Aapnu Gujarat
બ્લોગ

સબરીમાલા વિવાદઃ બોર્ડના કારભારીઓને વહેલી અક્કલ આવી હોત તો આ બધું ના થયું હોત

છેલ્લા કેટલાય સમયથી ગાજી રહેલા કેરળના સબરીમાલા મંદિરને મામલે બુધવારે એન્ટિ ક્લાઈમેક્સ આવી ગયો. સબરીમાલા મંદિરમાં પરંપરાના નામે ૧૦ વર્ષથી ૫૦ વર્ષની ઉંમર સુધીની મહિલાઓને પ્રવેશ નહોતો અપાતો. સુપ્રીમમાં તેની સામે અપીલ થયેલી ને સુપ્રીમે આ બકવાસ પરંપરાને કોરાણે મૂકીને તમામ મહિલાઓને પ્રવેશવા દેવા ફરમાન કરેલું. તેની સામે કહેવાતાં હિંદુવાદી સંગઠનોએ તલવાર તાણી તેથી માહોલ લાંબા સમયથી તણાવપૂર્ણ છે. આ મંદિરનો કારભાર ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ કરે છે ને એ લોકો સદીઓ જૂની પરંપરાના નામે મહિલાઓને મંદિરમાં આવવા જ દેતા નહોતા.
સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે તેમણે પણ બાંયો ચડાવેલી ને સુપ્રીમ કોર્ટના ચુકાદાની ઐસીતૈસી કરીને મહિલાઓને મંદિરમાં જવા જ નહોતા દેતા. બોર્ડના ટ્રસ્ટીઓ ને પૂજારીઓ આ મામલે મરવા-મારવાની વાતો પર આવી ગયેલા. તેના કારણે જ લોકો ભડકેલાં ને કેરળમાં જે હોળી સળગી તેના મૂળમાં બોર્ડના કારભારીઓ હતા. તેમણે ધર્મના નામે લોકોને ભડકાવીને કેરળની પત્તર ખાંડી નાખેલી. બીજી બાજુ તેમણે સુપ્રીમ કોર્ટમાં આ ચુકાદો બદલવા માટે પણ અરજીઓનો ઢગ કરાવી દીધેલો. આ ચુકાદા સામે એકસામટી ૬૪ અરજીઓ થયેલી ને તેમાંથી મોટા ભાગની બોર્ડે કરાવેલી. એ બધી અરજીઓનો સૂર એક જ હતો કે, આ ચુકાદો બદલો ને વરસોથી જે પરંપરા ચાલે છે તેમાં કડછો ના મારો.
બોર્ડના કારભારીઓના ચડાવ્યા બધા અરજીઓ કરીને બેસી ગયેલા ને બોર્ડે ગુરૂવારની સુનાવણીમાં તેમણે રીતસરની ગુલાંટ જ લગાવી દીધી. બોર્ડના વકીલે જાહેર કર્યું કે, અમે સુપ્રીમ કોર્ટનો ચુકાદો માથે ચડાવીએ છીએ ને બધી ઉંમરની મહિલાઓ મંદિરમાં પ્રવેશે તેની સામે અમને કઈ વાંધો નથી. બોર્ડના કારભારીઓ વતી તેમના વકીલે જાહેર કર્યું કે, આ ચુકાદા સામે અમારે કોઈ રિવિઝન અરજી પણ કરવી નથી. કોઈ ચોક્કસ વર્ગ સાથે માત્ર જૈવિક આધાર પર ભેદભાવ કરાય એ બરાબર નથી એ અમને સમજાયું છે તેથી અમને મંદિરમાં મહિલાઓને પ્રવેશ અપાય તેમાં વાંધો નથી.
બોર્ડના અધિકારીઓને અચાનક ડહાપણની દાઢ ક્યાંથી ફૂટી એ કળવું મુશ્કેલ છે, પણ તેમને મોડે મોડે પણ અક્કલ આવી એ સારું થયું. સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અનાદર કરીશું તો કોર્ટના અનાદર બદલ કેસ ઠોકાઈ જશે ને દિલ્હીનાં આંટાફેરા ખાવા પડશે એવો ડર કામ કરી ગયો હોય એવું પણ બને. બોર્ડના કારભારીઓ અત્યાર લગી ભાજપના જોરે કૂદતા હતા, પણ કેન્દ્રમાં ભાજપ સરકાર ઢીલી પડી છે તેના કારણે લોકસભાની ચૂંટણીમાં ભાજપ ના જીતે એવો અંદેશો પણ ઘણાંને થવા લાગ્યો છે. ભાજપ ફરી સત્તામાં ના આવે તો કેરળની ડાબેરી સરકાર આપણને બૂચ લગાવી દે એવો ડર કામ કરી ગયો હોય એવું પણ બને. ખરેખર અત્યાર લગી આ ધૂપ્પલ ચલાવ્યું તેના કારણે તેમને પસ્તાવો થયો હોય ને તેનું પ્રાયશ્રિ્‌ચત કરવા સાચા દિલથી આ નિર્ણય લેવાયો હોય એવું પણ બને. કારણ ગમે તે હોય પણ જે થયું તે સારું થયું. દેર આયે દુરસ્ત આયે.
