Aapnu Gujarat
ગુજરાત

રાજ્યની આંગણવાડીઓના બાળકોને ગણવેશ વિતરણ કાર્યક્રમનો ઓનલાઇન શુભારંભ

વિજયસિંહ સોલંકી , પંચમહાલ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગાંધીનગરથી રાજ્યની આંગણવાડીઓના 14 લાખ બાળકોને ગણવેશ વિતરણના કાર્યક્રમનો ઓનલાઇન શુભારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત પંચમહાલ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ કુ. કામિનીબેન સોલંકીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાખંડ, ગોધરા ખાતે યોજાયો હતો. કાર્યક્રમને સંબોધતા જિલ્લા પંચાયત પ્રમૂખે જણાવ્યું હતું કે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણની આ પહેલથી જિલ્લાની 2000 જેટલી આંગણવાડીઓના 51,743 બાળકો હવે ખાનગી નર્સરી સ્કૂલ્સ, પ્રિ-સ્કૂલ્સના બાળકોની જેમ ગણવેશમાં શોભશે. યુનિફોર્મ બાળકોમાં એકરૂપતા લાવવામાં, સમાનતાનો ભાવ વિકસાવવામાં, એક ઓળખ ઉભી કરાવવામાં તેમજ આત્મવિશ્વાસની વૃદ્ધિ કરવામાં સહાયરૂપ બનશે તેમ જણાવતા પ્રમુખશ્રીએ આ પહેલ બાળકોના વિકાસમાં અત્યંત મદદરૂપ સાબિત થશે તેમ ઉમેર્યું હતું. ખાનગી નર્સરી અને પ્રિ-સ્કૂલ્સના બાળકો સામે આંગણવાડીના બાળકોને બરાબરની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના નિશ્ચયના ભાગરૂપે બાળકોને યુનિફોર્મ વિતરણ અભિયાનની આ પહેલ હાથ ધરવામાં આવી છે તેમ પ્રમુખએ જણાવ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત મોરવા હડફના ધારાસભ્ય સુશ્રી નિમિષાબેન સુથારે જણાવ્યું હતું કે બાળકોના સર્વાગી વિકાસ માટે રાજ્ય સરકારે આંગણવાડીઓમાં પોષણયુક્ત આહાર, આરોગ્ય તપાસણી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. આંગણવાડીના બાળકોને ઉત્તમ ગુણવત્તાના ગણવેશના વિતરણના આ કાર્યક્રમને આ જ દિશામાં કરાયેલ વધુ એક પ્રશંસનીય પહેલ ગણાવતા આઈસીડીએસની યોજનાઓનો લાભ જિલ્લાના દરેક ખૂણાના બાળકો સુધી પહોંચે અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે સુનિશ્ચિત કરવાની સૌની સહિયારી જવાબદારી હોવાનું તેમણે જણાવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ રાઠોડે જણાવ્યું હતું કે આંગણવાડીની કાર્યકર બહેનો આ બાળકોમાં સારા સંસ્કારોના સિંચન સાથે તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. આ આગવી પહેલના લીધે આ ભૂલકાઓનો આંગણવાડીમાં જવાનો ઉત્સાહ વધશે તેમ અર્જુનસિંહ રાઠોડે જણાવ્યું હતું.
કાર્યક્રમમાં બાળકોને ગણવેશની સાથે માસ્ક, સેનેટાઈઝર ધરાવતી એક હાઈજિન કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં બાળકો દ્વારા બનાવેલ પેઈન્ટિંગ સહિતની કૃતિઓથી ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર એલ.બી.બાંભણિયા, ડેપ્યુટી ડીડીઓ સી.ડી. રાઠવા, ડેપ્યુટી ડીડીઓ અને ખેતીવાડી અધિકારી જે.ડી.ચારેલ, આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર સહિતના વરિષ્ઠ અધિકારીઓ, આંગણવાડી કાર્યકર્તાઓ તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

દાણીલીમડામાં યુવકની હત્યા

aapnugujarat

હત્યા સહિતના ગુનાઓમાં સામેલ ગુનેગાર ઝબ્બે

aapnugujarat

प्रधानमंत्री शहरी आवास योजना : तीन साल में महज ८ फीसदी लक्ष्य ही पूरा किया जा सका

aapnugujarat

Leave a Comment

UA-96247877-1