Aapnu Gujarat
ગુજરાત

નર્મદા જિલ્લા ન્યાયાલયન પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ જે.પી.ગઢવીએ રાજપીપલામાં એમ.આર.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે લીગલ એડ ક્લીનીકનું ઉદ્‌ઘાટન કર્યું

નર્મદા જિલ્લા ન્યાયાલયનાં પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજશ્રી જે.પી. ગઢવીએ આજે રાજપીપલામાં એમ.આર. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે લીગલ એડ ક્લીનીકને ખુલ્લી મુકતાં જણાવ્યું હતું કે, ક્યારેક કાયદાકીય જાણકારીના અભાવે અને તેની અજ્ઞાનતાને લીધે ગંભીર પ્રકારના આવતાં પરિણામો સામે રક્ષણ મળે તેવો આશય અને હેતુ લીગલ એડ ક્લીનીકનો રહેલો છે. કાયદાકીય અજ્ઞાનતાને લીધે ઉભા થતાં રોગને ડામવા માટે તેની સારવાર ખુબ જ જરૂરી છે, બલ્કે આવો રોગ થાય જ નહિ તેવા સાવચેતીના અટકાયતી પગલાંના ભાગરૂપે એડ ક્લીનીક દ્વારા જરૂરી અને પુરતું જ્ઞાન પીરસવાનું કામ વિદ્યાર્થીઓ માટે ઉપકારક બની રહેશે.

રાજપીપલામાં આજે એમ.આર. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના ચેરમેન તથા પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ શ્રી જે.પી. ગઢવી, તાલુકા લીગલ સર્વિસ કમિટીના ચેરમેન તથા પ્રિન્સીપાલ સીનીયર સિવીલ જજશ્રી એસ.એન. વકીલ, ડીએલએસએના સેક્રેટરીશ્રી તથા સીવીલ જજશ્રી પી.આર. ચૌહાણ, જિલ્લા સરકારી વકીલ શ્રી જે.જે. ગોહિલ, બાર એસોસીએશનના પ્રમુખ કુ. વી.આઇ. ભટ્ટ, સેક્રેટરીશ્રી બી..બી. વસાવા, કોલેજના આચાર્યશ્રી ડૉ. શૈલેન્દ્રસિંહજી માંગરોલા, નાયબ માહિતી નિયામકશ્રી યાકુબ ગાદીવાલા તેમજ કોલેજના વિવિધ વિભાગનાં વડા-પ્રાધ્યાપકશ્રીઓની ઉપસ્થિતિમાં લીગલ એડ ક્લીનીકને દિપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લી મુકતાં શ્રી ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, કોલેજના અભ્યાસકાળ દરમિયાન કાયદાકીય અજ્ઞાનતાને કારણે ગુન્હામાં આવી જાય તેવું કોઇક કૃત્ય વિદ્યાર્થીઓ કરી ન બેસે અને તેમની ભાવિ કારકિર્દી નિષ્કલંક રહેવાની સાથે તેમનાં માતા પિતા-વાલીઓનાં સ્વપ્નો રોળાઇ ન જાય બલ્કે તે સાકાર થાય તે માટે વિદ્યાર્થીઓનું કાઉન્સેલીંગ કરવાનો હેતુ આ લીગલ એડ ક્લીનીકનો રહેલો છે, ત્યારે આ કોલેજના વિદ્યાર્થીઓનાં નોંધપાત્ર શિસ્તપાલનમાં આ સેવાનું આજે એક વધારાનું પીંછુ ઉમેરાયું છે. આ ક્લીનીકનો હેતુ બર આવે તે દિશાનાં પ્રયાસોમાં જિલ્લા કાનુની સેવા સમિતી તેની સહાય માટે હરહંમેશ તત્પર છે તેમ જણાવી આ ક્લીનીકની સફળતા માટે તેમણે શુભેચ્છા વ્યક્ત કરી હતી.

ડીએલએસએના સેક્રેટરીશ્રી તથા સીવીલ જજશ્રી પી.આર. ચૌહાણે તેમનાં ઉદબોધનમાં લીગલ એડ કલીનીકનો મુખ્ય હેતુ સમજાવતાં જણાવ્યું હતું કે, કોલેજનાં વિદ્યાર્થીઓને મુંઝવતા કાનુની મુદ્દાઓ અંગે આ સંસ્થા દ્વારા માર્ગદર્શન પુરૂં પાડી તેમનામાં જાગૃતિ કેળવાશે.

રાજપીપલા બાર એસોસીએશનના પ્રમુખ કુ. વી.આઇ. ભટ્ટે પણ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, કોલેજકાળમાં વિદ્યાર્થીઓ દ્વારા કાયદાકીય અજ્ઞાનતાને લીધે ઉપસ્થિત થતાં પ્રશ્નોના નિરાકરણમાં આ કેન્દ્ર વિદ્યાર્થીઓને સહાયરૂપ બનશે. અત્રે પેરાલીગલ વોલન્ટીયર્સ પણ તેમની સેવાઓ પુરી પાડશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા સરકારી વકીલ શ્રી જે.જે. ગોહિલ, સામાજિક સ્વૈચ્છિક-સંસ્થાનાં હોદ્દેદારશ્રીઓ, પેરાલીગલ વોલન્ટીયર્સ શ્રી અજિતભાઇ પંચોલી, શ્રી લીલાબેન સખરેલીયા, એન.એસ.એસ.નાં પ્રોગ્રામ ઓફિસરશ્રી એમ.આર. ભોયે, શ્રી એચ.સી. ચાવડા અને શ્રીમતી એમ.વી. ચૌધરી જ્યારે એન.સી.સી.ના પ્રોગ્રામ ઓફિસર ડૉ. આર.બી. ઠક્કર, કોલેજના વિવિધ વિભાગનાં વડા પ્રાધ્યાપકશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

પ્રારંભમાં કોલેજનાં આચાર્યશ્રી શૈલેન્દ્રસિંહજી માંગરોલાએ સૌનું સ્વાગત કર્યુ હતું અને સમગ્ર કાર્યાલયનું સંચાલન તથા આભારદર્શન પ્રાધ્યાપકશ્રી વી.પી. રાજે કર્યું હતું.

Related posts

‘મિશન શક્તિ’દ્વારા વૈજ્ઞાનિકોએ શક્તિશાળી ભારતની પ્રતીતિ કરાવી : વાઘાણી

aapnugujarat

અમદાવાદમાં ૭૪ કરોડના ખર્ચે બનશે ફોરલેન રેલવે ઓવરબ્રિજ

aapnugujarat

સાબરકાંઠા પોગલુ ખાતે પ્રધાનંત્રી મોદીના જન્મદિને સર્વોપરી નિદાન કેમ્પ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1