Aapnu Gujarat
બ્લોગ

મનુષ્ય માટેનું માનસિક સ્નાન : નિંદ્રા

તમે જાગી ગયા ? આ સવાલ સાંભળીને અંતરમાં સવાલ ઉઠયો કે શું ખરેખર આપણે જાગેલા છીએ ખરા ! કેટલાને ખ્યાલ છે કે આપણે હજુ ભીતરથી તો સૂતેલા જ છીએ. આંખો તો ખુલ્લી છે માંહયલો તો હજુ ગાઢ નિદ્રામાં જ પોઢેલો છે.
ખરે, આ તો થઇ આધ્યાત્મિક વ્યક્તિઓની વાત પણ ખરેખર નિંદ્રાનું મહત્ત્વ જાણવું હોય તો 48 કલાક ઊંઘ વિનાના કાઢીએ ત્યારે ખબર પડે. ઊંઘ પૂરી ન થાય તો કેવી બેચેની રહે છે. નિદ્રા એ માનસિક સ્નાન છે.
શરીરશાસ્ત્રીઓનું માનવું છે કે, સૂતી વખતે જે માનસિક ક્રિયાઓ ચાલતી હોય છે તે મોડી રાત સુધી ચાલુ રહે છે. સૂતા પહેલા માણસના મનમાં જે વિચાર ચાલતા હોય છે, તેની અસર નિદ્રા આવ્યા પછી પણ ઘણીવાર સુધી ચાલુ રહે છે. એવું પણ કહેવામાં આવે છે કે, કરચલીનો અને વૃદ્ધાવસ્થાનાં ચિહ્નોની અસર ઊંઘમાં પણ થાય છે એટલે તો બાળકની વધતી ઊંચાઇ વિશે આપણે કહીએ છીએ ને કે, દિવસે નથી વધતી એટલી રાત્રે વધે છે. આ વાતથી સાબિત થાય છેકે સૂતી વખતના અને સૂતા પહેલાના વિચારો-મનનીસ્થિતિ શરીર પર ખૂબ ઊંડી અસર કરે છે.
એટલે જે દિવસે તમે ગમે તેટલા વ્યાકુળ થયા છો પરંતુ જ્યાં સુધી તમારા મનની સ્વસ્થતા પાછી મળે નહિ, વૃત્તિઓ સ્થિર થાય નહિ અને તમારું મન શાંત થાય નહિ, ત્યાં સુધી રાત્રે કદી પણ પથારીમાં પડ્વું નહિ.
દોડધામ ભરી અને તાણયુક્ત જીવનમાં દિવસભર વેપારધંધાના વિચારો કરીને મગજ થાકી જાય છે. થાકેલા મગજમાં ચાલતા વ્યવસાયિક વિચારોને શાંત પાડ્યા વિના જ પથારીમાં પડવાથી આપણે અજાણપણે માંદગીને આમંત્રણ પત્રિકા મોકલીએ છીએ.
મન દ્વારા મોકલાવેલા આમંત્રણને શરીર કેવી રીતે નકારી શકે ? ટૂંકમાં આનું પરિણામ એ આવે છે કે, આવા લોકોને નવીન બળ અને નવીન શક્તિ આપનારી નિદ્રાનો લાભ મળતો નથી. સૂર્યોદયમાં પણ તેઓ મજૂરની જેમ જ ઉઠે છે અને રાત કરતાં તેઓ બહુ વૃદ્ધ બની ગયેલા હોય છે.
નિદ્રા માટે શરીર કરતા મનને તૈયાર કરવું વિશેષ મહત્ત્વનું છે. માનસિક સ્નાન શારીરિક સ્નાન કરતા વધારે જરૂરી છે. કોઇ પણ સંજોગોમાં નિરાશા, ઉદાસી કે ક્રોધ સાથે સૂવુ ન જોઇએ ક્યારેક પણ ગુસ્સો, ચિંતા કે વ્યાકુળતા સાથે નિદ્રાધીન ન થવું જોઇએ. તિરસ્કાર, ઇર્ષા અને મન જેવા શાંતિના શત્રુઓને દૂર કરવા જોઇએ.
સખત ગુસ્સો આવ્યો હોય, ગુસ્સો વ્યક્ત કરી દીધો હોય, ક્રોધનો પ્રસંગ ચાલ્યો ગયો હોય છતાં પણ જાણી જોઇને મનની અસ્વસ્થતા ચાલુ રાખી અને આપણી નિંદ્રાનો ભંગ કરવો એ તો આપણને કેમ પરવડે. ઇર્ષા, ક્રોધ, દ્વેષ જેવી નકારાત્મક લાગણીઓ હિમશીલા જેવી હોય છે. હિમશિલાનો ૧૦ ટકા હિસ્સો જ પાણીની ઉપર હોય છે. જ્યારે ૯૦ ટકા હિસ્સો તો પાણીમાં ગરકાવ થયેલો હોય છે, જે આપણને દેખાતો નથી. તેવી જ રીતે આપણા દ્વારા વ્યક્ત થતી નકારાત્મક લાગણીઓમાંથી ૧૦ ટકા જ આપણે અભિવ્યક્ત થઇએ છીએ. બીજુ ૯૦ ટકા કચરો તો મનમાં પડેલો જ હોય છે. આવુ દુષિત મન રોગોનું પ્રવેશદ્વાર બને છે.
જીવન ખૂબ ટૂંકુ છે. સમય એટલો બધો કિમતી છે કે એનો કોઇ પણ ભાગ નિષ્ફળ કે આરોગ્ય વિનાશક વિચારોમાં ખર્ચી શકાય નહિ. પ્રત્યેક રાત્રે મનથી શુદ્ધ બનીને સુવાથી બુદ્ધ ભલે ન બની શકાય પણ એ તક પ્રયાણ કરવાનું વિચારી તો શકાય !
રાત્રે સૂતા પહેલા જો અશાંતિદાયક અને ખરાબ વિચારો દૂર કરવાનું કામ તમને કઠિન લાગતુ હોય તો કોઇક સારો પ્રોત્સાહક ગ્રંથ કે પુસ્તક વાંચવુ. આનંદદાયક સંસ્મણો અને આશાઓથી મનને ભરી દેવાથી પણ સુંદર જીવન તરફ આગળ વધી શકાશે.
આ પ્રકારના થોડા સમયના અભ્યાસ પછી તમે તમારી મનોવૃત્તિ કેવી શીઘ્રતા અને સંપૂર્ણતાથી બદલી શકે છો તે જોઇને તમે આશ્ચર્યચક્તિ થઇ જશો!

લેખક : મનિષા વાઘેલા

Related posts

HAPPY MORNING

aapnugujarat

EVENING TWEET

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1