બોર્ડના આ નિર્ણયથી બધાંને આંચકો લાગ્યો છે ને તેમાં ભાજપવાળા પણ આવી ગયા. ભાજપવાળાએ બોર્ડના કારભારીઓને આગળ કરીને ભારે ઉધામો કરાવેલો. બોર્ડના કારભારીઓ આ મુદ્દાને ચગાવ્યા કરે ને કેરળમાં બધું સળગતું રહે તો લોકસભાની ચૂંટણીમાં ભાજપને ફાયદો થાય એવી તેમની ગણતરી હશે જ. બોર્ડે અચાનક ગુલાંટ લગાવી દીધી તેમાં ભાજપવાળા બઘવાઈ ગયા છે. ભાજપવાળા બોર્ડના કારભારીઓ સામે બોલી શકે તેમ નથી કેમ કે તેમની સામે બોલવા જાય તો શ્રદ્ધાળુઓ ભડકી જાય એટલે તેમણે કેરળની સરકાર પર દોષનો ટોપલો ઢોળી દીધો. કેરળની સરકારે દબાણ પેદા કરીને બોર્ડના કારભારીઓને વલણ બદલવા ફરજ પાડી છે એવો આક્ષેપ ભાજપે કર્યો છે.
ભાજપની આ વાતમાં કેટલો દમ છે એ ખબર નથી, પણ માનો કે, કેરળની ડાબેરી સરકારે બોર્ડના કારભારીઓ પર દબાણ પેદા કર્યું હોય ને તેમને લુખ્ખી દાટી આપી હોય તો તેમાં કશું ખોટું નથી. કેરળની સરકારે એ કામ કરીને આ દેશના બંધારણની ને હિંદુત્વ બંનેની સેવા કરી છે.
સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ નહોતો અપાતો એ બંધારણની ઐસીતૈસી હતી. આ દેશનું બંધારણ સમાનતાના પાયા પર ઊભેલું છે. આપણા બંધારણમાં દેશના દરેક નાગરિકને સમાન ગણવામાં આવ્યા છે. ધર્મ, જ્ઞાતિ, વર્ણ કે સ્ત્રી-પુરૂષ એવા કોઈ ભેદભાવને આપણે ત્યાં જગા જ નથી. ધર્મના નામે પણ કોઈ ભેદભાવ ના કરી શકાય કે બીજા કોઈ આધાર પર પણ ભેદભાવ ના કરી શકાય. સબરીમાલા મંદિરમાં સામનતાના સિદ્ધાંતની ઐસીતૈસી કરીને વરસોથી ખુલ્લો ભેદભાવ કરાતો હતો. એક ધર્મના મંદિરમાં પુરૂષોને પ્રવેશ હોય પણ ચોક્કસ વય જૂથની સ્ત્રીને પ્રવેશ ના હોય એ ખુલ્લો ભેદભાવ જ કહેવાય. પરંપરાના નામે આ ભેદભાવ કરાયો ને એ બંધારણના સિદ્ધાંતોનો ભંગ જ હતો.
સુપ્રીમ કોર્ટે બંધારણની જોગવાઈ પ્રમાણે આ પરંપરાને વાહિયાત ગણાવીને ફગાવી દીધી પછી તેનો અમલ કરાવવા સામે કૉંગ્રેસ ને ભાજપ સહિતના રાજકીય પક્ષો આડા ફાટેલા. સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાનું પાલન કરવાની આ દેશની દરેક વ્યક્તિની ફરજ હતી. ભાજપ કેન્દ્રમાં સત્તા પર છે ત્યારે તેની તો એ વિશેષ ફરજ બને કે તે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સન્માન કરે અને તેનો અમલ કરાવવા માટે બધી તાકાત લગાવી દે. કેન્દ્રની મોદી સરકારની એ બંધારણીય ફરજ હતી, પણ એ ફરજ બજાવવાના બદલે તેમની જ પાર્ટી ચુકાદાના અમલમાં રોડાં નાખવા મેદાનમાં આવી ગયેલી. મોદી સરકાર તમાશો જોઈ રહેવા સિવાય કશું કરતી નહોતી. આ સંજોગોમાં કેરળની સરકારનું કામ બંધારણીય જોગવાઈના રક્ષણ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાનું પાલન થાય એ જોવાનું હતું. એ માટે જે થાય એ કરવું પડે કેમ કે આ દેશમાં બંધારણ સર્વોપરિ છે, મતબૅંકનું રાજકારણ નથી. આ ચુકાદાના અમલ આડે જે પણ આવે તેને પાંસરા કરી નાખવા એ કેરળ સરકારની ફરજ હતી. આ ફરજ બજાવવા માટે તેણે બોર્ડના કારભારીઓને દબડાવ્યા હોય કે દબાવ્યા હોય તો તેમાં કશું ખોટું જ નથી.
