Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં સતત છઠ્ઠા દિવસે મેઘાની ધમાકેદાર બેટિંગ જારી

અમદાવાદ શહેરમાં આજે સતત છઠ્ઠા દિવસે પણ વરસાદનું જોર યથાવત રહેવા પામતા વીતેલા ૨૪ કલાકની અંદર શહેરમાં સરેરાશ બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.બે ઈંચ વરસાદમાં પણ શહેરમાં વિવિધ ૫૭ સ્થળોએ વરસાદી પાણી ફરી વળ્યા હતા જેમાં બેરલ માર્કેટમાં વસતા લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા.શહેરમાં ગાંધીરોડ ઉપર મકાન ધરાશયી બન્યુ છે જ્યારે શાહપુર વિસ્તારમાં મકાનની દિવાલ ધરાશયી બની છે સદનસીબે કોઈ જાનહાની કે ઈજા થવા પામી નથી.આ વર્ષે અત્યાર સુધીની વરસાદની મોસમમાં અમદાવાદ શહેરમાં રેકોર્ડબ્રેક વરસાદ થવા પામ્યો છે.ગત વર્ષે આખી મોસમમાં શહેરમાં કુલ ૫૭૪ મીલીમીટર વરસાદ વરસ્યો હતો જેની તુલનામાં આ વર્ષે અત્યારસુધીમાં કુલ મળીને ૬૫૨.૬૯ મીલીમીટર વરસાદ વરસી ગયો છે.શહેરમાં ગત શુક્રવારથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવા પામ્યો છે.જેમાં આજે છઠ્ઠા દિવસે પણ કાળા ડીબાંગ વાદળોની વચ્ચે શહેરના મોટાભાગના વિસ્તારોમાં આજે સવારથી જ વરસાદ તૂટી પડતા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા.જેમાં દાણીલીમડા વિસ્તારમાં આવેલા ગુડલક બેરલ માર્કેટ વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘુસતા સ્થાનિક કોર્પોરેટર બદ્દરૂદીન શેખ વિસ્તારમાં પહોંચ્યા હતા જ્યાં તેમણે વરસાદી પાણીના નિકાલ માટે તંત્રને જરૂરી સુચના આપી હતી.આ સિવાય શહેરના મધ્યઝોનમાં બે,પશ્ચિમઝોનમાં એક, ઉત્તરઝોનમાં કુલ ૩૩ સ્થળોએ વરસાદી પાણી ફરી વળ્યા હતા.જેમાં બાપુનગર,પોટલીયા સહીતના વિસ્તારોનો સમાવેશ થાય છે.આ સાથે જ નિકોલ વિસ્તારમાં પણ પાણી ભરાઈ જતા રહીશો મુશ્કેલીમાં મુકાવા પામ્યા હતા.શહેરના પૂર્વઝોનમાં બે સ્થળોએ વરસાદી પાણી ભરાયા હતા આ સાથે જ દક્ષિણઝોનમાં છ અને નવા પશ્ચિમઝોનમાં કુલ ૧૩ સ્થળોએ વરસાદી પાણી ભરાવાની મ્યુનિ. તંત્રને ફરીયાદ મળી હતી. શહેરના મધ્યઝોનમાં આવેલા ગાંધીરોડ ખાતે એબીસી સર્જીકલની બાજુમા આવેલુ જુનુ બિલ્ડિંગ ગત રાત્રીના બારના સુમારે મોટા ધડાકા સાથે ધરાશયી બન્યુ હતુ જો કે સદનસીબે રાત્રીના સમયે બનેલી આ ઘટનાને લઈને કોઈને જાનહાની કે ઈજા થવા પામી ન હતી.આ સાથે જ આજે બપોરના સુમારે શહેરના શાહપુર વિસ્તારમાં આવેલી વસ્તાઘેલજીની પોળના એક મકાનની દિવાલ ધરાશયી બનવા પામી હતી આ બનાવમાં પણ કોઈને જાનહાની કે ઈજા થયાના અહેવાલ નથી.