Aapnu Gujarat
ગુજરાત

કેવડીયામાં સ્વામી નારાયણ હાઇસ્કુલ ખાતે નર્મદા જિલ્લાનો જિલ્લાકક્ષાનો ૬૮ મો વન મહોત્સવ ઉજવાયો

રાજ્યવ્યાપી ૬૮ મા વન મહોત્સવ ઉજવણીના ભાગરૂપે આજે નર્મદા જિલ્લાનો જિલ્લાકક્ષાના વન મહોત્સવ કાર્યક્રમને રાજ્યના વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યમંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી, વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળના અધ્યક્ષશ્રી એન.વી. પટેલ, રાજ્યના અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી આર.એલ. મીના, રાજ્ય પ્રવાસન નિગમના ડિરેક્ટરશ્રી ગજેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. રણજીતકુમાર સિંહ વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મુકાયો હતો.

આ પ્રસંગે રાજ્ય મંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર વન વિસ્તરણ માટે અથાગ પ્રયત્ન કરી રહી છે. જીવ માત્રને  શુધ્ધ પાણીની જેમ શુધ્ધ હવા મળી રહે તે માટે જ્યાં જગ્યા મળે ત્યાં વૃક્ષો વાવવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. રાજ્ય સરકારે દરેક જિલ્લાઓમાં જુદા જુદા નામો સાથે વનો બનાવ્યા છે. ચાલુ વર્ષ રાજ્યમાં ૧૦ કરોડ વન રોપા વિતરણનો લક્ષ્યાંક છે. નર્મદા જિલ્લામાં પણ ૫૮ લાખ જેટલા રોપાઓનું વિતરણ કરી તેના ઉછેર સુધીની જવાબદારી સોંપવામાં આવી છે. મંત્રીશ્રી તડવીએ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેઇન્જ જેવા ખતરાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, આપણા આદિવાસી વનબંધુઓ વર્ષોથી વનની રક્ષા કરતા આવ્યાં છે. આ વન વિસ્તાર વધુ સમૃધ્ધ બને તેવા સહિયારા પ્રયાસો કરવાની તેમણે હિમાયત કરી હતી.

આ પ્રસંગે વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળના અધ્યક્ષ અધ્યક્ષશ્રી એન.વી પટેલે જણાવ્યું હતું કે, ડુબાણના વિસ્તારના જેટલા વૃક્ષો ડુબશે તેમાં સો ગણા વૃક્ષો વાવવાનો સરકારે સંકલ્પ કર્યો છે. કેન્દ્ર સરકારમાં સ્વ.શ્રી કનૈયાલાલ મુન્શી વન મંત્રીશ્રીનો પદભાર સંભાળતા હતા. ત્યારથી ૧૯૫૦ ના વર્ષથી દર વર્ષે વન મહોત્સવ ઉજવવામાં આવે છે. ગ્લોબલ વોર્મિંગથી ગરમીમાં વધારો થયો છે. તેનાથી હોનારતો થવાનો ભય રહે છે. તેની સામે ટકી રહેવા ૩૩ ટકાથી વધુ વિસ્તારમાં વનો ઉભા કરવા સરકાર કટિબધ્ધ છે. ક્લાઇમેન્ટ ચેન્જ જેવી બાબતોમાં વૃક્ષો મદદ કરે છે. સામાજિક વનીકરણ દ્વારા વધુમાં વધુ વૃક્ષો વાવવા શ્રી પટેલે આહવાન કર્યું હતું.

રાજ્યના અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી આર.એલ. મીનાએ તેમના વ્યક્તવ્યમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી દરેક જિલ્લામાં સાંસ્કૃતિક વનો બનાવવાનો સંકલ્પ કર્યો છે. રાજ્ય સરકાર વૃક્ષો ઉછેર માટે સતત પ્રયત્નશીલ છે. વન અને ડુંગરાળ વિસ્તારોમાં ખેડાણ વધે નહિ તેવી કાળજી સાથે વનનો વિસ્તાર કરવાનો નિર્ધાર કરેલ છે, ત્યારે પ્રત્યેક વ્યક્તિ એક વૃક્ષ ઉછેરે તેવો શ્રી મીનાએ અનુરોધ કર્યો હતો.

જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ જણાવ્યું હતું કે, નર્મદા જિલામાં પ્રવાસી મુલાકાતીઓ રજા ગાળવાનું પસંદ કરે છે. તેવો હરિયાળો નર્મદા જિલ્લો છે. નર્મદા જિલ્લાનો વન વિસ્તાર સમૃધ્ધ છે. રોપા વિતરણ સાથે વન વિસ્તારની જાળવણી કરી વિદ્યાર્થીઓ ઉપરાંત વાલીઓએ પણ વૃક્ષો વાવવાનો નિર્ધાર કરવો જોઇએ. વનથી જીવસૃષ્ટિ ટકી રહે છે. નર્મદા જિલ્લાને વનોચ્છાદિત કરવાની દિશામાં આગળ ધપીએ તેવો શ્રી નિનામાએ ખાસ અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે મંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી સહિતના મહાનુભાવોના હસ્તે આંબાની કલમ સાથે રૂા. ૧૦.૧૦ લાખના રકમના ચેકનું વિતરણ નર્સરીના લાભાર્થીઓને કરવામાં આવ્યું હતું અને આંબાની કલમ સાથે સાધન સહાયનું પણ વિતરણ કરાયું હતું. વન વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વન કર્મીઓને મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ પ્રશસ્તિપત્રો એનાયત કરી સન્માનિત કરાયાં હતાં.

આ પ્રસંગે નાયબ વન સંરક્ષકશ્રી ડૉ. સંદીપકુમાર અને શ્રીમતી રાજ સંદીપ,  એસ.આર.પી. ગૃપના કમાન્ડન્ટશ્રી નિનામા, ડી.વાય.એસ.પી.શ્રી ભદોરીયા, શ્રી શંકરભાઇ વસાવા, શ્રી કિરણભાઇ વસાવા, શ્રીમતી શારદાબેન તડવી, ડૉ. દર્શનાબેન દેશમુખ, શ્રીમતી ભારતીબેન તડવી, શ્રીમતી રંજનબા ગોહિલ, શાળાના આચાર્યશ્રી, વન સમિતિના હોદ્દેદારો, વન વિભાગના અધિકારીશ્રીઓ-કર્મચારીઓ, ગ્રામજનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

કાર્યક્રમના અંતમાં મંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી સહિતના મહાનુભાવો સાથે ઉપસ્થિત સૌએ વૃક્ષારોપણ કર્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં નાયબ વન સંરક્ષકશ્રી ડૉ. સંદિપ કુમારે શાબ્દિક સ્વાગત કરી વન મહોત્સવની ઉજવણીના લાભો વર્ણવાની સાથે કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને અંતમાં શ્રી બી.સી. ધારીયાએ આભારદર્શન કર્યું હતું.

Related posts

વિરમગામ નગરપાલિકાની સામાન્ય સભા મા વોર્ડ નં ૮ ના ૧૦૦ થી વઘુ રહીશોએ રસ્તા અને પાણીના પ્રશ્ને હોબાળો મચાવ્યો

aapnugujarat

કોંગ્રેસ ઓફિસ ઉપર દેખાવો અને તોડફોડ

aapnugujarat

કાંકરિયામાં રાઇડ તૂટતા ત્રણ લોકોના મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1