથી વીમા કંપનીને આવા કિસ્સામાં વળતર ચૂકવવું જ પડે. આ કેસમાં કારનું ટાયર ફાટી જતાં તે પલ્ટી ખાઈ ગઈ હતી, અને તેમાં બેઠેલા એક વ્યક્તિનું મોત થયું હતું. મૃતક ઘરમાં કમાનારા એકમાત્ર વ્યક્તિ હતા. વીમા કંપનીએ મૃતકના પરિવારજનોને વળતર આપવાનો ઈનકાર કરી દેતા પહેલા તો આ મામલો મોટર એક્સિડેન્ટ ક્લેઈમ્સ ટ્રીબ્યૂનલ પુણેમાં પહોંચ્યો હતો. જ્યાં 7 માર્ચ 2016ના રોજ મૃતકના પરિવારજનોને 1.25 કરોડ રૂપિયાનું વળતર 9 ટકા વ્યાજ સાથે ચૂકવવા માટે આદેશ અપાયો હતો.

2010માં મકરંદ પટવર્ધન અકસ્માતમાં મોતને ભેટ્યા તે વખતે તેમની ઉંમર માત્ર 38 વર્ષ હતી, અને તેમનો પગાર મહિને 69 હજાર રૂપિયા જેટલો હતો. તેમના પરિવારમાં પત્ની, એક દીકરી અને વૃદ્ધ માતાપિતાનો સમાવેશ થતો હતો. તેઓ એક પ્રાઈવેટ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર હતા. તેવામાં તેમના વેતન, ઉંમર તેમજ ભવિષ્યમાં તેઓ કેટલું કમાઈ શક્યા હોત તેવા તમામ પાસાને ધ્યાનમાં રાખીને મોટર એક્સિડેન્ટ ક્લેમ ટ્રીબ્યુનલ દ્વારા વળતરની રકમ સવા કરોડ રૂપિયા નક્કી કરાઈ હતી. જોકે, 2016માં આવેલા આ ચુકાદાને વીમા કંપનીએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

હાઈકોર્ટમાં વીમા કંપનીની દલીલ હતી કે મોટર એક્સિડેન્ટ ક્લેઈમ્સ ટ્રીબ્યુનલે આ કેસમાં નક્કી કરેલી વળતરની રકમ ખૂબ જ વધારે છે. જ્યારે આ મામલો એક્ટ ઓફ ગોડનો હોવાથી તેમાં અરજદારનો દાવો મંજૂર કરી શકાય તેમ નથી. જોકે, બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ દીગેએ નોંધ્યું હતું કે, એક્ટ ઓફ ગોડ તેને જ કહી શકાય કે જ્યારે કુદરતી શક્તિ પર માણસનો કોઈ કાબૂ ના હોય અને તેનાથી કોઈ નુક્સાન થાય. પરંતુ ટાયર ફાટવાની ઘટનાને કોઈ હિસાબે એક્ટ ઓફ ગોડ ના કહી શકાય, ઉલટાનું આ તો માનવીય બેદરકારીનું પરિણામ છે. હાઈ સ્પીડ, ટાયર ટેમ્પ્રેચર, સેકન્ડ હેન્ડ ટાયર, તેનું ટેમ્પ્રેચર, હવાના પ્રેશર સહિતના અનેક કારણો ટાયર ફાટવા પાછળ જવાબદાર છે.

Related posts

क्या बाहुबल वाले राष्ट्रवाद से दुनिया में किसी मुद्दे का हल निकला है..? : चिदंबरम

aapnugujarat

डीजल और पेट्रोल के वाहनों पर प्रतिबंध लगाने की योजना नहीं : धर्मेंद्र प्रधान

aapnugujarat

ટૂંક સમયમાં કોંગ્રેસ પાર્ટી નક્કી કરી લેશે અધ્યક્ષ

editor

Leave a Comment

UA-96247877-1