મધ્યઝોનમાં છેલ્લા ૨૪ કલાકમાં આઠ જેટલા ભયજનક મકાનો કે તેના ભાગ અંગેની ફરીયાદ મ્યુનિસિપલ તંત્રને મળવા પામી હતી.જેમાં દરીયાપુર ડબગરવાડના એક મકાનની ભયજનક દિવાલનો પણ સમાવેશ થાય છે.આ ઉપરાંત ઉત્તરઝોનમાં એક અને નવા પશ્ચિમઝોનમાં એક મળી કુલ ૧૦ જેટલી ફરીયાદો તંત્રને મળી હતી જે પૈકી છ ફરીયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.શહેરના વિવિધ વિસ્તારોમાં વીતેલા ૨૪ કલાકમાં કુલ મળીને ૭ જેટલી ભૂવા પડવાની ઘટના બનવા પામી છે જેમાં શહેરના પશ્ચિમઝોનમાં ઉસ્માનપુરા રિવરફ્રન્ટ વોક-વે પર ભૂવો પડતા પ્રોટેકશન કરવામાં આવ્યુ છે.આ સાથે જ વિરાટનગરમાં આવેલા બેટી બચાવ સર્કલ પાસે ભૂવો પડવા પામ્યો હતો.શહેરના મધ્યઝોનમાં એક,પશ્ચિમઝોનમાં ત્રણ,નવા પશ્ચિમઝોનમાં બે અને દક્ષિણઝોનમાં એક મળીને કુલ ૭ ભૂવા પડવા પામ્યા છે.જ્યારે ૨૪ કલાકમાં શહેરમાં કુલ ૨૫ વૃક્ષો ધરાશયી બન્યા છે જેમાં દાણીલીમડા વિસ્તારમાં પાનવાળાની ચાલી પાસે,નિરમા સ્કૂલ, વસ્ત્રાપુર ખાતે પડેલા વૃક્ષ સાથે મધ્યઝોનમાં કુલ ચાર સ્થળોએ, પશ્ચિમઝોનમાં સાત સ્થળોએ, ઉત્તરઝોનમાં પાંચ સ્થળોએ, પૂર્વ ઝોનમાં બે સ્થળોએ, દક્ષિણઝોનમાં ચાર અને નવા પશ્ચિમઝોનમાં ત્રણ સ્થળોએ મળી કુલ ૨૫ વૃક્ષો ધરાશયી બનવાની ફરીયાદ તંત્રને મળવા પામી હતી.અમદાવાદ શહેરમાં વીતેલા ૨૪ કલાકમાં સરેરાશ વરસાદ ૫૮.૮૧ મીલીમીટર(૨ ઈંચ) થવા પામ્યો છે.આ સાથે જ શહેરમાં મોસમનો સરેરાશ વરસાદ ૬૫૨.૬૯ મીલીમીટર(૨૬.૧ ઈંચ) થવા પામ્યો છે.આ વર્ષે અમદાવાદ શહેરમાં રેકોર્ડબ્રેક વરસાદ વરસી ચુકયો છે.ગત વર્ષે આખી મોસમમાં શહેરમાં ૫૭૪ મીલીમીટર વરસાદ વરસ્યો હતો.જેની તુલનામાં આ વર્ષે અત્યાર સુધીમાં કુલ ૬૫૨.૬૯ મીલીમીટર વરસાદ વરસી ગયો છે.
વાસણા બેરેજ ખાતે પાણીની સપાટી ૧૨૯.૫૦ ફુટ નોંધાવા પામી છે.બેરેજના તમામ દરવાજા ખોલી નાંખવામાં આવ્યા છે.નદીમાંથી ૫૯,૬૨૪ કયુસેક પાણીની જાવક થઈ રહી છે.શહેરના તમામ અંડરપાસ ખોલી નાંખવામાં આવ્યા છે.

Related posts

અખિલ ભારતીય માથુર વૈશ્ય મહાસભા મંડળ પરિષદ દ્વારા ગુજરાત મંડળ અંતર્ગત વિરમગામ શાખા દ્વારા સન્માન સમારોહ યોજાશે

aapnugujarat

विभिन्न योजना का लाभ पहुंचाने के लिए मोबाइल एप का शुभारंभ

aapnugujarat

કૃષ્ણનગર ખાતે તસ્કરો ૧૭ લાખ લઇ રફુચક્કર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1