Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદની એલ.જી.હોસ્પિટલના ડૉક્ટરોએ બાળકીના અંડાશયથી ટ્યુમરની ગાંઠ કાઢી નવજીવન બક્ષ્યું

અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી એલ.જી.હોસ્પિટલમાં એક ૧૧ વર્ષની નાની બાળકી પર યોક સેક ટયુમર નામની દુર્લભ પ્રકારની કેન્સરની ગાંઠનું સફળ ઓપરેશન કરી તેનો જીવ બચાવી લેવાયો હતો. દસ લાખે એકમાં આ પ્રકારની દુર્લભ કેન્સરની ગાંઠનો કિસ્સો જોવા મળતો હોય છે, તેથી એલજી હોસ્પિટલના તબીબો માટે ૧૧ વર્ષની બાળકીનો આ કેસ પડકાર સમાન હતો. જો કે, એલજી હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ અને પ્રોફેસર ઓફ સર્જરી ડો.રાજેશભાઇ સી.શાહ અને તેમના ડોકટરોની ટીમ દ્વારા સફળતાપૂર્વક બાળકીનું ઓપરેશન કરી તેના શરીરમાં જમણી બાજુના અંડાશયમાંથી અઢિ કિલો વજનની ગાંઠ કાઢી લેવામાં આવી હતી. ઓપરેશન બાદ બાળકીની સ્થિતિ સારી અને તેની તબિયત સુધારા પર છે. એલ.જી.હોસ્પિટલમાં બહુ જટિલ અને જવલ્લે જ જોવા મળતી યોક સેક ટયુમરના નામની દુર્લભ ગાંઠનું કપરુ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડનાર પ્રોફેસર ઓફ સર્જરી અને એલ.જી.હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો.રાજેશભાઇ સી.શાહે જણાવ્યું હતું કે, ૧૧ વર્ષની બાળકીને પેટમાં દુખાવાની ઘણી જ તકલીફ હોવાથી તેની ઝીણવટભરી તપાસ હાથ ધરતાં તેના જમણી બાજુના અંડાશયની ગાંઠ હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી હતી. જેથી તેનું ઓપરેશન કરવાનું નક્કી કરાયું હતું. આ પ્રકારની દુર્લભ કહી શકાય એવી યોક સેક ટયુમર નામની ગાંઠ આટલી નાની ઉંમરમાં ભાગ્યે જ જોવા મળે છે. દસ લાખ વ્યકિતએ આવો એક કેસ નોંધાતો હોય છે. યોક સેક ટયુમર નામની આ ગાંઠ એક પ્રકારનું કેન્સર જ છે અને તેની સારવારરૂપે ગાંઠ કાઢયા પછી ત્રણ સાયકલ(તબક્કા)ની વિશેષ કીમોથેરાપી આપવાની થતી હોય છે. દરમ્યાન મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો.રાજેશભાઇ શાહ દ્વારા બાળકીના તમામ તબીબી પરીક્ષણ અને તેના રિપોર્ટ ધ્યાનમાં લીધા બાદ ડો.કૃણાલ સોલંકી, ડો.કલ્પિત સુથાર, ડો.ચૌધરી સહિતના નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા બાળકીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. લગભગ દોઢ કલાકથી વધુ સમય સુધી ચાલેલા આ જટિલ અને ઘણા અઘરા કહી શકાય એવા ઓપરેશન બાદ એલજીના નિષ્ણાત તબીબોની ટીમે બાળકીના અંડાશયમાંથી ૨૨ બાય ૨૦ બાય ૧૫ સે.મીની અઢી કિલો વજનની મોટી ગાંઠ સફળતાપૂર્વક કાઢી લીધી હતી અને તેનો જીવ બચાવ્યો હતો.
ઘણા વર્ષો બાદ એલ.જી હોસ્પિટલમાં યોક સેક ટયુમરની ગાંઠનું ઓપરેશન કરવામાં આવ્યું હતુ, જેને લઇ તબીબી આલમમાં પણ આ સફળ ઓપરેશનની નોંધ લેવાઇ છે. સફળ ઓપરેશન કરનાર મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો.રાજેશભાઇ શાહે જણાવ્યું હતું કે, હજુ બાળકીની ઉંમર નાની હોઇ તેને ભવિષ્યમાં સારા પરિણામો મળશે. તેને કીમોથેરાપીનો કોર્સ અને અન્ય સારવાર ચાલુ રાખવામાં આવશે. બાળકીના માસિકધર્મ સહિતની અન્ય રૂટીન જીવનમાં ઘણીબધી તકલીફોનું નિવારણ શકય બનશે.

Related posts

પારૂલ યુનિવર્સિટી ઘટનાના પ્રશ્ને બધી કાનુની કાર્યવાહી કરાઈ : ભુપેન્દ્રસિંહ ચુડાસમા

aapnugujarat

પોસ્ટ ઓફિસની તમામ સર્વિસ ઓનલાઇન થઇ જશે

aapnugujarat

ભાવનગરની સર ટી હોસ્પિટલમાં નર્સેનો આપઘાત

editor

Leave a Comment

UA-96247877-1