Aapnu Gujarat
ગુજરાત

કૃષ્ણનગર ખાતે તસ્કરો ૧૭ લાખ લઇ રફુચક્કર

શહેરના પૂર્વ વિસ્તારમાં ચોરીની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે. કૃષ્ણનગર વિસ્તારમાં તસ્કરો એક મકાનમાં ઘૂસીને રૂ.૧૭.૧૩ લાખ રૂપિયાની ચોરી કરીને નાસી જતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. જો કે, ભારે આશ્ચર્યની વાત એ હતી કે, જે કબાટમાં રૂ.૧૭.૧૩ લાખ રૂપિયા રોકડા મૂકાયા હતા તેની બાજુમાં ૧૦ તોલા સોનું અને ઈમ્પોર્ટેડ આઈપેડ હતું, જેને તસ્કરોએ હાથ પણ લગાડયો ન હતો અને રોકડરકમ જ ચોરી પલાયન થઇ ગયા હતા. કૃષ્ણનગર પોલીસે સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ વિક્રમાદિત્ય સોસાયટીમાં રહેતા પીયૂષ કાન્તિલાલ ભૂપતાણીએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ૧૭.૧૩ લાખ રૂપિયાની ચોરીની ફરિયાદ કરી છે. પીયૂષ મૂળ વડોદરાનો રહેવાસી છે અને વિક્રમાદિત્ય સોસાયટીમાં યશંવતભાઇ ભટ્ટના મકાનમાં ભાડેથી રહે છે અને રાજકોટમાં ઇલેકિટ્રકલ ચીજવસ્તુઓનો વેપાર કરે છે. પીયૂષની રાજકોટમાં પણ ઓફિસ હોવાથી તે ૧પ દિવસ રાજકોટમાં રહે છે અને બીજા પંદર દિવસ અમદાવાદમાં રહે છે. એપ્રિલ મહિનામાં પીયૂષનાં લગ્ન હોવાથી તે રપ માર્ચના રોજ અમદાવાદથી વડોદરા તેની માતા અને ભાઇને મળવા માટે ગયો હતો. વડોદરામાં પીયૂષની બીના નામની યુવતી સાથે સગાઇ થઇ છે અને તે ઇમિટેશન એક્ઝિબિશન તેમજ કપડાંનું કામ કરે છે. બીનાએ પીયૂષને રૂ.૧૧.૧૩ લાખ રૂપિયા રોક્ડા આપ્યા હતા જ્યારે પીયૂષની કાર વેચી હતી. તેના બે લાખ રૂપિયા રોક્ડા તેની પાસે હતા. આ સિવાય ધંધાના રૂ.૪ લાખ થઇને કુલ રૂ.૧૭.૧૩ લાખ રૂપિયા રોક્ડા કબાટમાં મૂકીને પીયૂષ વડોદરા ગયો હતો ત્યારે તસ્કરોએ તેના ઘરમાં ચોરી કરી હતી. તસ્કરોએ પીયૂષના ઘરમાં ઘૂસીને લાકડાનું કબાટ તોડ્‌યું હતું અને તેમાં રહેલા રૂ.૧૭.૧૩ લાખ રૂપિયા ચોરીને નાસી ગયા હતા. ઘરનો દરવાજો તૂટેલો જોઇને પાડોશમાં રહેતા જગદીશભાઇ રાવલે પીયૂષને ફોન કર્યો હતો અને ચોરી થઇ હોવાની જાણ કરી હતી. પીયૂષ તાત્કાલિક વડોદરાથી અમદાવાદ તેના ઘરે આવી ગયો હતો, જ્યાં તેણે જોયું હતું કે મુખ્ય દરવાજો તૂટેલો છે અને ઘરનો સામાન અસ્તવ્યસ્ત પડ્‌યો છે. પીયૂષે તેનુ લાકડાનું કબાટ ચેક કરતાં તેમાં પડેલા રૂ.૧૭.૧૩ લાખ રૂપિયા ગાયબ હતા. પીયૂષ તરત જ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને જાણ કરી હતી. ચોરીની જાણ થતાં કૃષ્ણનગર પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળે ડોગ સ્કવોડ અને એફએસએલની ટીમને પણ બોલાવી હતી. કૃષ્ણનગર પોલીસે પીયૂષની ફરિયાદના આધારે તસ્કરો વિરુદ્ધમાં ચોરીનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને તેમને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

નરેન્દ્ર મોદીના રોડ શોને લઇને આક્ષેપબાજી : પંચમાં ફરિયાદ

aapnugujarat

PM Modi urged people to visit Sardar Sarovar Dam in Gujarat, hoped that those visiting will also go to Statue of Unity

aapnugujarat

ઉભરાટ-મરોલી રોડ પર બાઇક ઝાડ સાથે ટકરાતા ત્રણ યુવાનના કરૂણ મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1