Aapnu Gujarat
ગુજરાત

કાંધલ જાડેજાને દોઢ વર્ષની કેદ

પોરબંદર જિલ્લાની કુતિયાણા બેઠકના એનસીપીના ધારાસભ્ય, અને બાહુબલિ નેતા તરીકે ઓળખાતા કાંધલ જાડેજાને કોર્ટે પોલીસ જાપ્તામાંથી ભાગી જવાના કેસમાં દોઢ વર્ષની સજા અને ૧૦ હજાર રુપિયાનો દંડ ફટકાર્યો છે. ૨૦૦૭ના આ કેસમાં પોલીસને થાપ આપી કાંધલ જાડેજા શિવાની હોસ્પિટલમાંથી ભાગી છૂટ્યા હતા. પોલીસે ૨૦૦૯માં તેમની ફરી ધરપકડ કરી હતી. આ કેસમાં હોસ્પિટલના સ્ટાફ, ડૉક્ટર તેમજ પોલીસ સહિત કુલ ૧૪ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. જાેકે, કોર્ટે કાંધલ સિવાયના તમામ આરોપીઓને નિર્દોષ છોડી દીધા છે.
એક મર્ડર કેસમાં પોલીસ કસ્ટડીમાં રહેલા કાંધલ જાડેજાને ૨૦૦૭માં રાજકોટના વિદ્યાનગર મેઈન રોડ પર આવેલી શિવાની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. જ્યાંથી તેઓ પોલીસને ખો આપીને ફરાર થઈ ગયા હતા. આખરે ૨૦૦૯માં પોલીસને મહારાષ્ટ્રથી કાંધલ જાડેજાની ધરપડ કરવામાં સફળતા મળી હતી. આ મામલે હોસ્પિટલના ડૉ. તુષાર શાહ તેમજ ડૉ. સુનિલ પોપટ ઉપરાંત જેલના ડૉ. અમૃતલાલ પરમાર અને ચાર પોલીસ ગાર્ડ સહિતના આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જાેકે, તમામને કોર્ટે શંકાનો લાભ આપીને છોડી મૂક્યા હતા.
કોર્ટ દ્વારા દોષિત જાહેર કરાયા બાદ કાંધલ જાડેજાનું ધારાસભ્ય પદ પણ જાેખમમાં આવી શકે છે. જાેકે, તેમની પાસે નીચલી કોર્ટના ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારવાનો વિકલ્પ ખૂલ્લો છે. ઉપલી કોર્ટ સજા પર સ્ટે આપે તો તેમનું ધારાસભ્ય પદ બચી શકે છે.
પોરબંદરના ગોડમધર તરીકે ઓળખાતા સંતોકબેન જાડેજાના ચાર સંતાનોમાંના એક કાંધલ જાડેજા પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયા બાદ ૨૦૦૯માં મહારાષ્ટ્રથી ફરી પકડાયા ત્યારે તેમના પર ૨૨ જેટલા ગુના નોંધાયેલા હતા. આ ઉપરાંત, તેઓ ભાજપના કાઉન્સિલર કેશુ ઓડેદરાના મર્ડર કેસમાં પણ મુખ્ય આરોપી હતા. કેશુ ઓડેદરાની ૧ માર્ચ ૨૦૦૫ના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
કેશુ ઓડેદરાના મર્ડરમાં કાંધલની ધરપકડ કરી તેમને સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલી અપાયા હતા.
જાેકે, ત્યારબાદ તેમને રાજકોટ શિફ્ટ કરાયા હતા. વારંવાર બીમાર પડતા હોવાથી તેમને વારંવાર રાજકોટની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવતી હતી. જેમાંથી શિવાની હોસ્પિટલમાં તેમને એડમિટ કરાયા ત્યારે ૬ ફેબ્રુઆરી ૨૦૦૭ના રોજ તેઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા, જે અંગે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. કાંધલને પ્રાઈવેટ હોસ્પિટલમાં એડમિટ કરાવવા બદલ પોલીસની પણ આકરી ટીકા થઈ હતી, પરંતુ પોલીસે એવું કહીને બચાવ કર્યો હતો કે તેમને સરકારી હોસ્પિટલમાં એડમિટ કરવા મંજૂરી અપાઈ હતી, અને ઉચ્ચ અધિકારીઓની જાણ બહાર તેમને પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જાડેજા પરિવાર અવારનવાર પોતાની માફિયા પ્રવૃત્તિને કારણે સમાચારોમાં રહેતો આવ્યો છે. ૨૦ મે ૨૦૦૬માં કાંધલની ૩૨ વર્ષીય પત્ની રેખા જાડેજાની તેમા કાલાવાડ રોડ સ્થિત ઘરે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે કાંધલના ભાઈ કરણની મુંબઈથી ધરપકડ કરી હતી. પોલીસ ફરિયાદ અનુસાર, અજાણ્યા શખ્સો રેખા પર દસ રાઉન્ડ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. કાંધલ જાડેજાના માતા સંતોકબેન જાડેજા સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને પોરબંદરમાં એક સમયે જાેરદાર નામના ધરાવતાં હતાં. તેમના જીવન પરથી ફિલ્મ પણ બની હતી. તેઓ પણ કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને તેમની અન્ય એક ભાજપના કાઉન્સિલરની હત્યાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. સંતોકબેનની આ સિવાય બે કોળી છોકરીઓના મર્ડર અને રેપ કેસના આરોપીઓ મોહન અને મહેશને આશરો આપવા બદલ પણ ધરપકડ કરાઈ હતી. ૩૧ માર્ચ ૨૦૧૧માં તેમનું અવસાન થયું હતું.

Related posts

ખેડબ્રહ્મા લૂંટ વિથ મર્ડર કેસમાં પોલીસને મળી સફળતા

editor

પેપર લીકમાં સીટીંગ જજથી તપાસ કરાવવા કોંગીની માંગ

aapnugujarat

વડોદરા ખાતે મહિલાઓ માટેના ખાસ રોજગાર મેળામાં વિવિધ નોકરીઓ માટે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1