Aapnu Gujarat
ગુજરાત

જવાનના ઘરે કુરીયરથી મોકલાયેલો શોર્ય ચક્ર પરિવારે સ્વીકાર્યો નહીં

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સામે લડતા શહીદ થયેલા અમદાવાદના જવાનના ઘરે કુરિયરથી મોકલવામાં આવેલા શૌર્ય ચક્રને તેમના માતાપિતાએ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હોય છે. સામાન્ય રીતે રાષ્ટ્રપતિના હસ્તે શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવતું હોય છે, તેના બદલે તેને કુરિયરથી મોકલી દેવાતા શહીદના માતાપિતા નારાજ છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા ગોપાલ સિંહ ફેબ્રુઆરી ૨૦૧૭માં શહીદ થયા હતા. જે સમ્માન રાષ્ટ્રપતિ ભવનમાં મળવું જોઈતું હતું તેને આ રીતે મોકલી દેવાતા શહીદના પિતા મુનિમસિંહ ભદૌરિયાએ ના માત્ર તેને સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે, પરંતુ આ મામલે રાષ્ટ્રપતિ ભવનને દખલગીરી કરવા માટે પણ વિનંતી કરી છે.
શહીદ ગોપાલ સિંહના સર્વિસ બેનિફિટ્‌સ અને અવોર્ડ માટે તેમના માતાપિતા અને પત્ની વચ્ચે કાયદાકીય જંગ પણ થયો હતો. ૨૦૧૧માં શહીદની પત્ની તેમનાથી અલગ થઈ ગઈ હતી, પરંતુ તેમના કાયદેસરના છૂટાછેડા નહોતા થયા. નિયમ પ્રમાણે શહીદની પત્ની બેનિફિટ્‌સ મેળવવાને પાત્ર હતી, પરંતુ ગોપાલ સિંહના માતાપિતાએ કોર્ટમાં કેસ કરતાં શૌર્ય ચક્ર એનાયત કરવાનું મુલતવી રાખવામાં આવ્યું હતું. શહીદ ગોપાલ સિંહ રાષ્ટ્રીય રાયફલમાં ફરજ બજાવતા હતા. તેઓ ૨૦૦૮માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં તાજ હોટેલમાં હાથ ધરાયેલા ઓપરેશનમાં પણ સામેલ હતા.
સપ્ટેમ્બર ૨૦૨૧માં બંને પક્ષોએ આ મામલે સમાધાન કરી લેતા કોર્ટે કેન્દ્ર સરકારને એવોર્ડ તેમજ તેને લગતા મળવા પાત્ર તમામ લાભ તેમના માતાપિતાને આપવા માટે આદેશ કર્યો હતો. સિટી સિવિલ કોર્ટે પોતાના ઓર્ડરમાં એમ પણ જણાવ્યું હતું કે બંને પક્ષોને સર્વિસ બેનિફિટ્‌સ અને પેન્શન તેમજ અન્ય નાણાકીય લાભ સરખા ભાગે વહેંચવામાં આવશે. ગોપાલ સિંહના પિતાના જણાવ્યા અનુસાર, કોર્ટના આદેશ બાદ તેમણે સંરક્ષણ મંત્રાલય અને સૈન્યને ફેબ્રુઆરી ૨૦૨૨માં જાણ કરી હતી કે રાષ્ટ્રપતિ દ્વારા પ્રજાસત્તાક દિન કે પછી સ્વાતંત્ર દિન પર શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવે. ૦૫ જુલાઈના રોજ સંરક્ષણ મંત્રાલયે એક અધિકારીને શહીદના પરિવારને મેડલ તેમજ સર્ટિફિકેટ એનાયત કરવાની જવાબદારી સોંપી હતી. ભદૌરિયા પરિવાર આ કાર્યક્રમમાં ક્યારે ઉપસ્થિત રહી શકે છે તેની પણ પૃચ્છા કરવામાં આવી હતી. જોકે, શહીદના પિતાનો આગ્રહ હતો કે કોઈ અધિકારીના બદલે રાષ્ટ્રપતિના હસ્તે જ શૌર્યચક્ર એનાયત કરવામાં આવે. આ બધા વચ્ચે સોમવારે તેમના ઘરે મેડલ પાર્સલ કરી દેવામાં આવ્યો હતો. જેને ખોલ્યા વિના જ શહીદના પિતા મુનિમસિંહ ભદૌરિયાએ પરત મોકલાવી દીધું હતું. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, તેઓ આ સમગ્ર ઘટનાક્રમથી વ્યથિત છે. શૌર્યચક્ર તેમના દીકરાની સિદ્ધિ છે, જેની સાથે તેમની લાગણી સંકળાયેલી છે. આ સમ્માન મેળવવા પોતે ઘણી લાંબી લડાઈ લડવાની સાથે ખર્ચ પણ કર્યો છે. પોતે આ બાબતે કોઈ ઈશ્યૂ બનાવવા નથી માગતા, પરંતુ આ અંગે તેઓ સત્તાધીશોને રજૂઆત કરી રાષ્ટ્રપતિ દ્વારા મેડલ એનાયત કરાય તેવા માગ ચોક્કસ કરશે. હિમાચલ પર્દેશ હાઈકોર્ટના એક ચુકાદાને ટાંકતા મુનિમસિંહ ભદૌરિયાએ એમ પણ કહ્યું હતું કે શૌર્યચક્ર જેવા સૈન્ય સમ્માન પ્રજાસત્તાક દિન કે પછી સ્વાતંત્ર દિન નિમિતે યોજાતા કાર્યક્રમમાં જ એનાયત કરી શકાય. ગોપાલ સિંહ સૈન્યમાં હતા ત્યારે તેમનું વિશિષ્ટ સેવા મેડલથી પણ સમ્માન થયું હતું. ૨૬/૧૧ના આતંકવાદી હુમલામાં હોટેલ તાજમાં જે કાર્યવાહી થઈ તેમાં પણ ગોપાલ સિંહ સામેલ હતા.

Related posts

પોતાની દીકરીઓને અમેરિકામાં લગ્ન કરવવાના અભરખા રાખતા માતા પિતા માટે સાવધાન

aapnugujarat

બાલિયાસણ ગામના નીલકંઠેશ્વરમંદિર ટ્રસ્ટની જમીન બારોબાર વેચી મારવાના મામલામાં મહેસાણા ડીએસપી વિરુદ્ધ કન્ટેમ્પ્ટ નોટિસ જારી

aapnugujarat

आरटीओ में नया सोफ्टवेयर आया लेकिन काम में तेजी नहीं

aapnugujarat

Leave a Comment

UA-96247877-1