Aapnu Gujarat
ગુજરાત

મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરા જિલ્લામાં ૬૮મા વન મહોત્સવ હેઠળ વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ

ખેલ રાજ્યમંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ગજાધરા ગામે ઓલ ગુજરાત ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનીકલ ટ્રેનીંગ એન્ડ રીસર્ચ (એજીઆઇડીટીટીઆર) ના પરિસરમાં રોપ વાવીને, સામાજિક વનીકરણ વિભાગ, વડોદરાના ઉપક્રમે ૬૮મા વન મહોત્સવનો અને ઘનિષ્ઠ વનીકરણ પખવાડીકનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે ૮૫ જેટલી નર્સરીઓમાં ૪૮ પ્રકારના ૨૪ લાખ જેટલા રોપા ઉછેરીને, વાવેતર માટે નાગરિકોને વિતરણ કરવાના અને વૃક્ષ ઉછેર અને જાળવણીના પવિત્ર ધર્મ કાર્યમાં લોકશક્તિને જોડવાના આયોજનને બિરદાવ્યુ હતું. તેમની સાથે અન્ન આયોગ અધ્યક્ષ ભૂપેન્દ્રભાઇ લાખાવાળા, ઉત્સવ પરીખ અને વાઘોડિયા તાલુકાના આગેવાનો, પૂર્વ ધારાસભ્ય દિલુભા, વડોદરા વર્તુળના મુખ્ય વન સંરક્ષક શ્રી એસ.કે.સકસેના, જિલ્લા કલેકટર પી.ભારતી, એજીઆઇડીટીટીઆરના શ્રી રાજેશ મોદી અને વન પરિવાર જોડાયો હતો. નાયબ વન સંરક્ષક (સા.વ.) શ્રી એસ.એન.જોષીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

વૃક્ષથી વિખુટા પડીને તોરણમાં બંધાયેલા આંબા-આસોપાલવના પાન આઠ કલાક સુધી પ્રાણવાયુ આપે છે એવી જાણકારી આપતાં મંત્રીશ્રીએ જણાવ્યુ કે, વૃક્ષ ઇશ્વર જેવા જ છે, સતત પ્રાણવાયુ, ફળફુલ આપે છે અને બદલામાં કશું જ માંગતા નથી. પ્રત્યેક કપાતા વૃક્ષની સાથે પ્રાણવાયુ, હવાની શુધ્ધતા અને પાણીની વિપુલતા ઘટે છે એવી લાગણી વ્યક્ત કરતાં તેમણે ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે વન વિભાગની સાથે વૃક્ષોના નવસર્જન, જતન અને સંવર્ધનમાં સમાજને જોડાવા અપીલ કરી હતી. તેમણે મુખ્યમંત્રી તરીકે પ્રધાનમંત્રીશ્રી મોદીની આહલેક હેઠળ ગુજરાતમાં વીરાંજલી વન જેવા શ્રેણીબધ્ધ થીમ આધારીત વન ઉછેરની ખાસ પ્રસંશા કરી હતી.

જિલ્લા કલેકટર પી.ભારતીએ વૃક્ષ એ જ જીવનના શિક્ષણનો પ્રેક્ટીકલ લાઇફમાં અમલ કરવાની ભલામણ કરી હતી. શ્રી એસ.કે.સકસેનાએ જણાવ્યુ હતું કે, પોતાની જમીનમાં વૃક્ષ વાવેતર કરવા ઇચ્છતા ખેડૂતો gujaratforesteservices પર ઓનલાઇન અરજી કરે. વન વિભાગ રોપા પૂરા પાડી વાવેતર કરી આપવાની સાથે, પ્રત્યેક ઉછરી ગયેલા રોપા દીઠ રૂા. ૧૪ થી ૩૦ સુધીનું વળતર પણ આપશે. શ્રી લાખાવાળાએ કલાઇમેટ ચેન્જના પડકારોના સફળ મુકાબલા માટે વૃક્ષ ઉછેર અનિવાર્ય ગણાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીના દસ કરોડ વૃક્ષ ઉછેરના સંકલ્પને સાકાર કરવામાં સામાજિક વનીકરણ વિભાગના યોગદાનની ખાતરી આપવાની સાથે સહુને આવકારતા શ્રી એસ.એન.જોષીએ જણાવ્યુ હતું કે, ૬૮મા વન મહોત્સવ હેઠળ ૧૦.૫ લાખ રોપા લોકસહયોગથી વાવી દીધા છે. હવે ૨૪ વન રથોના માધ્યમથી ૪૭૦ ગામોમાં લોકો દ્વારા ઉછેર માટે રોપાઓનું વિતરણ કરાશે. તેમણે વિનામૂલ્યે રોપા મેળવવા લોકો નીકટની વન નર્સરીનો સંપર્ક કરે તેમ જણાવ્યુ હતું. આ પ્રસંગે વનીકરણ, રોપ વિતરણ અને વન્ય પ્રાણી સંરક્ષણમાં શ્રેષ્ઠ યોગદાન માટે શ્રી પી.એસ.રાઠોડ, પી.પી.ચૌહાણ, એમ.જે.ભાલીયા અને એમ.બી.નિઝામાને ચંદ્રકો એનાયત કરાયા હતા.

Related posts

2001 પછી ભાજપે નર્મદા યોજનાને નામે રાજકીય લાભ લીધો છે : અમિત ચાવડાએ સરકાર પર કર્યા આકરા પ્રહારો

aapnugujarat

હાર્દિકની ચૂંટણી લડવા અંગેની અરજી જજે નોટ બીફોર મી કરી

aapnugujarat

અમદાવાદ મેટ્રોના સ્ટેશન પરના એસ્કેલેટર્સ-લિફ્ટ બંધ રાખવા નિર્ણય લેવાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1