Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં ૭૪ કરોડના ખર્ચે બનશે ફોરલેન રેલવે ઓવરબ્રિજ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં દિન-પ્રતિદિન વકરતી જતી ટ્રાફિક જામની સમસ્યાના નિરાકરણ માટે નવા બ્રિજ પ્રોજેક્ટ હાથ ધરાઈ રહ્યા છે, તેમાં પણ ફાટકમુક્ત અમદાવાદ અભિયાન હેઠળ શહેરના હદ વિસ્તારમાંથી પસાર થતી રેલવે લાઇન પરના ફાટક બંધ કરી ત્યાં ઓવરબ્રિજ કે અંડરપાસના નિર્માણનો ધમધમાટ ચાલી રહ્યો છે. અમદાવાદ-બોટાદ રેલવે લાઇન ઉપરાંત મ્યુનિ. સત્તાવાળાઓએ અમદાવાદ વીરમગામ રેલવેલાઇન પર હેબતપુર ગામ પાસે ફોર લેનનો રેલવે ઓવરબ્રિજ બનાવવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે. આ બ્રિજના નિર્માણ પાછળ રૂ. ૭૪ કરોડથી વધુ રકમ ખર્ચાશે.
શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડમાં અમદાવાદ-વીરમગામ રેલવેલાઇનના લેવલ ક્રોસિંગ નંબરઃ ૧૧-બી ઉપર હેબતપુર ગામ પાસે રેલવે ઓવરબ્રિજના નિર્માણ માટે રૂ. ૮૯.૦૬ કરાડનો અંદાજ તેમજ ૭૪.૧૬ કરોડના ટેન્ડરને તંત્રએ બહાર પાડયા છે. આ રેલવે ઓવરબ્રિજ આશરે ૬૭૯ મીટર લંબાઈનો રોડ તૈયાર બનાવાશે, જેમાં થલતેજ તરફ ૩૫૦ મીટર અને હેબતપુર ૩૨૦ મીટરનો એપ્રોચ રોડ તૈયાર કરાશે. જ્યારે ૧૫ મીટરના કેરેજ-વે સાથે તેની ૧૬.૮૦ મીટરની પહોળાઈ હશે. આ રેલવે ઓવરબ્રિજના કારણે થલતેજ-ઝાયડસ હોસ્પિટલ રોડથી હેબતપૂર ગામ-એસપી રિંગરોડ, સાયન્સ સિટી તરફ જતાં વાહન ચાલકોને લાભ થશે.
રેલવે ઓવરબ્રિજ બનવાથી રેલવે ફાટક પર વાહનચાલકોને ટ્રેન પસાર થવાની રાહ જોવામાંથી મુક્તિ મળશે, પરંતુ પેટ્રોલ-ડીઝલ અને ગેસના વપરાશમાં ઘટાડો થતાં કાર્બન ઉત્સર્જનમાં પણ નોંધપાત્ર ઘટાડો થવાથી પર્યાવરણને પણ ફાયદો થશે. વાહનચાલકોને આર્થિક લાભ તેમજ સમયની બચત જેવા લાભ થશે. થલતેજથી હેબતપુર સુધીના ૩૦ મીટરના રોડ પરના ફાટક પર ફોર લેન રેલવે ઓવરબ્રિજના નિર્માણમાં રેલવે વિભાગ સાથે થયેલા મ્યુનિ. તંત્રના કરાર મુજબ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી રેલવે સત્તાવાળાઓ કરશે, જ્યારે મ્યુનિ. સત્તાવાળાઓ એપ્રોચ રોડ તૈયાર કરશે. આ રેલવે ઓવરબ્રિજ ૮.૪૩ મીટર ઊંચો બનશે અને ૫૪ મીટર તેમજ ૧૧.૩૦ મીટર પહોળાઈના બે સ્પાન રેલવે પોર્શનમાં બનાવાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે હેબતપુર રેલવે ઓવરબ્રિજનું ગત તા. ૧૩ સપ્ટેમ્બરે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી ખાતમુહૂર્ત કરાયું હતું. તે વખતે અમદાવાદના રૂ.૫૩૧ કરોડનાં વિવિધ કામોનાં લોકાર્પણ અને ભૂમિપૂજન મુખ્યપ્રધાન પટેલના હસ્તે કરાયાં હતાં. છેલ્લા દોઢ વર્ષમાં અમદાવાદ વીરમગામ રેલવેલાઇન પર ઓવરબ્રિજ બનાવવા મ્યુનિ. સત્તાવાળાઓ દ્વારા રૂ. ૧૫૦ કરોડથી વધુ રકમનાં કામ કરાયા છે.

Related posts

નર્મદા જિલ્લામાં તા. ૪ થી જુને ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાના કેન્દ્રો પ્રતિબંધિત જાહેરઃ કેટલાક કૃત્યો કરવા પર પ્રતિબંધ  

aapnugujarat

ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ માટે હાર્દિક પટેલે કરેલો પ્રચાર

aapnugujarat

પાવાગઢ મંદિર ટ્રસ્ટ બનાવશે ઓક્સિજન પ્લાન્ટ

editor

Leave a Comment

UA-96247877-1