સબરીમાલામાં હિંદુત્વના નામે વરસો લગી રીતસરનું ધૂપ્પલ ચાલ્યું હતું. હિંદુ ધર્મમાં ક્યાંય એવું લખ્યું છે ખરૂં કે મહિલાઓને મંદિરમાં પ્રવેશ ના હોવો જોઈએ ? લખ્યું હોય તો બતાવો. ભારત જ નહીં પણ દુનિયાભરમાં હિંદુ મંદિરો આવેલાં છે. આ હિંદુ મંદિરોની સંખ્યા હજારોની છે ને તેમાં ક્યાંય મહિલાઓને પ્રવેશ ના હોય એવું નથી. સબરીમાલાવાળા નવો ધર્મ લઈ આવ્યા ને તેમણે નવું તૂત ઊભું કરી દીધેલું. સબરીમાલા મંદિર કરતાં પણ જૂનાં મંદિરો દુનિયામાં છે. આ મંદિરોમાંથી કોઈ મંદિરમા સ્ત્રીઓને પ્રવેશ ના હોય એવું નથી ત્યારે સબરીમાલાવાળા આવી બકવાસ પરંપરા હિંદુત્વના નામે ચલાવે એ હિંદુત્વનું અપમાન જ કહેવાય.
હિંદુવાદી સંગઠનો ખાઈ બદેલા સ્થાપિત પરિબળો અને ભાજપનાં પીઠ્ઠુ છે તેથી તેમને આ બધા સામે વાંધો નહોતો. ભાજપને ઘેટાંના ટોળા જેવા લોકોની મતબૅંકમાં રસ હતો તેથી તેને પણ આ બધું બંધ કરવામાં રસ નહોતો. બલકે તેણે તો આ બધું ભડકે તેવા કારસા કર્યા. આ બધાના કારણે હિંદુત્વ તો બાજુ પર જ રહી ગયેલું ને હિંદુત્વના મૂળભૂત સિદ્ધાંતો કોરાણે મુકાઈ ગયેલા. ડાબેરીઓ બધું વિદેશ ભણી જોઈને કરે છે ને તેમને હિંદુત્વ તરફ ભયંકર અણગમો છે. હિંદુત્વની વાત કરતાં કોમવાદી ગણાઈ જઈશું એવું માનીને એ લોકો રીતસરની આભડછેટને પોષે છે. આમ છતાં બંધારણના અમલના બહાને પણ તેમણે હિંદુત્વની સેવા કરી છે એ કબૂલવું પડે.
ગુજરાતીમાં કહેવત છે કે જેનો અંત સારો તેનું બધું સારું. આમ બધું અત્યાર લગી ચાલ્યું પણ હવે નહીં ચાલે એ સારું જ છે. બોર્ડના કારભારીઓની સાન ઠેકાણે આવી એ સારું જ છે. અફસોસ એટલો જ થાય કે તેમની સાન બહું મોડી ઠેકાણે આવી ને તેની કિંમત ઘણાં નિર્દોષ લોકોએ ચૂકવી. સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં કેરળ રીતસર ભડકે બળ્યું ને સંખ્યાબંધ નિર્દોષ લોકોએ તેમાં જીવ ખોયા. કરોડો રૂપિયાની સંપત્તિ સ્વાહા થઈ ગઈ ને દિવસો લગી લોકો ઊંચા જીવે જીવ્યાં એ તો અલગ. બોર્ડના કારભારીઓને વહેલી અક્કલ આવી હોત તો આ બધું ના થયું હોત.
આશા રાખીએ કે, દેશમાં જ્યાં પણ ધર્મના નામે ધૂપ્પલ ચાલતાં હશે એ બધાં પ્રેરણા લેશે ને ખોટી મમત રાખીને લોકોના જીવ જોખમમાં નહીં મૂકે.

Related posts

લોકસભા ચૂંટણીનું સ્પષ્ટ થતું પરિદૃશ્ય

aapnugujarat

રજનીકાંત : બસ નામ હી કાફી હૈ

aapnugujarat

ડૉ. બાબાસાહેબ આંબેડકર : કૉંગ્રેસના રાજકારણનું અધઃપતન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1